ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ: આસપાસના મકાનો ધરાશાયી, પાંચના મોત
Firozabad News: ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે આસપાસના ઘણા મકાનો ધરાશાયી થઈ ગયા હતા. ઘણા લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. રાતના 10 વાગ્યાની આસપાસ શિકોહાબાદના એક ગામમાં આ દુર્ઘટના થઈ હતી. વિસ્ફોટ બાદ આસપાસથી ઘણા લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સ્થાનિકો અનુસાર અહીં એક ખાલી મકાનમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. કાટમાળમાંથી લોકોને સુરક્ષિત કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસ પણ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
જે મકાનમાં ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી ત્યાં અચાનક જ આગ લાગી ગઈ હતી જે બાદ ભયાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટના કારણે આસપાસના મકાનોની દીવાલો તૂટી પડી અને ત્રણ મકાનો ધરાશાયી થયા. જેના કારણે આસપાસના ઘરોમાં રહેતા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. મીરા દેવી નામના મહિલાનું સારવાર દરમિયાન નિધન થયું છે જ્યારે હજુ અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. હજુ પણ આશંકા છે કે અમુક લોકો કાટમાળ દબાયા હોઈ શકે છે.