અસલ પોલીસ ઓફિસરની 'નકલી ક્રાઈમ બ્રાન્ચ ટીમ' પકડાઈ, જ્વેલરના 42 લાખ લૂંટ્યા, હસતા મોઢે જેલ ભેગો
Image: Freepik
Fake Crime Branch Team Robbed of 42 Lakhs: યુપીના વારાણસીમાં લૂંટની એવી ઘટનાનો ખુલાસો થયો છે જેને જાણીને દરેક દંગ રહી ગયા. કેમ કે આ લૂંટમાં એક સબ-ઈન્સ્પેક્ટર પણ સામેલ હતો. ગઈકાલે પોલીસે સબ-ઈન્સ્પેક્ટર અને તેના બે સાથીઓની ધરપકડ કરી. જોકે હજુ પણ ત્રણ આરોપી ફરાર છે. તેમની શોધખોળ ચાલુ છે. કેન્ટ પોલીસ સ્ટેશન અંતર્ગત નદેસર ચોકી પર પોસ્ટેડ આરોપી ઈન્સ્પેક્ટર અને તેના સાથીઓએ નકલી ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર બનીને વેપારીના 42 લાખ રૂપિયા લૂંટ્યા હતાં.
આ માટે તેમણે ફિલ્મી સ્ટાઈલમાં ષડયંત્ર રચ્યુ હતું
લૂંટના મામલે પોલીસ ઈન્સ્પેક્ટર સૂર્યપ્રકાશ પાંડે સહિત પકડાયેલા ત્રણ લોકોને 24 જુલાઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાંથી તેમને જેલ મોકલી દેવાયા. પરંતુ આ દરમિયાન સસ્પેન્ડેડ ઈન્સ્પેક્ટર સૂર્યપ્રકાશ હસતો નજર આવ્યો. આરોપી ઈન્સ્પેક્ટરની આવી તસવીરની ચર્ચા બનારસ કચેરીમાં તેમજ સમગ્ર વારાણસી કમિશનરેટ પોલીસમાં થઈ રહી છે.
22 જૂને એક મોટા જ્વેલરી વેપારીના બે વર્કર ફર્મના 93 લાખ રૂપિયા લઈને બસથી પોતાના નક્કી સ્થાને જઈ રહ્યા હતાં. ત્યારે રાત્રે વારાણસીના રામનગર પોલીસ સ્ટેશનમાં તેમની બસને અમુક લોકોએ રોકી દીધી. તેમાં એક વર્દીમાં હતો અને અન્ય સાદા વસ્ત્રમાં. આરોપ છે કે તેમણે પોતાને ક્રાઈમ બ્રાન્ચના ગણાવીને પૂછપરછના નામે વેપારીના બંને વર્કરને બસથી ઉતારી દીધા. પછી થોડે દૂર જઈને તેમની પાસેથી 42 લાખ છીનવી લીધા અને બાકીના રૂપિયા પાછા આપી દીધા.
વર્કરે જ્યારે આ વાત વેપારીને જણાવી તો હોબાળો મચી ગયો. પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરવામાં આવી પરંતુ શરૂઆતમાં સ્થાનિક પોલીસે તેને ગંભીરતાથી લીધી નહીં. જોકે, હોબાળો વધી ગયો ત્યારે ઉચ્ચ અધિકારીઓએ મામલાની તપાસ એસઓજી પાસે કરાવી. જેમાં ઘટનામાં સામેલ એક વ્યક્તિ પકડાઈ. તેની પૂછપરછ બાદ ઈન્સ્પેક્ટર સૂર્યપ્રકાશ પાંડેનું નામ સામે આવ્યું. તે બાદ જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ઘટનાના દિવસે ઈન્સ્પેક્ટર ત્યાં જ હતો અને પોતાને ક્રાઈમ બ્રાન્ચનો ગણાવીને ઘટનાને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
આ રીતે લૂંટનું કાવતરું ઘડ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર 22 જૂને વારાણસીના એક વેપારી પોતાના કર્મચારીઓથી 93 લાખ ક્યાંક મોકલી રહ્યાં હતાં. બે કર્મચારી આ રકમ લઈને બસથી જઈ રહ્યાં હતાં. જેની માહિતી ચોકી ઈન્ચાર્જ સૂર્યપ્રકાશ પાંડેને થઈ તો તેણે લૂંટનો પ્લાન બનાવ્યો. સૂર્યપ્રકાશે બે અન્ય લોકોને લૂંટના પ્લાનમાં સામેલ કર્યાં. જે માટે તેણે બસમાં પહેલેથી જ પોતાના એક માણસને ગેરકાયદેસર પિસ્ટલ સાથે બેસાડી દીધો. બસ જ્યારે હાઈવે પર પહોંચી તો ચોકી ઈન્ચાર્જ અને તેના સાથીઓએ પોતાને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી ગણાવીને બસ રોકાવડાવી. પછી બંને કર્મચારીઓને બસથી ઉતારી દીધા. હવાલાના પૈસા ગણાવીને 93 લાખમાંથી 42.50 લાખ રાખી લીધા અને 50 લાખ પાછા આપ્યા.
ડીસીપીએ શું કહ્યું?
ઘટનાનો ખુલાસો કરતાં ડીસીપીએ જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ અને સીડીઆરની મદદથી આરોપીના નામ સામે આવ્યા છે. જેમાં એક સબ ઈન્સ્પેક્ટર પણ સામેલ છે અને તેની ભૂમિકા પણ શંકાસ્પદ છે. લૂંટની ઘટનામાં ત્રણ લોકોને પકડ્યા સિવાય અન્ય ત્રણ આરોપી છે, જે ફરાર છે. લૂંટાયેલા 42 લાખ રૂપિયામાંથી લગભગ 8 લાખ જપ્ત કરી દેવાયા છે. બે હથિયારો ઉપરાંત જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા.