Fact Check: ખોટો છે PM મોદીનો દાવો, રાહુલ ગાંધીએ ચૂંટણી શરૂ થયા બાદ અનેકવાર લીધું છે અદાણી-અંબાણીનું નામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણાના કરીમનગરમાં ચૂંટણીસભાને સંબોધતા દાવો કર્યો હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી મુદ્દે સવાલ પૂછવાના બંધ કર્યા છે. વડાપ્રધાને એવો પણ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી પહેલા અંબાણી-અદાણી મુદ્દે સરકારની ટીકા કરતાં હતા પરંતુ ચૂંટણી જાહેર થયા બાદ કશું બોલતા નથી. જોકે thequint.com દ્વારા કરવામાં આવેલ ફેક્ટ ચેકમાં આ દાવો ખોટો ઠર્યો છે.
શું કહ્યું હતું વડાપ્રધાન મોદીએ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેન્ડલ દ્વારા X પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે, કે 'સાથીઓ, તમે જોયું હશે કે કોંગ્રેસના શહેજાદા છેલ્લા પાંચ વર્ષથી સવારે ઉઠતાં જ માળા જપવાનું શરૂ કરી દેતાં હતા. જ્યારથી તેમનો રાફેલનો મુદ્દો ગ્રાઉન્ડેડ થઈ ગયો છે, ત્યારથી તેમણે એક નવી માળા જપવાનું શરૂ કરી દીધું છે. પાંચ વર્ષથી એક જ માળા જપતાં હતા. પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ, પાંચ ઉદ્યોગપતિ. પછી ધીમે ધીમે કહેવા લાગ્યા, અંબાણી-અદાણી, અંબાણી-અદાણી. પણ જ્યારથી ચૂંટણી જાહેર થઈ છે, ત્યારથી તેમણે અંબાણી-અદાણીને ગાળો આપવાનું બંધ કરી દીધું છે. હું આજે તેલંગાણાની આ ધરતીથી પૂછવા માંગુ છું. જરા આ શહેજાદા જાહેર કરે કે ચૂંટણીમાં અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો છે? કાળા નાણાંના કેટલા કોથળા ભરીને રૂપિયા માર્યા છે? શું ટેમ્પો ભરીને નોટો કોંગ્રેસ માટે પહોંચી છે કે શું? કયો સોદો થયો છે? કે તમે રાતોરાત અંબાણી-અદાણીને ગાળો આપવાનું જ બંધ કરી દીધું છે. જરૂર દાળમાં કંઈક કાળું છે.'
તથ્ય શું છે?
જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ નિવેદન તથ્ય સંગત નથી. સત્ય એ છે કે લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થયા બાદ પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નહીં અનેકવાર અદાણી અને અંબાણીની ટીકા કરતાં અનેક આરોપ લગાવ્યા છે.
અમને 19 એપ્રિલ બાદ રાહુલ ગાંધીના એવા 16 ભાષણ મળ્યા છે, જેમાં તેઓ અંબાણી-અદાણીનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે.
સત્ય કઈ રીતે સામે આવ્યું?
લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. અમે 19 એપ્રિલ બાદથી રાહુલ ગાંધીની ચૂંટણી સભાઓના ભાષણ સાંભળ્યા. અનેક ભાષણમાં રાહુલ ગાંધી અદાણી અને અંબાણીનો ઉલ્લેખ કરી રહ્યા છે.
ભાગલપુર, બિહાર (20 એપ્રિલ 2024)
5 :14 મિનિટ પર રાહુલ ગાંધી કહી રહ્યા છે, કે 'આજે ભારતમાં 22 લોકો પાસે જેટલું ધન છે, એટલું 70 કરોડ ભારતીયો પાસે છે. તમે વિચારો એક તરફ 22 લોકો બીજી તરફ 70 કરોડ લોકો. 70 કરોડ લોકો ભારતમાં એવા છે જેમની આવક 100 રૂપિયાથી પણ ઓછી છે. એક તરફ અદાણી-અંબાણીને અદાણી-અંબાણીને દેશનું ધન આપી દેવામાં આવે છે. બીજી તરફ ગરીબ, ખેડૂત, શ્રમિક અને નાના વેપારી છે.
અમરોહા, ઉત્તર પ્રદેશ (20 એપ્રિલ 2024)
ભાષણમાં 1:24 મિનિટ પર રાહુલ ગાંધી કહે છે, કે 'અદાણીનું નામ તમે સાંભળ્યું હશે. દેશના તમામ એરપોર્ટ તેમને આપી દેવામાં આવ્યા. વીજળી, ખાણો, ડિફેન્સમાં આખેઆખી ઈન્ડસ્ટ્રી આપી દીધી.'
સોલાપુર, મહારાષ્ટ્ર (24 એપ્રિલ 2024)
આ ભાષણમાં 6:36 મિનિટ પર રાહુલ ગાંધી સવાલ ઉઠાવતા કહે છે, કે 'જેટલો ટેક્સ સામાન્ય માણસ આપે છે, એટલો જ ટેક્સ અદાણી પાસેથી કેમ લેવામાં આવતો નથી?'
બીજાપુર, કર્ણાટક (26 એપ્રિલ, 2024)
ભાષણમાં રાહુલ ગાંધી 12:47 મિનિટ પર આરોપ લગાવતા કહે છે, કે 'નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે બધો જ ફાયદો અદાણીને પહોંચાડ્યો છે.'
કેન્દ્રપુરા, ઓડિશા (28 એપ્રિલ, 2024)
આ ભાષણમાં 10:45 મિનિટ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું, કે 'મુખ્યમંત્રી નવીન પટનાયક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખું રાજ્ય અદાણીને સોંપી દીધું.'
દીવ અને દમણ (28 એપ્રિલ, 2024)
આ ભાષણમાં 14:25 મિનિટ પર રાહુલ ગાંધી આરોપ લગાવે છે, કે 'સરકાર આ સુંદર સ્થળને અદાણીના નામે લખી દેવા માંગે છે. સરકાર ઈચ્છે છે કે આ બીચ પર લોકો આવે તો તમને ફાયદો ન થાય, બીચ પર બોર્ડ લાગેલું હોય કે અદાણી બીચ.'
શિવમોગા, કર્ણાટક (2 મે, 2024)
કર્ણાટકના શિવમોગાના ભાષણમાં 36:25 મિનિટ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું, કે 'મોદી સરકાર છેલ્લા 10 વર્ષ 22 લોકો માટે કામ કરી રહી છે. ભારતનું ધન લઈને અદાણી-અંબાણીના ખિસ્સામાં નાંખવામાં આવ્યું છે.'
પૂણે, મહારાષ્ટ્ર ( 3 મે, 2024)
આ ભાષણમાં રાહુલ ગાંધી 11 મિનિટ બાદ આરોપ લગાવે છે કે મીડિયા અદાણીના નિયંત્રણમાં છે.
રતલામ, મધ્ય પ્રદેશ ( 6 મે, 2024)
આ ભાષણમાં 23 મિનિટ બાદ રાહુલ ગાંધી મીડિયા પર આરોપ લગાવતા કહે છે કે મીડિયા ક્યારેય આદિવાસીઓની વાત નથી કરતું. આગળ તેઓ આરોપ લગાવે છે કે મીડીયા અંબાણીના લગ્ન, બોલિવૂડ અને ડાન્સ બતાવે છે પણ આદિવાસીઓ પર થઈ રહેલ અત્યાચાર બતાવતું નથી.
ખરગૌન, મધ્ય પ્રદેશ ( 6 મે, 2024)
આ ભાષણમાં 14.32 મિનિટ પર રાહુલ ગાંધી કહે છે, કે 'ભાઈઓ-બહેનો, જો બંધારણ ખતમ થઈ ગયું તો તમારી પાસે જે અધિકાર છે તે સમાપ્ત કરી દેવામાં આવશે. ભારત પર 25 લોકોનું રાજ હશે. આ કયા લોકો છે? ભારતના અબજોપતિ, અદાણી જેવા લોકો. જેમની આંખો તમારી જમીન પર છે. તમારા જંગલ અને જળ પર છે. વડાપ્રધાન નરેડર મોદી તમારી જમીન, જળ, જંગલ અદાણીને આપી દેવા માંગે છે.
ચાઈબાસા, ઝારખંડ (7 મે, 2024)
આ ભાષણમાં 25 : 50 મિનિટ પર રાહુલ ગાંધી કહે છે, કે 'ભાઈઓ-બહેનો, બંધારણના કારણે તમને અનામત મળે છે. નોકરીઓ મળે છે. તમારા બાળકોને શિક્ષણ મળે છે. જો આ બંધારણ ખતમ થઈ ગયું તો આદિવાસી ક્યાંયનો નહીં રહે. બધુ જ 10-15 અબજોપતિના હાથમાં જતું રહેશે. અદાણીનું નામ તમે જાણતા જશો, તેમની નજર તમારી જમીન, જંગલ અને જળ પર છે. નરેન્દ્ર મોદી તેમના માટે જ કામ કરે છે.'
ગુમલા, ઝારખંડ (7 મે, 2024)
આ ભાષણમાં રાહુલ ગાંધી 24:08 મિનિટ પર કહે છે, કે 'ભાજપ કહે છે કે તમે વનવાસી છો અને બાદમાં આખે આખું જંગલ અદાણીને આપી દેવામાં આવે છે.'
રાહુલ ગાંધીનો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપ પર વીડિયોના માધ્યમથી જવાબ આપ્યો હતો અને માંગ કરી હતી કે કેન્દ્ર સરકાર અંબાણી-અદાણી સામે કાર્યવાહી કરવી જોઈએ.
ફેક્ટ ચેકનું પરિણામ : પીએમ મોદીનો દાવો ખોટો છે
thequint.com દ્વારા કરવામાં આવેલ ફેક્ટ-ચેકમાં સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દાવો સાચો નથી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણોમાં અદાણી-અંબાણી મુદ્દે સરકારની ટીકા કરવાનું બંધ નથી કર્યું.
નોંધ : આ સ્ટોરી thequint.com દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે અને Gujarat Samachar Digital દ્વારા શક્તિ કલેક્ટિવના ભાગરૂપે અમે તેનો અનુવાદ કર્યો છે.