લોકસભા ચૂંટણીના EXIT POLL પર વિદેશી મીડિયાએ શું લખ્યું, પાકિસ્તાને કહ્યું ‘વિશ્વાસ નથી થતો’
Lok Sabha Elections EXIT POLL 2024 | ભારતમાં લોકસભા ચૂંટણી માટેના અંતિમ તબક્કાનું મતદાન શનિવારે થયું હતું. મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલ આવી ગયા, જેને જોઈને ભાજપ ખુશ છે. કારણ કે લગભગ તમામ એક્ઝિટ પોલ મુજબ ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન 350થી વધુ સીટો જીતશે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે.
એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી
જોકે, એક્ઝિટ પોલ અંતિમ પરિણામો નથી. પરંતુ ઘણી વખત આગાહીઓ સાચી પડે છે. આ એક્ઝિટ પોલ પાકિસ્તાન સહિત વિશ્વના ઘણા દેશો માટે નિરાશાજનક સાબિત થયો જેઓ આશા રાખી રહ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં સત્તા ગુમાવશે. તો ચાલો જાણીએ આ એક્ઝિટ પોલ પર વિશ્વના વિવિધ દેશોની મીડિયાએ શું કહ્યું?
પાકિસ્તાને શું કહ્યું?
પાકિસ્તાની અખબાર ડોને તેના અહેવાલનું હેડલાઈન કંઈક એવું કર્યું કે, 'ટીવી એક્ઝિટ પોલમાં લોકસભા ચૂંટણીમાં ભારતના પીએમ મોદીની જીતની આગાહી.' એક્ઝિટ પોલના ડેટા લખતી વખતે તેણે એમ લખ્યું કે એક્ઝિટ પોલ હંમેશા સાચો ન ઠરી શકે. ડોને લખ્યું, ભારતમાં એક્ઝિટ પોલનો રેકોર્ડ ખરાબ રહ્યો છે કારણ કે તેમના ચૂંટણી પરિણામો ઘણીવાર ખોટા હોય છે. વિશ્લેષકો કહે છે કે વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં એક્ઝિટ પોલ સાચા ઠરવા એ મોટો પડકાર હોય છે. મંગળવારે જ્યારે પરિણામો જાહેર થશે ત્યારે મોદી ત્રીજી વખત સત્તામાં પાછા ફરે તેવી અપેક્ષા છે, જેનું મુખ્ય કારણ ભારતના બહુમતી સમુદાયમાં પીએમ મોદી વિશ્વાસથી ભરેલા આક્રમક ચેમ્પિયન તરીકેની છબિ ધરાવે છે. એક્સપ્રેસ ટ્રિબ્યુને પણ તેના અહેવાલમાં આ બાબતો શબ્દશઃ છાપી હતી.
પાકિસ્તાનના અન્ય મીડિયાની પણ આવી જ પ્રતિક્રિયા
પાકિસ્તાનના જિયો ટીવીએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, 'વોટિંગ સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ એક્ઝિટ પોલનો ઉલ્લેખ કર્યા વગર પોતાની પહેલી ટિપ્પણીમાં જીતનો દાવો કર્યો હતો.' આ રિપોર્ટમાં જિયોએ PM મોદીના તે ટ્વીટનો ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફરી એકવાર NDA સરકાર બનશે. આ સિવાય રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એક્ઝિટ પોલ સાચા ન હોઈ શકે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 'સર્વેમાં દાવો કરાયો છે કે 1.4 બિલિયન લોકોની બહુમતી ધરાવતા હિંદુ દેશમાં મતદારો માટે બેરોજગારી અને મોંઘવારી મુખ્ય ચિંતાજનક મુદ્દા છે.'
ન્યુયોર્ક ટાઈમ્સને પણ એક્ઝિટ પોલ પર વિશ્વાસ નથી
ન્યુયોર્ક ટાઈમ્સે પણ તેના અહેવાલમાં લખ્યું છે કે, 'છેલ્લા રાઉન્ડના વોટિંગ પછી નરેન્દ્ર મોદીના હિન્દુ-રાષ્ટ્રવાદી ભાજપની સત્તામાં સરળ વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી. વિપક્ષે આ વખતે એકજૂટ થઇને લડત આપી છે પણ એક્ઝિટ પોલમાં વિપક્ષ બહુમતી માટે સંઘર્ષ કરી રહ્યો હોવાના સંકેત મળ્યાં છે. જ્યારે બીબીસીએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે, '6 એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાની આગાહી કરાઈ પણ આવા સર્વે હંમેશા વિશ્વસનીય નથી હોતા. રોયટર્સ ન્યૂઝ એજન્સીએ પણ તેના રિપોર્ટમાં લખ્યું છે કે, 'એનડીએ 353થી 401 સીટો વચ્ચે જીત મેળવી શકે છે. જેના લીધે સોમવારે ખુલતાની સાથે નાણાકીય બજારોને વેગ મળી શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ 353 બેઠકો જીતી હતી, જેમાંથી ભાજપે 303 બેઠકો જીતી હતી. ત્યારે પણ પાંચમાંથી ત્રણ સર્વેમાં એવી આગાહી કરવામાં આવી હતી કે 2019માં ભાજપ એકલા 303થી વધુ બેઠકો જીતી શકે છે.