Fact Check: શું કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં 272 ઉમેદવાર પણ મેદાનમાં નથી ઉતાર્યા, વડાપ્રધાન મોદીનો દાવો ખોટો છે
Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી વચ્ચે તમામ રાજકીય પક્ષો જોરદાર રીતે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન રાજકીય પક્ષો તરફથી ઘણી વાર એવા દાવા કે વાતો કહી દેવામાં આવે છે જે ખોટી સાબિત થાય છે. તાજેતરનો મામલો વડાપ્રધાન મોદી સંબંધિત છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યાને લઇને દાવો કર્યો હતો જે logicallyfacts.com દ્વારા હાથ ધરાયેલા ફેક્ટ ચેકમાં ખોટો ઠર્યો.
વડાપ્રધાન મોદીએ શું દાવો કર્યો હતો?
પહેલી મે 2024 ના રોજ વડાપ્રધાન મોદી તેમના વતન ગુજરાત પહોંચ્યા હતા. અહીં તેમણે બનાસકાંઠા ખાતે એક રેલીને સંબોધતા દાવો કર્યો હતો કે કોંગ્રેસે લોકસભામાં બહુમતી માટે જરૂરી એવા 272 ઉમેદવારોને પણ ચૂંટણી મેદાને ઉતાર્યા નથી અને કેન્દ્રમાં સરકાર રચવાની વાતો કરે છે. પીએમ મોદીએ રેલીમાં કહ્યું હતું કે, 'તમે જાણીને હેરાન થઈ જશો તો આ વખતે કોંગ્રેસની હાલત એવી છે કે સરકાર બનાવવા માટે જરૂરી 272 બેઠકો પર સાંસદોની જરૂર હોય છે પણ અમારા (ભાજપ) સિવાય કોઈ અન્ય રાજકીય પક્ષ એમાંય કોંગ્રેસ પણ 272 બેઠકો પર ચૂંટણી નથી લડી રહી. કોંગ્રેસ સામે નિશાન તાકતાં પીએમ મોદીએ કહ્યું હતું કે તમે આટલી બેઠકો પર ચૂંટણી પણ નથી લડી રહ્યા અને સરકાર રચવા માગો છો?'
જામનગરમાં પણ આવો જ દાવો કર્યો હતો...
ન્યૂઝ એજન્સી પીટીઆઈ, એએનઆઇ સહિત અનેક મીડિયા આઉટલેટ્સ દ્વારા પીએમ મોદીના આ નિવેદન અંગે અહેવાલ પ્રકાશિત કરાયા હતા. પીએમ મોદીએ તેના પછીના દિવસે એટલે કે 2 મે 2024ના રોજ ગુજરાતના જ જામનગરમાં ફરી આ દાવાનું પુનરાવર્તન કર્યું. ઉલ્લેખનીય છે કે લોકસભામાં કુલ 545 બેઠકો છે અને બહુમત માટે 272 બેઠકોની જરૂર પડે છે.
તથ્ય શું છે?
જોકે તમને જણાવી દઈએ કે પીએમ મોદી કરેલો આ દાવો ખોટો છે. આ વેબસાઈટ દ્વારા કોંગ્રેસની અત્યાર સુધી જારી કરાયેલી તમામ યાદી ચેક કરવામાં આવી હતી અને તેમાં જાણ થઇ કે પાર્ટીએ અત્યાર સુધી 300થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આ વખતે I.N.D.I.A. ગઠબંધનનો હિસ્સો છે અને પાર્ટી અનેક રાજ્યોમાં અન્ય પક્ષો સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે.
સત્ય કેવી રીતે સામે આવ્યું?
આ વેબસાઈટ દ્વારા કોંગ્રેસની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લેવામાં આવી અને તેમાં લોકસભા ચૂંટણી માટે જાહેર કરાયેલા ઉમેદવારોની યાદીનું આકલન કરવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે 8 માર્ચ, 2024 થી લઈએ 30 એપ્રિલ, 2024 સુધીમાં( 30 એપ્રિલે જ પીએમ મોદીએ આ ટિપ્પણી કરી હતી) અલગ અલગ સમયે યાદી જાહેર કરી હતી.
ત્રીજી મે સુધી કોંગ્રેસે કુલ 329 ઉમેદવારો જાહેર કરી દીધા છે
તપાસમાં જાણ થઈ કે 13 એપ્રિલ 2024 સુધી કોંગ્રેસે નાની-મોટી કુલ મિલાવીને 19 યાદી જાહેર કરી જેમાં ઉમેદવારોની સંખ્યા 275 થાય છે. એટલે કે પીએમ મોદી દ્વારા 1 મેના રોજ ગુજરાતમાં જે દાવો કરાયો તેના બે અઠવાડિયા પહેલાં જ કોંગ્રેસે લોકસભામાં જરૂરી બહુમત માટે 272થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. તેના પછી આ વેબસાઈટે 8 માર્ચ 2024થી 3 મે 2024 (એટલે કે 3 દિવસ પહેલા સુધી) કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા ઉમેદવારોની ગણતરી કરી તો સામે આવ્યું કે આ સંખ્યા 329ને પણ વટાવી જાય છે.
કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ પુષ્ટિ કરી...
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ logicallyfacts.com ના ફેક્ટ ચેકની પુષ્ટિ કરી હતી અને કહ્યું કે કોંગ્રેસે અત્યાર સુધી 329 ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં સુરત અને ઈન્દોરના ઉમેદવારોને બાદ કરવામાં આવે તો આ આંકડો કુલ 327 રહી જાય છે.
ફેક્ટ ચેકનું પરિણામ : પીએમ મોદીનો દાવો ખોટો છે
logicallyfacts.com દ્વારા કરાયેલી તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન મોદીનો આ દાવો ખોટો છે કે લોકસભામાં બહુમતી માટે જરૂરી 272 બેઠકો પર ભાજપ ઉપરાંત કોઈ પાર્ટીએ એટલું જ નહીં કોંગ્રેસે પણ ઉમેદવાર નથી ઉતાર્યા. કોંગ્રેસે અત્યાર સુધી 300થી વધુ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એટલા માટે પીએમ મોદીનો દાવો ખોટો છે.
નોંધ : આ સ્ટોરી logicallyfacts.com દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે અને Gujarat Samachar Digital દ્વારા શક્તિ કલેક્ટિવના ભાગરૂપે અમે તેનો અનુવાદ કર્યો છે.