લખનૌનું નામ બદલવા મુદ્દે ફેમસ ગીતકાર મનોજ મુંતશિરનું સમર્થન
નવી દિલ્હી, તા. 11 ફેબ્રુઆરી 2023 શનિવાર
ફેમસ ગીતકાર મનોજ મુંતશિરે લખનૌનું નામ બદલવા મુદ્દે સમર્થન કરતા કહ્યુ કે પહેલા પણ જે નામ બદલવામાં આવ્યા છે તે બરાબર કર્યુ કેમ કે અત્યાર સુધી જે નામ બદલવામાં આવ્યા છે તે બદલવામાં આવ્યા નથી પરંતુ પહેલા જે નામ હતા તે નામો તરફ આપણે પાછા ફર્યા છીએ. લૂંટારુઓએ જે કર્યુ હતુ તે બદલવુ જોઈએ તેમાં ખોટુ શુ છે. આપણો ઈતિહાસ અને આપણા શાસ્ત્ર જણાવે છે કે લખનૌનું નામ પહેલા કંઈક બીજુ હતુ તે જરૂર બદલવુ જોઈએ તેમાં કોઈ શંકા નથી.
મનોજ મુંતશિરે ઈન્વેસ્ટર સમિટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરતા કહ્યુ કે આજે યુપીમાં લોકો રૂપિયાનું રોકાણ કરતા વિચારતા નથી, લોકો પોતાને સુરક્ષિત સમજે છે.
મનોજ મુંતશિર વારાણસીમાં આયોજિત કાશી શબ્દોત્સવમાં સામેલ થવા આવ્યા હતા. આ દરમિયાન મનોજ મુંતશિરે સનાતન ધર્મને લઈને ઘણી વાતો કહી, તેમણે કહ્યુ કે બાબા તુલસીદાસ દલિત વિરોધી નહોતા અને સ્ત્રી વિરોધી પણ નહોતા પરંતુ અમુક લોકો હિંદુ અને સનાતન ધર્મને વહેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પ્રકારની વાતો તમારા સામે થતી રહેશે. મુંતશિરે આગળ કહ્યુ કે આ જ તો તમારા ભારતીય હોવા અને તમારી સનાતન પરંપરાની પરીક્ષા છે. સ્વામી પ્રસાદ મૌર્યના રામચરિત માનસને મુદ્દે આપવામાં આવેલા નિવેદન અંગે મનોજ મુંતશિરે નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે સ્વામી પ્રસાદ મૌર્યની માર્કશીટ ચેક કરો કે તેઓ કેટલુ ભણેલા છે, મને તેમના શિક્ષણ પર શંકા છે.
શું છે સમગ્ર મામલો?
સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિતમાનસના અમુક શ્લોકોને લઈને વિવાદિત નિવેદન આપ્યુ હતુ જે બાદથી આ મામલાને લઈને રાજકારણમાં ઘમાસાણ મચ્યુ છે. તમામ રાજકીય દળોના નેતા સ્વામી પ્રસાદની ટીકા કરી રહ્યા છે. સામાન્ય લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.