મણિપુરમાં ફરી બે જૂથો વચ્ચે હિંસા ભડકી, જવાન સહિત 4નાં મોત, બોમ્બ-વિસ્ફોટકો જપ્ત કરાયા
- સ્વચ્છતા અભિયાન દરમિયાન જુથ અથડામણ
- 21 આઇઇડી, બે ચાઇનિઝ વિસ્ફોટકો 50 ગ્રેનેડ અને 34 પેટ્રોલ બોમ્બ જપ્ત કરાયા
Manipur News | મણિપુરમાં હિંસા વચ્ચે ટેંગનોપલ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના ભાગરુપે એક પ્લોટ સાફ કરાવવા મુદ્દે બે જુથ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં સુરક્ષા માટે તૈનાત મણિપુર રાઇફલ્સના એક જવાનનો પણ સમાવેશ થાય છે. જ્યારે ચુરાચંદપુરમાં એક ઉગ્રવાદી ઠાર મરાયો હતો.
મણિપુરના ઉખરુલ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના ભાગરુપે એક પ્લોટની સાફસફાઇ દરમિયાન વિવાદ થયો હતો જેને કારણે બે જુથ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં એક જવાન સહીત ત્રણ લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને ખડકી દેવામાં આવ્યા છે.
જ્યારે મણિપુરના જ હિંસાગ્રસ્ત ચુરાચંદપુરમાં એક ઉગ્રવાદી કમાન્ડરને એક અજાણ્યા શખ્સે ગોળી મારતા તેનું મોત નિપજ્યું હતું. આમ બે જિલ્લામાં ગોળીબારની ઘટનાઓમાં કુલ ચાર લોકો માર્યા ગયા હતા. માર્યો ગયેલો ઉગ્રવાદી યુનાઇટેડ કુકી નેશનલ આર્મી (ઉકના)નો સભ્ય છે. દરમિયાન ટેંગનોપલ જિલ્લામાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જે દરમિયાન સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કર્યા હતા. જપ્ત હથિયારોમાં ૧૦ મોટા વિસ્ફોટક ડિવાઇસ, ૧૧ નાના કદના આઇઇડી, ૪૨ દેશી ગ્રેનેડ્સ, સાત ન. ૩૬ ગ્રેનેડ્સ, બે ચાઇનિઝ ગ્રેનેડ્સ, ૩૪ પેટ્રોલ બોમ્બનો સમાવેશ થાય છે.