જાણીતા શાયર મુનવ્વર રાણાનું કાર્ડિયાક અરેસ્ટને લીધે 71 વર્ષની વયે નિધન, આજે તેમની દફનવિધી
લખનઉના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી
Munawwar Rana News | મા અંગે અનેક રચનાઓ લખનારા પ્રસિદ્ધ શાયર મુનવ્વર રાણાનું મોડી રાતે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થઇ ગયું. તેઓ ઘણાં દિવસોથી બીમાર હતા. તેમની લખનઉના પીજીઆઈમાં સારવાર ચાલી રહી હતી.
71 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
તેમને 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. રાણાએ 71 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મુનવ્વરને કિડની અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ હતી.
દીકરીએ આપી માહિતી
અહેવાલ અનુસાર મુનવ્વર રાણાની દીકરી સુમૈયાએ કહ્યું કે તેમના પિતાને રવિવારે મોડી રાતે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આજે તેમની દફનવિધી કરવામાં આવશે. મુનવ્વરના પરિવારમાં તેમની પત્ની, ચાર દીકરીઓ અને એક દીકરો છે. રાણાના દીકરા તબરેજે કહ્યું કે બીમારીના કારણે તેમના પિતા 14-15 દિવસથી સારવાર હેઠળ હતા. તેમને અગાઉ લખનઉની મેદાંતા અને પછી એસજીપીજીઆઈમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે રવિવારે રાતે આશરે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
ઉર્દૂ સાહિત્ય જગતમાં હતા પ્રસિદ્ધ
માહિતી અનુસાર મુનવ્વર રાણા ઉર્દૂ સાહિત્ય જગતની પ્રસિદ્ધ હસ્તી હતા. 26 નવેમ્બર 1952ના રોજ રાયબરેલીમાં તેમનો જન્મ થયો હતો. તેમને 2014માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા. તે તેમની બેબાક નિવેદનબાજીને લીધે પણ જાણીતા હતા.