Get The App

દિલ્હીમાં ભાજપની જીતનો એક્ઝિટ પોલનો વરતારો

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
દિલ્હીમાં ભાજપની જીતનો એક્ઝિટ પોલનો વરતારો 1 - image


- મોટાભાગના એક્ઝિટ પોલમાં આપના વળતાપાણી, ભાજપની ડબલ એન્જિન સરકાર

- 70માંથી ભાજપને આશરે 39, આમ આદમી પાર્ટીને 30 જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળવાનું પોલનું અનુમાન

- અગાઉ પણ અમારી હારના જ એક્ઝિટ પોલ જાહેર થયા, પરંતુ પરિણામે સૌને ચોંકાવ્યા હતા, આ વખતે પણ એવુ જ થશે : આપ 

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ૨૬ વર્ષ બાદ ભાજપ ફરી સત્તા પર આવી શકે છે, બુધવારે વિવિધ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જાહેર કરાયા હતા, જેમાં મોટાભાગના પોલમાં ભાજપની જીતનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના શાસનનો અંત આવી શકે છે. વિધાનસભાની ૭૦ બેઠકો ધરાવતા દિલ્હીમાં ભાજપને ૩૯ જ્યારે આમ આદમી પાર્ટીને ૩૦ જેટલો બેઠકો મળવાનું તારણ એક્ઝિટ પોલમાં સામે આવ્યું છે. જ્યારે કોંગ્રેસને એક કે બે બેઠક મળી શકે છે. 

વિવિધ એક્ઝિટ પોલ એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ મેટ્રિઝે દાવો કર્યો છે કે ભાજપને ૩૫થી ૪૦, પીપલ્સ પલ્સ મુજબ ૫૧થી ૬૦, પીમાર્ક મુજબ ૩૯થી ૪૯, જેવીસી મુજબ ૩૯થી ૪૫ બેઠકો મળી શકે છે. માત્ર માઇન્ડ બ્રિન્કે દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટીના હાથમાં જ સત્તા આવશે. એજન્સીઓનો દાવો છે કે આ એક્ઝિટ પોલ મતદાન કર્યા બાદ મતદારો પાસેથી જાણેલા અભિપ્રાયના આધારે તૈયાર કરાયો છે. ચૂંટણી પંચે એક્ઝિટ પોલ એજન્સીઓને કડક સુચના આપી હતી કે મતદાન પૂર્ણ થયા બાદ એટલે કે ૬.૩૦ વાગ્યા પછી જ એક્ઝિટ પોલ જાહેર કરી શકાશે. બુધવારે દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકો પર મતદાન થયું હતું, જે બાદ સાંજે આ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા. ૭૦ બેઠકોમાંથી જે પક્ષને ૩૬ બેઠકો મળશે તે રાજધાનીમાં સરકાર બનાવશે. 

જોકે એક્ઝિટ પોલના તારણને આમ આદમી પાર્ટીએ નકાર્યા હતા, આપના રાષ્ટ્રીય પ્રવક્તા રીના ગુપ્તાએ જણાવ્યું હતું કે એક્ઝિટ પોલે હંમેશા આમ આદમી પાર્ટીને પાછળ જ દેખાડી છે પરંતુ પરિણામ કઇક અલગ જ આવે છે. અગાઉ પણ એક્ઝિટ પોલે આપની હારના દાવા કર્યા હતા પરંતુ આપ સત્તા પર આવી હતી. વર્ષ ૨૦૧૩, ૨૦૧૫ કે ૨૦૨૦ના એક્ઝિટ પોલ પર નજર કરશો તો જણાશે કે તે સમયે પણ આપને ઓછી બેઠકોનું જ અનુમાન વ્યક્ત કરાયું હતું, પરંતુ ચોંકાવનારા પરિણામો આવ્યા હતા. આ વખતે પણ આમ આદમી પાર્ટી ઐતિહાસિક જીત મેળવવા જઇ રહી છે. ચૂંટણીના પરિણામ આઠ તારીખે જાહેર કરવામાં આવશે જેના પર હવે સૌની નજર છે. આ પહેલા વર્ષ ૨૦૨૦માં ચૂંટણી યોજાઇ ત્યારે આપને ૭૦માંથી ૬૨, ભાજપને આઠ બેઠક મળી હતી જ્યારે શીલા દિક્ષિતની આગેવાનીમાં સળંગ ૧૫ વર્ષ સુધી શાસન કરી ચુકેલા કોંગ્રેસને એક પણ બેઠક નહોતી મળી. છેલ્લે વર્ષ ૧૯૯૩માં ભાજપે દિલ્હીમાં પ્રથમ વખત સત્તા પ્રાપ્ત કરી હતી, જે બાદ ભાજપ ક્યારેય રાજધાનીમાં સત્તા પર નથી આવ્યો, એવામાં એક્ઝિટ પોલના તારણ બાદ ભાજપને આશા છે કે તે ફરી સત્તા મેળવી શકે છે.

એક્ઝિટ પોલનું તારણ

એજન્સી

ભાજપ

આપ

કોંગ્રેસ

મેટ્રિઝ

૩૫-૪૦

૩૨-૩૭

૦-૧

પીપલ્સ પલ્સ

૫૧-૬૦

૧૦-૧૯

પીમાર્ક

૩૯-૪૯

૨૧-૩૧

૦-૧

જેવીસી

૩૯-૪૫

૨૨-૩૧

૦-૨

માઇન્ડ બ્લિન્ક

૨૧-૨૫

૪૪-૪૯

૦-૧

કુલ

૩૯

૩૦


Google NewsGoogle News