શંભુ બોર્ડર પર દેખાવકાર ખેડૂતોના ટ્રેક્ટરો AC, ફ્રીઝ સહિત અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ
- આ ખેડૂતોએ મોડિફાઈડ ટ્રેક્ટર-ટ્રોલીઓમાં બેડરૂમની સાથે-સાથે રહેવાની અને જમવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી રાખી છે
નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2024, રવિવાર
ખેડૂત સંગઠનો ફરી એકવાર તેમની માંગણીઓ પૂરી કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. MSP કાયદા સહિતની અનેક માંગણીઓને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત સંગઠનોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. પંજાબ અને હરિયાણા બોર્ડર પર દિલ્હી તરફ કૂચ કરવા નીકળેલા ખેડૂતોને પોલીસે અટકાવ્યા હોવા છતાં ખેડૂતોએ હિંમત ન હાર્યા અને અડગ છે. શંભુ બોર્ડર પર ખેડૂતોને આજે છઠ્ઠો દિવસ છે. આંદોલન માટે ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતો પાંચ દિવસથી અહીં બોર્ડર પર અડગ છે. આ ખેડૂતોએ મોડિફાઈડ ટ્રેક્ટર-ટ્રોલીઓમાં બેડરૂમની સાથે-સાથે રહેવાની અને જમવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરી રાખી છે.
અવનવા રૂપમાં શણગારેલી ટ્રોલીઓ ગ્રામ્ય ઝલક રજૂ કરી રહી. ઓછામાં ઓછા 15 હજાર ખેડૂતો એક હજારથી વધુ રંગબેરંગી ટ્રેક્ટર સાથે શંભુ બોર્ડર પર પ્રદર્શન સ્થળ પર પહોંચ્યા છે.
ટ્રેક્ટરોમાં જ બેડરૂમ બનાવવામાં આવ્યા છે. સામાન રાખવાની જગ્યા સાથે રસોડું પણ છે. કેટલાક ટ્રેક્ટર અને ટ્રોલીઓ એવા પણ છે જે કૂલર, AC, ટીવી અને ફ્રીજથી સજ્જ છે. દરેક ટ્રોલીમાં બલ્બ પણ લગાવવામાં આવ્યા છે. તેને ચલાવવા માટે ટ્રેક્ટરમાં જ જનરેટર ફીટ કરવામાં આવ્યું છે.
6 મહિનાનું રાશન સાથે લાવ્યા
ગુરદાસપુરના ગામ ચાચોકીના રહેવાસી ખેડૂતો રણજીત સિંહ અને જસપાલ સિંહે જણાવ્યું કે જે દિવસે તેઓ ઘરેથી નીકળ્યા તે દિવસે તેઓ સમજી ગયા હતા કે આ લડાઈ લાંબા સમય સુધી ચાલશે. તેથી અમે અમારી સાથે છ મહિનાનું રાશન લઈને નીકળ્યા છે.