Fact Check: હરિયાણાના CM નાયબસિંહ સૈનીના નામે વાયરલ કરાઈ રહેલો વીડિયો ખોટો, ખટ્ટરના કાર્યક્રમમાં થઈ હતી તોડફોડ

Updated: May 18th, 2024


Google NewsGoogle News
Fact Check: હરિયાણાના CM નાયબસિંહ સૈનીના નામે વાયરલ કરાઈ રહેલો વીડિયો ખોટો, ખટ્ટરના કાર્યક્રમમાં થઈ હતી તોડફોડ 1 - image

Fact checked by Fact Crescendo | Edited by Gujarat Samachar Digital

લોકસભા ચૂંટણી 2024માં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો દ્વારા જાહેર કાર્યક્રમમાં તોડફોડ અને સ્ટેજ તોડતા જોવા મળી રહ્યા છે. હાલ જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો શેર કરનાર યૂઝર્સે દાવો કર્યો છે કે તેમાં ખેડૂતો હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સાથે સંકળાયેલા પંડાલનો નાશ કરતા બતાવે છે, જે હરિયાણા ભાજપના કાર્યક્રમ પર હુમલો છે. વાયરલ વીડિયો પર લખ્યું છે કે, "ખેડૂતોએ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના પંડાલને ખેડૂતોએ તોડી  પાડ્યો, ફોર્સે પણ પીછેહઠ કરી, ભાજપમાં સન્નાટો."

શું દાવો કરાઈ રહ્યો છે?

સોશિયલ મીડિયા યૂઝર્સે ગત 13 મે 2024ના રોજ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરાયો હતો કે, "ખેડૂતો દ્વારા હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના કાર્યક્રમમાં તોડફોડ કરાઈ."

ઉપરોક્ત પોસ્ટમાં કરાયેલા દાવાનું સત્ય તપાસવું જરૂરી જણાતા અમે અમારી તપાસ શરૂ કરી હતી.

અમે ગૂગલ પર કીવર્ડ અને રિવર્સ ઇમેજ સર્ચ સાથે અમારી તપાસ શરૂ કરી. જેમાં અમને 10 જાન્યુઆરી 2021ના રોજ યુટ્યુબ પર અપલોડ થયેલા સમાન વીડિયો જોવા મળ્યા. જેના વીડિયોના કેપ્શનમાં લખેલું હતું કે, "ખેડૂતોએ કરનાલમાં સીએમ ખટ્ટરનું સ્ટેજ તોડ્યું, લાઇવ જુઓ ફૂટેજ". વીડિયોના વર્ણનમાં ઉલ્લેખ છે કે, કરનાલમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને ખેડૂતો વિરૂદ્ધ વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આંદોલનકારી ખેડૂતોનું એક જૂથ સીએમ મનોહર લાલ ખટ્ટરના કૃષિ મહાપંચાયત કાર્યક્રમ તરફ જઈ રહ્યું હતું, જેમને પોલીસે અટકાવ્યા હતા. ખેડૂતો કાળા ઝંડા લઈને આવ્યા હતા અને પોલીસે તેમને અટકાવ્યા બાદ હંગામો મચી ગયો હતો. 

વધુ તપાસ કરતા યુટ્યુબ પર સમાન ઘટનાના વાયરલ વિડિયોનું વિસ્તૃત સંસ્કરણ મળ્યું કે જેમાં "ખેડૂતોએ મુખ્યમંત્રીની રેલીનું સ્ટેજ ઉખાડી નાખ્યું, ખુરશીઓ તોડી નાખી…ભારે તોડફોડ". આ વીડિયો પંજાબ કેસરી હરિયાણા દ્વારા 10 જાન્યુઆરી 2021ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.

ઈન્ડિયા ટીવી દ્વારા આ વર્ષે 10 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થયેલી ઘટનાનો એક સમાચાર અહેવાલ મળ્યો. વીડિયોના હેડલાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, "કરનાલમાં હંગામા બાદ સીએમ ખટ્ટરની મહાપંચાયત રદ્દ, અમે વિરોધ કરીશું." વીડિયોના વર્ણનમાં જણાવવામાં આવ્યું છે કે, "મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો કિસાન મહાપંચાયત કાર્યક્રમ હરિયાણાના કરનાલમાં વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ રદ કરવામાં આવ્યો છે. કરનાલમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારી ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો, પાણીના ધોધનો પણ ઉપયોગ કર્યો." 

ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે કેન્દ્ર ત્રણ કૃષિ કાયદાને રદ કરે તેવી શક્યતા ન હોવાના કારણે વિરોધ કરી રહેલા ખેડૂતોએ તંબુ ઉખેડી નાખ્યા અને સ્થળ પર સ્ટેજને નુકસાન પહોંચાડ્યા પછી કરનાલમાં 'કિસાન મહાપંચાયત' કાર્યક્રમ રદ કરવો પડ્યો. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આંદોલનકારી ખેડૂતોએ સ્થળ પર તોડફોડ કર્યા બાદ મુખ્યમંત્રીએ કરનાલમાં કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા માટે તેમની મુલાકાત રદ કરવી પડી હતી. આ તોડફોડ ત્રણ ફાર્મ કાયદાને રદ કરવાની માંગ સાથે થઈ હતી. નવેમ્બર 2021 માં, પીએમ મોદીએ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી જેણે ઉગ્ર વિરોધને વેગ આપ્યો હતો. તે જ વર્ષે ડિસેમ્બરમાં કાયદાઓ સત્તાવાર રીતે પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

ફેક્ટ ચેકનું પરિણામ : ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે

Fact Crescendo દ્વારા કરવામાં આવેલ ફેક્ટ-ચેકમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ઉપરની પોસ્ટ ખોટી છે. કારણ કે, વાયરલ વીડિયો વર્ષ 2021નો છે. જેને હાલની લોકસભા ચૂંટણી અને હરિયાણાના વર્તમાન મુખ્યમંત્રી સાથે કોઈ સંબંધ નથી.

નોંધ : આ સ્ટોરી Fact Crescendo દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે અને Gujarat Samachar Digital દ્વારા શક્તિ કલેક્ટિવના ભાગરૂપે અમે તેનો અનુવાદ કર્યો છે.


Google NewsGoogle News