ઉદ્યોગ જગત માટે ઉદાહરણીય તેવા અણમોલ 'રતન' ટાટાની ચિરવિદાય
વિશ્વમાં મૂડીવાદ એ હદે ફૂલ્યો ફાલ્યો છે કે માનવી કે માનવતા હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ઉદ્યોગપતિઓ અને સરકાર જોડેની સાંઠગાંઠ અમેરિકાથી માંડી એશિયાના દેશો સુધી એ હદની છે કે પ્રકૃતિ અને પર્યાવરણની પણ હવે પરવા નથી રહી. 'ગીવીંગ બેક ટુ સોસાયટી' એટલે કે સમાજને પરત આપવાના તો સંસ્કાર જ નેવે મૂકી દેવાયા છે. આવા કલુષિત વાતાવરણ વચ્ચે પાંચ દાયકાથી વધુ ઝળકતા રહેનાર ભારતના રતન એટલે જેનું નામ માત્ર જ ગુડવિલ -શાખનો પર્યાય કહી શકાય તેવા ઉદ્યોગપતિ રતન ટાટા.
૨૮ ડીસેમ્બર,૧૯૩૭માં મુંબઈમાં જન્મેલા રતન ટાટાના જીવન અને પ્રદાનને આઠ દસ લાઈનમાં સમાવવંે શક્ય નથી.ટાટા ગ્રુપ અને ટાટા સન્સના ચેરમેન તરીકે સેવા આપતા તેમણે ટાટાને વૈશ્વિક બ્રાન્ડ બનાવી હતી.હાર્વર્ડ બીઝનેસ સ્કુલના સ્નાતક રતન ટાટાનાં કાર્યકાળ દરમ્યાન ટાટા ગ્રુપની રેવન્યુ ૪૦ ગણી અને નફો ૫૦ ગણો વધ્યો છે.ટાટાએ 'ટેટલે' ખરીદી ટાટા ટી અને 'જગુઆર લેન્ડ રોવર' ખરીદી ટાટા મોટર્સના નેજા હેઠળ લાવી દીધી હતી.જ્યારે 'કોરસ'ને હસ્તગત કરીને ટાટા સ્ટીલને સમાવી તેમની બીઝનેસ કુનેહની પ્રતીતિ કરાવી. તેમેણે ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશ વિદેશના રોકાણકારોની હાજરીમાં તેમના સંબોધન દરમ્યાન કહ્યું હતું કે 'જો તમે ગુજરાતમાં બીઝનેસ માટે રોકાણ નથી કરતા તો તમે મુર્ખ છો.' નેનોને લીધે ગુજરાત અને સાણંદને તેમણે જગવિખ્યાત બનાવી દીધું હતું.