રાજકારણમાં સત્તા પહેલાં, સંબંધ પછીઃ કોંગ્રેસી નેતાની ભાજપમાં ગયેલા પુત્રને હરાવવાની હાકલ
Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોના નામ અને સ્થળ જાહેર થયા પછી ઘણા સમીકરણો બદલાયા છે. ઘણી બેઠકો ઉપર પિતા-પુત્ર અને પરિવારજનો સામસામે આવી ગયા છે. તેના પગલે પારિવારિક દ્વેષ વધી ગયો હોવાનું પણ દેખાય છે. ક્યાંક પિતા-પુત્ર તો ક્યાંક કાકા-ભત્રીજા તો ક્યાંક અન્ય કોઈ સંબંધ ધરાવતા ઉમેદવારો એકબીજાની સામે આવી ગયા છે.
કેરળમાં એ.કે. એન્ટની પુત્રને હરાવવા આભ-જમીન એક કરી રહ્યા છે
રાજકારણમાં સત્તા પહેલાં અને સંબંધો પછી તે સ્થિતિ સાર્થક થઈ છે. રાજકારણમાં કોઈ કોઈનું હોતું નથી તે ઉક્તિને એ.કે. એન્ટનીએ સાચી સાબિત કરી છે. કેરળમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ.કે. એન્ટની દ્વારા પોતાના જ પુત્રને ચૂંટણી હરાવવા માટે આભ-જમીન એક કરવામાં આવી રહ્યા છે.
એ.કે.એન્ટની દ્વારા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં તેમણે સાઉથ કેરળની બેઠક ઉપર પ્રચાર કરવા દરમિયાન જણાવ્યું કે, હું ઈચ્છું છું કે, મારા પુત્રનો પરાજય થાય. ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારની સામે એ.કે. એન્ટનીના પુત્ર અનિલ કે. એન્ટનીને ઉતારવામાં આવ્યા છે. તેનાથી જ નારાજ થયેલા એ.કે. એન્ટનીએ પુત્રના પરાજયની વાત કરી છે.
તેમણે જણાવ્યું કે, હું તો ઈચ્છું જ છું છે કે, કે મારા પુત્રનો પરાજય થાય. તે જે પક્ષમાં છે તેનો પરાજય થાય. મારી ઈચ્છા એટલે છે હું કોંગ્રેસી નેતા છું. મારો ધર્મ જ કોંગ્રેસ છે. મારો પુત્ર અમારી વિરોધી પાર્ટીમાં જાય તે મને પસંદ નથી. તેના કારણે જ હું તેના પરાજયની વાત કરું છું.
મધ્ય પ્રદેશમાં એક પુત્ર પોતાના પિતાને જીતાડવા મેદાને
એક તરફ પિતા પોતાના પુત્રને પરાજિત કરવા માટે મેદાને પડ્યા છે ત્યાં બીજી તરફ એક પુત્ર, એક રાજકુંવર પોતાના પિતાને વિજયી બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુના બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે.
તેમના કેમ્પેનમાં ભાજપના કાર્યકર્તાઓ ઉપરાંત તેમના પુત્રએ પણ ઝંપલાવી દીધું છે. સિંધિયાના પુત્ર મહાઆર્યમાન સિંધિયાએ 16-16 કલાક પ્રચાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. તાજેતરમાં તેણે યુવા ભાજપ કાર્યકર્તા સંમેલનને સંબોધન કર્યું હતું. તે ઉપરાંત પોતાના પિતાના મત વિસ્તારમાં જઈને લોકો સાથે મુલાકાત કરી હતી.
મારા પિતા તમારી સાથે વધારે જોડાયેલા છે: મહાઆર્યમાન
મહાઆર્યમાન સિંધિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મારા પિતા હંમેશા તમારા લોકોનો જ વિચાર કરે છે. તેઓ અમારા પરિવાર કરતા તમારી સાથે વધારે જોડાયેલા છે. તેઓ પોતાની પ્રજા અને પોતાના વિસ્તારના લોકોનું હિત થાય તે માટે સતત મહેનત કરી રહ્યા છે.
મારા પિતાને તમે જાણો જ છે. તેમની વિચારધારા અને કામગીરી તમને ખબર જ છે. તેઓ જનતા માટે સતત મહેનત કરે છે અને તેના કારણે પરિવારને ઓછો સમય ફાળવી શકે છે. હું દિવસમાં પરાણે પાંચ, મિનિટ તેમની સાથે સીધી વાતચીત કરી શકું છું. તેઓ ઈચ્છે છે કે, આગામી પાંચ વર્ષમાં આ વિસ્તારની સુરત બદલાઈ જાય.
તમારા મનની વાત તો મારા પિતાએ સાંભળી લીધી છે. હવે તમારા સમર્થન બાદ તેમને આગામી પાંચ વર્ષ કામ કરવાનો અવસર આપવાનો છે. તેઓ આગામી પાંચ વર્ષમાં તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે મહેનત કરશે. તમે ઈચ્છેલી અમે તમે માગેલી સુવિધાઓ મળશે. તમારે ફરીથી તેના વિશે માગણી કરવી નહીં પડે.