ગાઝિયાબાદમાં નકલી દવાની ફેક્ટરી ઝડપાઈ : 10 આરોપીઓની ધરપકડ
બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને એન્ટાસિડની રૂ. 1.10 કરોડની ફેક દવા જપ્ત
ડો. રેડ્ડીઝ, સન ફાર્મા, ગ્લેનમાર્ક જેવી જાણીતી કંપનીઓની નકલી દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરતા હતાં
ગાઝિયાબાદ: દિલ્હીની નજીક ગાઝિયાબાદ પાસે એક ફેકટરીમાં દરોડા દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી છે. એલઈડી બલ્બની ફેક્ટરીમાં દવાઓ પણ બનાવવામાં આવતી હતી. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને ફેકટરી અને ગોડાઉનમાંથી રૂપિયા ૧.૧૦ કરોડની કિંમતની હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને એન્ટાસિડ દવાઓનો જથ્થો મળી આવ્યો છે. આ કેસની ચોંકાવનારી વાત એ છે કે, આ તમામ દવાઓ બ્રાન્ડેડ કંપનીઓની કોપી હતી.
દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ ફેક્ટરીમાં ભારતમાં સૌથી વધુ વેચાતી બ્રાન્ડની દવાઓની કોપી કરીને નકલી દવાઓ બનાવવામાં આવી રહી હતી. આ ફેક્ટરીમાં બનેલી દવાઓ હૈદરાબાદ સુધી સપ્લાય કરવામાં આવતી હતી. ડ્રગ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા મોટી માત્રામાં દવાઓ સાથે તેનો કાચો માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
એક રિપોર્ટ મુજબ, ગાઝિયાબાદના ડ્રગ વિભાગને નકલી દવાઓની ફેક્ટરી વિશેની માહિતી મળી હતી. જે બાદ ૪ માર્ચથી ડ્રગ વિભાગ, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમ દ્વારા જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં ફેકટરીના સંચાલક વિજય ચૌહાણની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત કુલ ૧૦ લોકોની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં ફેકટરીના માસ્ટરમાઈન્ડ, જથ્થાબંધ વેપારી અને ફાર્માસિસ્ટનો સમાવેશ થાય છે. પોલીસની નજરથી બચવા માટે આરોપીએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એલઈડી બલ્બ બનાવવાની ફેક્ટરી બનાવી હતી. જ્યારે, ઉપરના માળે નકલી દવાઓનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું.