ફેમસ એક્ટ્રેસ પર કોલકાતામાં હુમલો, બાઈક સવારે કારનો કાચ તોડી નાખ્યો, રડતાં રડતાં જણાવી ઘટના
Image: Facebook
Payel Mukherjee: કોલકાતાથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બાઈક સવારે ફેમસ બંગાળી એક્ટ્રેસની કાર પર હુમલો કર્યો. આરોપ છે કે બાઈક સવારે એક્ટ્રેસ પાયલ મુખર્જીની કારના કાચને મુક્કો મારીને તોડી દીધો અને કથિતરીતે તેની પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. આ ઘટના શુક્રવારે સાંજે સાઉથ કોલકાતાના સધર્ન એવન્યુમાં થઈ. ઘટના દરમિયાન બંગાળી એક્ટ્રેસે પોતાની ફેસબુક પ્રોફાઈલ પર લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું અને સમગ્ર ઘટના જણાવી.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક્ટ્રેસ રડતાં-રડતાં પોતાના કારનો તૂટેલો કાચ બતાવી રહી છે. આ દરમિયાન તે સવાલ ઉઠાવતી નજર આવી કે કોલકાતાના રસ્તા પર મહિલાઓની સુરક્ષા ક્યાં છે? તેણે જણાવ્યું કે બાઈક સવારે મને વિંડો ખોલવા માટે કહ્યું, પરંતુ મે ખોલી નહીં. પછી તેણે વિંડો પર મુક્કો માર્યો અને તેને તોડી દીધો. કાચના ટુકડા મારા સમગ્ર શરીર પર પડ્યાં. લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન તેની પોસ્ટ પર ઘણા લોકોએ મદદ માટે કોલકાતા પોલીસને ટેગ કરી. સોશિયલ મીડિયાથી માહિતી મળ્યા બાદ કોલકાતા પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. જોધપુર પાર્ક વિસ્તારની નજીક ડ્યૂટી પર હાજર પોલીસ કર્મચારીએ આરોપી બાઈક સવારને પકડી દીધો.
પાયલ બંગાળી ફિલ્મો સિવાય સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. તે ધ સીવેજ ઓફ રોબિન હૂડ, ગિરગિટ, શ્રીરંગપુરમ, ચોલ કંતુલ અને માઈકલ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તેણે સંજય મિશ્રાની સાથે હિંદી ફિલ્મ 'વો તીન દિન' માં પણ કામ કર્યું છે. તેણે ટોલીવુડની ફિલ્મ 'દેખ કમો લગે' (2017) થી ડેબ્યૂ કર્યું હતું.
ઘટના અંગે પોલીસે શું કહ્યું
કોલકાતા પોલીસના એક સૂત્રએ જણાવ્યું કે જ્યારે એક્ટ્રેસ પાયલ મુખર્જી લેક એવન્યૂથી પોતાની કાર ચલાવીને જઈ રહી હતી તો આરોપી બાઈક સવારે કારને રોકવાનો પ્રયત્ન કર્યો કેમ કે તેનો દાવો છે કે કારે પહેલા તેને ટક્કર મારી હતી. પાયલ મુખર્જીએ કથિતરીતે કાર રોકી નહીં તેથી આરોપીએ જોધપુર પાર્ક વિસ્તારની નજીક જબરદસ્તી કાર રોકાવી. તે ગુસ્સામાં બૂમો પાડીને બાઈકથી ઉતર્યો અને મુક્કો મારીને કારનો કાચ તોડી દીધો. આરોપી કોલકાતાના કમાન્ડ હોસ્પિટલમાં જુનિયર કમિશન અધિકારી છે.
પોલીસે આ કલમ હેઠળ કેસ નોંધ્યો
ઘટના બાદ એક્ટ્રેસે ટોલીગંજ પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપ લગાવાયો છે કે આરોપી સવાર એમ.આઈ. અરાસન (39) જે કોલકાતાના કમાન્ડ હોસ્પિટલમાં એક જુનિયર કમિશન અધિકારી છે, તેણે ધમકાવી, તેની કારનો કાચ તોડી દીધો અને અપશબ્દો કહ્યાં. તેની ફરિયાદના આધારે પોલીસે કલમ 126(1)/74/79/324(2)/351(1) બીએનએસ હેઠળ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
કોલકાતા પોલીસના ડીસીપી (દક્ષિણ) પ્રિયબ્રતો રોયે જણાવ્યું, 'સાંજે ફેમસ બંગાળી એક્ટ્રેસ પાયલ મુખર્જી સોશિયલ મીડિયા પર દક્ષિણ એવન્યુમાં માર્ગ પરિવહન દુર્ઘટના અને ગુંડાગીરીની ઘટનાનું લાઈવ-સ્ટ્રીમિંગ કરતાં જોવા મળી. ઘટના બાદ ઘટના સ્થળ નજીક હાજર ટોલીગંજ પોલીસ સ્ટેશનની ઓન-ડ્યૂટી પોલીસે હસ્તક્ષેપ કર્યો, તેમની સુરક્ષા કરવામાં આવી અને આરોપી વ્યક્તિને ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી.'