છત્તીસગઢમાં રૂ. 750 કરોડના મેડિકલ ઉપકરણોની ખરીદીમાં કૌભાંડનો પર્દાફાશ
- આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ચાર કંપનીઓ સામે કેસ
- હેલ્થ સેન્ટરોમાં ઉપકરણોની જરૂર છે કે નહીં તે ધ્યાનમાં લીધા વગર મેડિકલ ઉપકરણોની ખરીદી કરવામાં આવતા રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
- છત્તીસગઢના રાયપુર અને દુર્ગ તથા હરિયાણામાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા
- દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, બેંક ખાતાઓની વિગતો જપ્ત
રાયપુર: છત્તીસગઢમાં વર્ષ ૨૦૨૩માં ૭૫૦ કરોડ રૂપિયાના મેડિકલ ઉપકરણોની ખરીદીમાં અનિયમિતતા આચરવા બદલ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ચાર કંપનીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
હેલ્થ સેન્ટરોમાં મેડિકલ ઉપકરણોની જરૂર છે કે નહીં તે ધ્યાનમાં લીધા વગર ખરીદી કરવામાં આવતા રાજ્ય સરકારને કરોડોનું નુકસાન
એન્ટી કરપ્શન બ્યુરો અને ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
એસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર ૨૨ જાન્યુઆરીએ દાખલ કરવામાં આવેલ એફઆઇઆરમાં છત્તીસગઢ મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ (સીજીએમએસસીએલ), રાયપુર અને ડિરેક્ટોરેટ ઓફ હેલ્થ સર્વિસીસ ડિપાર્ટમેન્ટ તથા ચાર કંપનીઓ મોક્ષિત કોર્પોરેશન, દુર્ગ, સીબી કોર્પોરેશન, દુર્ગ, રેકોર્ડ્સ એન્ડ મેડિકેર સિસ્ટમ એચએસઆઇઆઇડીસી, પંચકુલા (હરિયાણા) અને શ્રી શારદા ઇન્ડસ્ટ્રીઝ (રાયપુર) અને અન્યના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એફઆઇઆરમાં કોઇ પણ વ્યકિતના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. અધિકારીના જણાવ્યા અનુસાર છત્તીસગઢના રાયપુર અને દુર્ગ તથા હરિયાણામાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં.
દરોડા દરમિયાન મોક્ષિત કોર્પોરેશન, શ્રી શારદા ઇન્ડસ્ટ્રીઝ તથા રેકોર્ડ્સ એન્ડ મેડિકેર સિસ્ટમના પરિસરો આવરી લેવામાં આવ્યા હતાં. દરોડા દરમિયાન વિવિધ દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, બેંક ખાતાઓની વિગતો જપ્ત કરવામાં આવી હતી.
સ્ટેટ પબ્લિક હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર ડિપાર્ટમેન્ટે મેડિકલ ઉપકરણો ખરીદવા માટેના નિર્દેશ જારી કર્યા હતાં. એફઆઇઆર જણાવ્યા અનુસાર ૨૦૨૧માં હમર લેબની રચના કરવા માટે મેડિકલ ઉપકરણો ખરીદવાના નિર્દેશ આપવામાં આવ્યા હતાં.