ચૂંટણીમાં પરાજય સામે દેખાતાં ભાજપે છેલ્લો પાસો ફેંક્યો : કોંગ્રેસ પ્રમુખ ખડગે

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
ચૂંટણીમાં પરાજય સામે દેખાતાં ભાજપે છેલ્લો પાસો ફેંક્યો : કોંગ્રેસ પ્રમુખ ખડગે 1 - image


- રાજસ્થાનના કોંગ્રેસ નેતાઓ પર EDના દરોડા

- વડાપ્રધાન મોદી પર જ સીધા આક્ષેપો કરતાં કોંગ્રેસ પ્રમુખે કહ્યું : ચૂંટણી જીતવા તેઓ વિવિધ એજન્સીઓનો સાથ લે છે

નવીદિલ્હી : રાજસ્થાનના કોંગ્રેસના નેતાઓ ઉપર કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરેટ દ્વારા પગલાં લેવાતાં ભભૂકી ઉઠેલા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી ઉપર ઉગ્ર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં પણ પરાજય સામે દેખાતાં ભાજપે અને તેના નેતાએ (નરેન્દ્ર મોદીએ) આ છેલ્લો પાસો ફેંક્યો છે.

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને મહુઆની વિધાનસભાની બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદસિંહ દોના સહાનાં નિવાસસ્થાને ઈડીએ ગુરૂવારે દરોડા પાડયા હતા. તે દરોડા કહેવાતા એક્ઝામ પેપરલીક કેસ અને તેની સાથે જોડાયેલાં મની-લોન્ડરિંગ કેસ અંગે પાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ઈડીએ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને પણ ફોરેન એક્ષચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) નીચે પૂછપરછ કરવા બોલાવ્યા હતા.

આ અંગે કોંગ્રેસનાં સર્વોચ્ચ નેતા સોનિયા ગાંધી અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડ્ગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

મલ્લિકાર્જુન ખડ્ગેએ તો સીધા જ આક્ષેપો કરતાં કહ્યું હતું કે, સરકારી તપાસ સંસ્થાઓ, ઈ.ડી., સી.બી.આઈ., અને આઇટી સાચા અર્થમાં ભાજપના કાર્યકરો જેવું જ કાર્ય કરી રહેલ છે. વિશેષત: જેવી ચૂંટણીઓ આવે કે તુર્ત જ તે સંસ્થાઓ અતિ સક્રિય બની જાય છે.

(વિધાન સભા અને લોકસભાની) ચૂંટણીઓમાં પરાજય સામે દેખાતાં ભાજપે આ છેલ્લો પાસો ફેંક્યો છે. છત્તીસગઢ પછી ઇડી હવે રાજસ્થાનમાં પણ પગલાં લઈ રહી છે, અને કોંગ્રેસના નેતાઓ ઉપર કાર્યવાહી ચલાવી રહી છે. મોદી સરકારની ડિક્ટેટરશીપ લોકશાહી માટે ખતરનાક છે. આમ છતાં અમે તે એજન્સીઓના દુરૂપયોગ સામે લડતાં જ રહીશું તેમ મલ્લિકાઅર્જુન ખડ્ગેએ તેઓનાં ઠ હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું.

કોંગ્રેસના કેટલાંક નેતાઓ આ સાથે રાહુલ ગાંધીની સીબીઆઈએ પાંચ દિવસ સુધી કરેલી પૂછતાછની પણ યાદ આપી હતી. તેમજ સોનિયા ગાંધીની પણ કરાયેલી પૂછતાછની યાદ આપી હતી.


Google NewsGoogle News