Fact Check: સરકારી-ખાનગી નોકરીનું વચન આપતી નકલી વેબસાઇટથી ચેતજો! સરકારે આપ્યું ઍલર્ટ
Fake Jobs Website Scam: ડિજીટલ ફ્રોડના વધતા કેસો વચ્ચે હવે સરકારી નોકરીઓની નકલી ભરતી પણ લોકોને છેતરી રહી હોવાના કિસ્સા આવ્યા છે. કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આ મામલે ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સંલગ્ન હોવાનો દાવો કરતી નકલી વેબસાઇટ વિશે ઍલર્ટ જાહેર કરાયું છે. આ બનાવટી વેબસાઇટ વિવિધ કોર્સ ઓફર કરી રહી છે.
બનાવટી વેબસાઇટ અંગે ઍલર્ટ
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ https://niyukti.org નકલી વેબસાઇટ વિશે ઍલર્ટ જાહેર કર્યું છે. આ વેબસાઇટ પોતે કેન્દ્ર સરકારનો ફ્લેગશીપ પ્રોગ્રામ હોવાનો ખોટો દાવો કરતાં વિવિધ કોર્સમાં એડમિશનના નામે રૂ. 1698 ઉઘરાવી રહી છે. પીઆઈબીએ જણાવ્યું છે કે, ‘આ વેબસાઇટનું શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે કોઈ જોડાણ નથી. લોકોને બનાવટી વેબસાઇટથી દૂર રહેવા અપીલ.’
PIBએ ફેક્ટ ચેક પોસ્ટ કરી
પીઆઇબીએ સોશિયલ મીડિયા X પર ટ્વિટ કર્યું છે કે, #fake website 'https://niyukti.org' દાવો કરે છે કે, તે કેન્દ્ર સરકારનો ફ્લેગશીપ પ્રોગ્રામ છે. તે રૂ. 1698માં વિવિધ કોર્સ ઓફર કરી રહી છે. #PIBFactCheck, આ વેબસાઇટ @LabourMinistryની નથી, આ પ્રકારના કૌભાંડથી સાવચેત રહો!"
ઓનલાઇન જોબ કૌભાંડ
લોકસભામાં વિદેશી બાબતોના મંત્રાલયના મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, સરકાર આ પ્રકારના કેસોમાં સાવચેતીના પગલાં લઈ રહી છે. અમારા મંત્રાલયે વિદેશમાં રોજગારી ઓફર કરતી નકલી વેબસાઇટ અને સરકારી નોકરીઓ માટેની કેટલીક નકલી વેબસાઇટ બ્લોક કરી છે. આ પ્રકારના કૌભાંડમાં સાવચેતી રાખવા ભલામણ કરી હતી.
નોકરી આપવાના બહાને બંધુઆ બનાવ્યા
વધુમાં જયશંકરે જણાવ્યું હતું કે, આ પ્રકારની નકલી વેબસાઇટે નોકરી આપવાના બહાને લોકોને વિદેશમાં લઈ જઈ બંધુઆ મજૂરની જેમ કામ કરાવી રહી હતી. જેનો ભોગ બનેલા કંબોડિયામાંથી 1167 અને મ્યાનમારમાંથી 497 ભારતીયોને ઉગારી લેવામાં આવ્યા છે.