હેલો શું તમારે નોકરી કરવી છે... હા બોલતા શું થયું તે જાણીને ચોંકી જશો
- નકલી કોલ સેન્ટર દ્વારા એક હજારથી પણ વધુ લોકોની નોકરી આપવાના બહાને છેતરપિંડી
નવી દિલ્હી, તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર
દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના બરેલી ખાતેથી છેતરપિંડી કરવાના આરોપમાં 4 લોકોની ધરપકડ કરી છે. તેમની ઉપર નકલી કોલ સેન્ટર દ્વારા એક હજારથી પણ વધુ લોકોની નોકરી આપવાના બહાને છેતરપિંડી કરવાનો આરોપ હતો. તેમણે નોકરીના લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસને ફરિયાદ મળતા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓની ઓળખ પ્રાંશુ (ઉં-27 વર્ષ), હિમાંશુ (ઉં-20 વર્ષ), પંકજ પાંડે (ઉં-27 વર્ષ) અને દીપક કુમાર (ઉં-28 વર્ષ) તરીકે થઈ છે. પ્રાંશુ અને હિમાંશુ ઉત્તર પ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના રહેવાસી છે. પંકજ ફરીદાબાદનો છે અને દીપક બરદપુરનો રહેવાસી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, નોકરી આપવાના નામે કેટલાક લોકોએ તેની સાથે 2,46,072 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ફરીયાદીએ નોકરી માટે અરજી કરી હતી અને એક કંપનીના 'HR' વિભાગમાં મેનેજરની પોસ્ટ માટે તેને 3 નંબરથી નોકરીની ઓફર કરવામાં આવી હતી.
આરોપીઓની બેંક ડિટેઈલ દ્વારા છેતરપિંડીના મળ્યા પુરાવા
પોલીસે જણાવ્યુહતું કે, પેમેન્ટ કર્યા બાદ ફરીયાદી યુવતીને ઉપરોક્ત કંપનીના લેટરહેડ ઉપર નકલી એપોઈન્ટમેન્ટ સર્ટિફિકેટ મોકલવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યુ હતું કે, બરેલીથી એક બોગસ કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે. આરોપીઓના બેંક ખાતાની વિગતો અને કોલ ડિટેઈલ રેકોર્ડ દર્શાવે છે કે તેમના દ્વારા અનેક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.
પોલીસે બરેલીના વસંત વિહારમાં દરોડો પાડી આરોપીઓને પકડ્યા
નાયબ પોલીસ કમિશ્નર 'દક્ષિણ' ચંદન ચૌધરીએ જણાવ્યું હતું કે, પોલીસની એક ટીમ બરેલીના વસંત વિહાર ગઈ હતી. ત્યાં દરોડો પાડીને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ વિવિધ કંપનીઓમાં નોકરી અપાવવાનું ખોટું આશ્વાસન આપીને 1 હજારથી વધુ લોકોની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું.