અમેરિકામાં PM મોદીને આમંત્રણ મુદ્દે કોઈ ચર્ચા નથી થઈ: જયશંકરનો રાહુલ ગાંધીને જવાબ
Parliament Budget Session Day 3 News : સંસદના ચાલુ બજેટ સત્રનો આજે (3 ફેબ્રુઆરી) ત્રીજો દિવસ છે. આ સત્રના ત્રીજા દિવસે આભાર પ્રસ્તાવ પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરની અમેરિકાની મુલાકાત અંગે ટિપ્પણી કરી હતી. જે પછી, જયશંકરે રાહુલ ગાંધીના નિવેદન પર જવાબ આપી તેમની ટીકા કરી હતી.
રાહુલ ગાંધી જુઠ્ઠું બોલ્યાઃ જયશંકર
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, 'વિપક્ષના નેતા રાહુલ ગાંધી મારી ડિસેમ્બર 2024માં થયેલા અમેરિકાના પ્રવાસ અંગે જાણ કરીને ખોટું બોલ્યા છે. હું બાઇડેન પ્રશાસનના રાજ્ય સચિવ અને NSAથી મળવા ગયો હતો. આ સાથે જ હું આપણા કોન્સ્યુલ જનરલની એક બેઠકની અધ્યક્ષતા કરવા ગયો હતો. આ દરમિયાન અમેરિકાના આગામી NSAએ પણ મારી સાથે મુલાકાત કરી હતી. કોઇ પણ સ્તરે વડાપ્રધાન સંબંધે કોઇ પણ આમંત્રણની ચર્ચા કરાઇ નહોતી.'
આ પણ વાંચોઃ જ્યાં ભાજપના સૂપડાં સાફ થવાના હતા ત્યાં નવા વૉટર્સના નામ જોડાઈ ગયા: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ દેશને નુકસાન પહોંચાડ્યુંઃ જયશંકર
આ ઉપરાંત વધુમાં તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, 'આ સામાન્ય જ્ઞાન છે કે આપણા વડાપ્રધાન આવા સામાન્ય કાર્યક્રમોમાં સામેલ થતા નથી. હું જાણું છું કે રાહુલ ગાંધીનો આ જુઠ રાજકીય હોઇ શકે છે, પરંતુ આવા નિવેદનોથી તેઓ વિદેશમાં આપણા દેશને નુકસાન પહોંચાડે છે.'
શું બોલ્યા હતા રાહુલ ગાંધી?
હકીકતમાં, સોમવારે (3 ફેબ્રુઆરી) લોકસભામાં ચર્ચા કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'જો આપણા દેશ પાસે સારું મેન્યુફેકચરિંગ સિસ્ટમ હોત તો વિદેશ મંત્રીને આટલી વખત જઇને અમેરિકાના રાષ્ટ્રપતિના શપથ સમારોહમાં વડાપ્રધાનને આમંત્રિત કરાવવા માટે આજીજી ન કરવી પડતી. વિદેશ મંત્રીને આટલું પરિશ્રમ કરવું ન પડતું, તેમને એમ કહેવાની જરૂર ન પડતી કે, પ્લીઝ અમારા વડાપ્રધાનને કોલ કરીને આમંત્રણ આપો.'
આ પણ વાંચોઃ 'તારો બાપ મારી સાથે ફરતો હતો, ચૂપચાપ બેસી જા', સંસદમાં કોના પર ભડક્યા ખડગે?