દુષ્કર્મનો જુઠ્ઠો આરોપ ભારે પડ્યો, નિર્દોષ છોકરાએ 4 વર્ષની સજા કાપી હવે છોકરીને આટલી જ સજા
Image: Freepik
False Rape Case in UP: ઉત્તર પ્રદેશના બરેલીથી એવો મામલો સામે આવ્યો જેને જોઈને કોર્ટ પણ ચોંકી ગઈ. મહિલા સાથે અત્યાચારના મામલે ફસાયેલા એક પુરુષને કોઈ કારણ વિના 4 વર્ષની જેલની સજા કાપવી પડી. જે ગુનો તેણે કર્યો જ નથી તેના માટે સજા કાપવી પડી.
હકીકત જ્યારે કોર્ટની સામે આવી તો કોર્ટે નિર્ણય સંભળાવતા યુવકને નિર્દોષ જાહેર કર્યો. સાથે જ કોર્ટે હવે યુવતીને પણ તેટલી જ સજા સંભળાવી અને કહ્યું કે 'જેટલા દિવસ યુવક જેલમાં રહ્યો છે, તેટલા દિવસ તારે પણ રહેવું પડશે.' આ સિવાય કોર્ટે તેની પર દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે 'જો યુવક જેલની બહાર રહેતો તો મજૂરી કરીને આટલા સમયમાં 5,88,000થી વધુ રૂપિયા કમાઈ લેતો. તેથી યુવતીથી આ રકમ વસૂલ કરીને યુવકને આપવામાં આવે. જો આવું ન થયું તો યુવતીને 6 મહિનાની વધુ સજા પણ થશે.
આ પણ વાંચો: 'આરોપી ધારાસભ્ય છે એટલે ફરિયાદ નથી નોંધાઈ?', દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી
રડતાં-રડતાં યુવકે આપવીતી સંભળાવી
પીડિત યુવક અજય ઉર્ફે રાઘવે જણાવ્યું કે '2019ની વાત છે. શ્રાવણનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, ત્યારે યુવતીની મોટી બહેન નીતૂ મારી પાસે પ્રોગ્રામ માટે આવી હતી. તેમણે કહ્યું કે અમને પ્રોગ્રામ શીખવાડો. અમે આ માટે તેમના ઘરે જતા હતા. જ્યાં પણ અમે પ્રોગ્રામમાં જતા હતા નીતૂના પતિ સાથે રહેતા હતા. તેમની માતા અને ભાઈ પણ જાણે છે કે અમે ત્યાં આવતા-જતાં રહીએ છીએ. અમે તેમના ઘરે જણાવીને ગયા હતા કે અમારી મમ્મીની તબિયત ખરાબ છે. તે દિવસે તે ગાયબ થઈ ગઈ અને બાદમાં કહ્યું કે અમે તે દિવસે અજયની સાથે હતા. મારી પર અપહરણ અને દુષ્કર્મનો કેસ થયો. મારું નામ બદનામ કર્યું, મારું કરિયર ખરાબ કર્યું. હવે હું ગમે ત્યાં જઉં છું તો લોકો મને શંકાની નજરે જોવે છે પરંતુ કોર્ટે પણ એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે કે જેટલા દિવસની સજા મે જેલમાં કાપી છે તેટલા દિવસની સજા હવે યુવતીએ પણ કાપવી પડશે અને તે દરરોજની મજૂરીના હિસાબે મને 5 લાખથી વધુ દંડ પણ આપશે. કોર્ટે ભલે મને દોષ મુક્ત કરી દીધો છે પરંતુ યુવતીના ખોટા આરોપ ક્યારેય પણ ભૂંસાશે નહીં.'
આ પણ વાંચો: 'જીયાદે' જીગર બનીને કચ્છની યુવતીને ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ
પહેલા કહ્યું અભણ છું પછી અંગ્રેજીમાં હસ્તાક્ષર કર્યાં
પોતાની વાત જણાવતાં પીડિત રાઘવે જણાવ્યું કે 'આ મામલે કોર્ટેમાં જુબાની આપતી વખતે યુવતી ફરી ગઈ. પહેલા તેણે કહ્યું હતું કે તે અભણ છે, વાંચવા-લખવાનું જાણતી નથી અને જ્યારે સાઈન કરવાનો વારો આવ્યો તો યુવતીએ અંગ્રેજીમાં સાઈન કર્યા.' જે બાદ જજ સાહેબ સમજી ગયા કે યુવતી ખોટું બોલી રહી છે અને યુવકને જાણીજોઈને ફસાવવા ઈચ્છે છે. તે બાદ કોર્ટે યુવકને દોષમુક્ત જાહેર કર્યો અને યુવતીને સજા સંભળાવી. આ સમગ્ર મામલે ખોટી જુબાની આપવા માટે યુવતી પર કેસ નોંધવામાં આવ્યો.
પુરુષોના હિત પર આઘાત કરવાની છુટ નથી
આ ઘટનામાં કોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું 'આ પ્રકારની મહિલાઓના કૃત્યથી વાસ્તવિક પીડિતાઓને નુકસાન ઉઠાવવું પડે છે. આ સમાજ માટે ખૂબ ગંભીર સ્થિતિ છે. પોતાના લક્ષ્યને પુરું કરવા માટે પોલીસ અને કોર્ટને માધ્યમ બનાવવા આપત્તિજનક છે. મહિલાઓને પુરુષોના હિત પર આઘાત કરવાની છુટ આપી શકાતી નથી.'