Fact Check: સરકારી નોકરીના નામે પૈસા પડાવતી નકલી વેબસાઇટો, કેન્દ્રની ચેતવણી
Fake Website Scam: ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ક્રાઇમના કેસ હવે સતત વધી રહ્યા છે. છેતરપિંડી, સ્કેમ કરવા માટે નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. હવે સર્વ શિક્ષા અભિયાનમાં સરકારી નોકરીની અરજી કરાવવાના નામ પર નકલી વેબસાઇટ બનાવીને સ્કેમ કરવામાં આવી રહ્યો છે. આ નકલી વેબસાઇટને લઈને શિક્ષણ મંત્રાલયે એલર્ટ જાહેર કર્યું છે. આ વેબસાઇટ સરકારી નોકરી માટે અરજી અને અરજી ફી જમા કરાવીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે.
અરજી ફીના નામે પૈસા ઉઘરાવાઈ રહ્યા છે
આ વેબસાઇટોનો દેખાવ સરકારી વેબસાઈટ ✔ https://samagra.education.gov.in/ જેવો જ છે. ❌http://sarvashikshaabhiyan.com પણ એક નકલી વેબસાઈટ છે, જે સર્વ શિક્ષા અભિયાનની અધિકૃત વેબસાઇટ જેવી દેખાઈ રહી છે અને નોકરીની તકો ઓફર કરી રહી છે. આ ઉપરાંત ❌www.sarvashiksha.online, ❌https://samagra.shikshaabhiyan.co.in અને ❌https://shikshaabhiyan.org.in પણ નકલી વેબસાઈટો જ છે. આ કોઈ વેબસાઈટ સાથે સરકારી વેબસાઈટ સમજીને વ્યવહાર નહીં કરવાની કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે.
આ પણ વાંચો: સંસદમાં ધક્કામુક્કી મામલે નવો વળાંક: ખડગેએ કહ્યું- મને ઘૂંટણમાં ઈજા થઈ, તપાસ કરાવો
નકલીનો દેખાવ પણ બિલકુલ અસલી જેવો
નકલી વેબસાઇટ્સના સંબંધમાં હવે કેન્દ્ર સરકારના 'પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો'એ સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કહેવાયું છે કે, આ નકલી વેબસાઈટો નોકરીની તકો ઓફર કરી રહી છે. શિક્ષણ મંત્રાલયના સર્વ શિક્ષા અભિયાનમાં ભરતી માટે અરજી કરાવવાના નામે અનેક નકલી વેબસાઇટ ધમધમી રહી છે. આ વેબસાઇટોનો લેઆઉટ, કન્ટેન્ટ અને પ્રેઝેન્ટેશન વગેરે અસલી જેવા છે. આ રીતે તેઓ નાગરિકોને ભ્રમિત કરી રહ્યા છે. આ વેબસાઇટ ખુદ સરકારી વેબસાઇટ હોવાનો દાવો કરે છે અને પછી નકલી સરકારી ભરતીનું નોટિફિકેશન જાહેર કરીને લોકોને છેતરે છે. આ વેબસાઇટ ભરતી માટે અરજી ફીના નામ પર લોકો પાસેથી પૈસા ઠગી રહી છે.
હજુ સુધી સરકારે કાર્યવાહી શા માટે નથી કરી?
જણાવી દઈએ કે, આ 'sarvashikshaabhiyan' નામની નકલી વેબસાઇટ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહી છે. આમ છતાં, સરકારે હજુ સુધી તેને બ્લોક કરી નથી. અગાઉ પણ આ વેબસાઇટ ફેક હોવાનું સામે આવી ચૂક્યું છે અને સરકારે ઉમેદવારોને એલર્ટ પણ કર્યા હતા. જો કે આ વેબસાઈટ હજુ પણ સક્રિય છે, તો ઉમેદવારોને જાગૃત કરવાની સાથે આવી નકલી અને લોકોને છેતરતી વેબસાઇટો સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવી યુવાનોની માગ છે.