24 વર્ષથી જે CMને કોઈ હટાવી ન શક્યું, તે ભાજપ સામે હારશે? Exit Pollના આંકડાએ ચોંકાવ્યા
Odisha Assembly Election Exit Poll: લોકસભા ચૂંટણીની સાથે આ વખતે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ છે. હવે વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પણ બહાર આવી ગયા છે. લોકસભા ચૂંટણીની જેમ બીજેડીને ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં પણ આંચકો લાગવાની ધારણા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા એક્ઝિટ પોલ અનુસાર, ઓડિશા વિધાનસભાની કુલ 147 સીટો પર ટક્કરની હરિફાઈ જોવા મળી શકે છે. બીજેડીની બેઠકો નોંધપાત્ર રીતે ઘટી રહી છે, જ્યારે ભાજપની બમ્પર વધી રહી છે.
બીજેડી 2004 પછી પહેલીવાર બહુમતીથી દૂર દેખાઈ રહી છે
એક્ઝિટ પોલ અનુસાર મુખ્યમંત્રી નવીન પટનાયકની બીજેડીને ઓડિશા વિધાનસભામાં 62-80 બેઠક મળી શકે છે. બીજેડી 2004 પછી પહેલીવાર બહુમતીથી દૂર દેખાઈ રહી છે. આ સાથે જ એક્ઝિટ પોલમાં ભાજપને મોટો ફાયદો થતો જોવા મળી રહ્યો છે.
ઓડિશામાં પણ ભાજપને 62-80 બેઠક મળવાની આશા છે. જેથી ભાજપને ઓડિશામાં 48 બેઠકનો ફાયદો થઈ શકે છે, જ્યારે બીજેડીને 42 બેઠકનું નુકસાન વેઠવું પડી શકે છે. કોંગ્રેસને 5-8 બેઠક મળવાની ધારણા છે જે ગત ચૂંટણી કરતા ચાર બેઠક ઓછી છે. અન્યના ખાતામાં એક પણ સીટ જતી નથી.
ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી
વોટ ટકાવારીની જોતા કહી શકાય કે ઓડિશામાં ભાજપને મોટો ફાયદો મળી રહ્યો છે. પાર્ટીનો વોટ શેર 42 ટકા સુધી જઈ શકે છે. બીજેડીનો વોટ શેર પણ ઘટીને 42 ટકા થઈ શકે છે, જ્યારે કોંગ્રેસને 12 ટકા વોટ મળવાની ધારણા છે.
ઓડિશા વિધાનસભાની 147 બેઠક માટે ચાર તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કો 13 મે, ત્યારબાદ 20, 25 મે અને 1 જૂને યોજાયો હતો. ઓડિશામાં લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભાની બેઠક માટે મતદાન થયું હતું.
વર્ષ 2019માં બીજેડી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી
છેલ્લી 2019 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો બીજેડી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. ત્યારે બીજેડીને 112 બેઠક મળી હતી જ્યારે બીજેપીને 23 બેઠક મળી હતી. સાથે જ કોંગ્રેસને નવ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.
લોકસભા ચૂંટણીમાં પણ પટનાયકને મોટો ફટકો
ગઈકાલે જાહેર કરાયેલા એક્ઝિટ પોલમાં ઓડિશામાં લોકસભાની ચૂંટણીમાં બીજેડી માટે મોટા ફટકાની આગાહી કરવામાં આવી છે. એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર, ઓડિશામાં લોકસભાની 21 બેઠકમાંથી ભાજપને 18-20 બેઠક મળી શકે છે, જ્યારે બીજેડીને 0-2 બેઠક મળી શકે છે. તેમજ કોંગ્રેસને 0-1 બેઠક મળવાની આશા છે.