EXIT POLL : દેશભરની હોટ સીટ પર કયા કયા ઉમેદવારોની બોલબાલા, કોણ જીત તરફ જુઓ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
EXIT POLL : દેશભરની હોટ સીટ પર કયા કયા ઉમેદવારોની બોલબાલા, કોણ જીત તરફ જુઓ 1 - image


Lok Sabha Elections : લોકસભા 2024ની ચૂંટણીના તમામ સાત તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તેની સાથે જ આ ચૂંટણીના મહાસંગ્રામમાં કોનો વિજય થઇ રહ્યો છે તેને લઈને એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. ત્યારે સૌથી મહત્ત્વની બેઠક પર કોની કોની જીતની શક્યતા વધુ છે. જુઓ એક્ઝિટ પોલ... 

આ વખતે એનડીએ ગઠબંધન અને વિપક્ષના I.N.D.I.A. ગઠબંધન વચ્ચે સીધી ટક્કર

આ વખતની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના I.N.D.I.A. ગઠબંધન વચ્ચે સીધી ટક્કર જોવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો વિશ્વાસ છે ત્યારે એકજૂટ થઈ ચૂકેલા વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ને પણ આ વખતે મોદી લહેરને પડકારતાં વિજયની આશા છે કારણ કે, કોંગ્રેસની પણ 50 બેઠક વધી શકે છે. 

વારાણસી બેઠક પર પીએમ મોદીને લીડ મળતી દેખાઈ

સૌથી પહેલા વાત કરીએ ઉત્તર પ્રદેશની વારાણસી બેઠકની તો આ VVIP બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન મોદી વારાણસીથી ત્રીજી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ 2014 અને 2019ની ચૂંટણી વારાણસીથી જીતી છે, આ વખતે તેમની સામે 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર આ બેઠક પર પીએમ મોદીને લીડ મળતી દેખાઈ રહી છે.

ગાંધીનગર બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

આ પછી ગુજરાતની ગાંધીનગર બેઠકની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. ભાજપ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી મેદાનમાં છે ત્યારે કોંગ્રેસે સોનલ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બેઠક પર ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ એક્ઝિટ પોલ મુજબ અમિત શાહ ચૂંટણી જીતી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે જીતનું માર્જિન કેટલું મોટું છે.

હિમાચલ પ્રદેશની મંડી બેઠક હાઈ-પ્રોફાઈલ હરીફાઈ તરીકે ઉભરી આવી

હિમાચલ પ્રદેશની મંડી બેઠક હાઈ-પ્રોફાઈલ હરીફાઈ તરીકે ઉભરી આવી છે. આ બેઠક પરથી ભાજપે બોલિવૂડ અભિનેત્રી કંગના રણૌત પર દાવ લગાવ્યો હતો જ્યારે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને ઉમેદવાર બનાવ્યા હતા. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર આ બેઠક પર કંગના રણૌતનો દબદબો છે અને તે આ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચી શકે છે

મધ્યપ્રદેશની ગુના લોકસભા બેઠક પરનો જંગ ખૂબ જ રોમાંચક

મધ્યપ્રદેશની ગુના લોકસભા બેઠક પરનો જંગ ખૂબ જ રોમાંચક છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આ હાઈપ્રોફાઈલ બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે રાવ યાદવેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા છે. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ અનુસાર જ્યોતિરાદિત્ય સિંધિયા આ બેઠક પર લીડ મેળવતા જણાય છે.

અમેઠી-રાયબરેલીમાં શું થયું? 

હિન્દુસ્તાન ટાઈમ્સના એક્ઝિટ પોલ પ્રમાણે આ વખતે અમેઠીથી લોકસભા ચૂંટણી લડી રહેલાં ભાજપના દિગ્ગજ મહિલા સાંસદ સ્મૃતિ ઈરાની પરાજય તરફ જતાં દેખાઈ રહ્યા છે. તેમની સામે સોનિયા ગાંધીના ખાસ વ્યક્તિ કે.એલ શર્મા જીતતા દેખાઈ રહ્યા છે. સ્કૂલ ઓફ પોલિટિક્સ એજન્સીનો દાવો છે કે યુપીની અમેઠી, રાયબરેલી અને જોનપુર બેઠક ઈન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વખતે સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને હરાવીને અમેઠી બેઠક જીતી હતી. 

રાહુલ ગાંધીનું રાયબરેલીમાં શું થયું? 

બીજી બાજુ રાહુલ ગાંધીની વાત કરીએ તો આ વખતે અમેઠીથી નહીં પણ રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરીને તેઓ જીતતા દેખાઈ રહ્યાં છે. સ્કૂલ ઓફ પોલિટિક્સ એજન્સીના અહેવાલ અનુસાર તેમની સામે ભાજપના નેતા દિનેશ પ્રતાપ સિંહ ફરી એકવાર હારતા દેખાય છે.

આ પણ વાંચો : તમામ EXIT POLL માં NDAને 350થી વધુ બેઠક, આ વખતે ઘણાં રાજ્યોમાં ક્લિનસ્વિપ નહીં થાય

EXIT POLL : દેશભરની હોટ સીટ પર કયા કયા ઉમેદવારોની બોલબાલા, કોણ જીત તરફ જુઓ 2 - image


Google NewsGoogle News