બ્લડ પ્રેશર, ડાયાબિટિસની નકલી દવાઓ બનાવી દિલ્હીથી દેશભરમાં સપ્લાય કરતાં રેકેટનું ભાંડાફોડ
ગાઝિયાબાદથી 1.10 કરોડનો માલ જપ્ત, બની શકે કે તમારાથી કોઈએ આ દવાઓ લીધી પણ હોય
image : Twitter |
Delhi Fake medicine news | દિલ્હી નજીક ગાઝિયાબાદમાં એક ફેક્ટરી પર દરોડા દરમિયાન ચોંકાવનારું સત્ય સામે આવ્યું. અહીં LED બલ્બ બનાવવાના નામે ચાલતા કારખાનામાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને એન્ટાસિડની નકલી દવાઓ બનાવીને બજારમાં વેચતા હોવાનું કૌભાંડ પકડાયું હતું. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ફેક્ટરી અને વેરહાઉસમાંથી લગભગ 1 કરોડ 10 લાખ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરી હતી.
પોલીસે કર્યો આ ખુલાસો
પોલીસનું કહેવું છે કે આ ફેક્ટરીમાં બ્રાન્ડેડ દવાઓની નકલ કરીને નકલી દવાઓ બનાવવામાં આવતી હતી. આ તમામ દવાઓ ભારતમાં સૌથી વધુ વેચાય છે. એ પણ શક્ય છે કે તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ આ દવાઓ લેતી હોય. મોટી વાત એ છે કે અહીં જે નકલી દવાઓ બનાવવામાં આવી રહી છે તે હૈદરાબાદ સુધી સપ્લાય કરવામાં આવતી હતી.
જાણીતી કંપનીઓની દવાઓની નકલ કરાતી હતી
આ ફેક્ટરીમાં જાણીતી કંપનીઓની નકલી દવાઓ મોટા પાયે બનાવવામાં આવતી હતી. ડ્રગ વિભાગની ટીમે લાખો રૂપિયાની નકલી દવાઓ બનાવવાના સાધનો તેમજ નકલી દવાઓ બનાવવા માટેનો કાચા માલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નકલી દવાઓ જે લોકો સ્વાસ્થ્ય લાભ માટે લઈ રહ્યા હતા, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જીવલેણ પણ સાબિત થઈ શકે છે.