જમ્મુ-કાશ્મીરમાં એક જ પરિવારના 5 લોકોને આ ભૂલ ભારે પડી, ઊંઘમાં જ મોત આવી ગયું
Srinagar Family Death Due To Electric Blower: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ નીપજ્યા. આ લોકો ઠંડીથી બચવા માટે ઈલેક્ટ્રિક બ્લોઅર ચાલુ કરીને સૂઈ ગયા હતા, જેના લીધે ગૂંગળામણ થતાં તમામ મૃત્યુ પામ્યા હતા. સવારે જ્યારે પરિવાર ન જાગ્યો ત્યારે પડોશીઓને કંઈક અઘટિત થવાની આશંકા થઈ હતી. તેમણે પોલીસને ફોન કરીને મામલાની જાણ કરી. પોલીસે ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે તેમને એક પુરુષ, મહિલા અને તેમના ત્રણ બાળકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા. પોલીસ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
અહેવાલો અનુસાર, આ ઘટના શ્રીનગરના પંડરેથાન વિસ્તારના શેખ મોહલ્લામાં બની હતી. આ ઘટના રવિવારે (પાંચમી જાન્યુઆરી) સવારે પ્રકાશમાં આવી હતી. મૃતક ભાડાના મકાનમાં રહેતો હતો. રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રી અને લેફ્ટનન્ટ ગવર્નરે દુ:ખ વ્યક્ત કર્યુ
અહેવાલો અનુસાર, મૃતકોની ઓળખ 38 વર્ષીય એજાઝ અહેમદ ભટ, તેની 32 વર્ષીય પત્ની સલીમા અને તેમના ત્રણ બાળકો 3 વર્ષીય અરીબ, 18 મહિનાના હમઝા અને એક મહિનાનું બાળક તરીકે થઈ છે. મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આ ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું.
પાડોશીઓએ ફોન કરીને કંટ્રોલ રૂમને જાણ કરી હતી
પોલીસના જણાવ્યાનુસાર, કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે તેના પાડોશમાં ભાડાના મકાનમાં 5 લોકો રહે છે, પરંતુ આજે સવારથી ઘરમાં કોઈ હલચલ નથી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બેલ વગાડવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો નહીં. જ્યારે પોલીસ દરવાજો તોડીને અંદર પ્રવેશી ત્યારે તેમને પાંચેય લોકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા.