મહત્ત્વપૂર્ણ રાજ્યમાં ભાજપ કેવી રીતે ભારે પડી રહ્યો છે! 400નું લક્ષ્ય પાર કરવા અહીં જીતવું જરૂરી
Lok Sabha Elections 2024 | પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી ઘણા વર્ષોથી 'ખેલા હોબે' નારો આપી રહ્યા છે. પરંતુ હવે એક્ઝિટ પોલના પરિણામો જોતા લાગે છે કે તેમની સાથે ખેલ થઇ ગયો છે. એક્ઝિટ પોલમાં બંગાળની 42 લોકસભા બેઠકોમાંથી ભાજપને 26થી 31 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) 11 થી 14 સીટો અને I.N.D.I.A. માત્ર 2 સીટો સુધી સીમિત જણાય છે. નિષ્ણાતો કહે છે કે જો ભાજપે ખરેખર 400 બેઠકનું લક્ષ્ય પાર પાડવું હોય તો આ રાજ્યમાં જીતવું તેના માટે ખૂબ જ જરૂરી છે.
વોટશેરમાં શું છે સ્થિતિ?
જો આપણે વોટ શેરની વાત કરીએ તો ટીએમસીને 40 ટકા વોટ શેર, ભાજપને 46 ટકા,I.N.D.I.A. ને 12 ટકા અને અન્યને 2 ટકા વોટ શેર મળી રહ્યા છે. આવી સ્થિતિમાં એક વાત સ્પષ્ટ છે કે જો ભાજપને 46 ટકાની આસપાસ વોટ શેર મળી રહ્યો છે અને તેની બેઠકો આટલી વધી રહી છે તો તૃણમૂલ કોંગ્રેસના ગઢ ગણાતા દક્ષિણ બંગાળમાં ભાજપે સારો એવો ડંકો વગાડ્યો છે, કારણ કે દક્ષિણ બંગાળમાં ઘૂસ્યાં વિના પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે આટલી મોટી જીત મેળવવી અશક્ય છે.
ભાજપ માટે સારા સંકેત
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ, 1 જૂનના રોજ જે 9 બેઠકો પર મતદાન થયું હતું તે તમામ 9 બેઠકો 2019 માં તૃણમૂલ કોંગ્રેસે અને વિશાળ માર્જિનથી જીતી હતી. આવી સ્થિતિમાં, એક વાત સ્પષ્ટ છે કે આખરે આ 9 બેઠકો પર ભાજપે સેંધમારી કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાઓના જણાવ્યા અનુસાર, અનુમાન છે કે જો સ્થિતિ ખૂબ જ સારી રહેશે તો ભાજપને પશ્ચિમ બંગાળમાંથી 29 બેઠકો મળશે. બંગાળ ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર બંગાળમાં 1 જૂને જે નવ બેઠકો પર મતદાન થયું હતું તેમાંથી ભાજપને ત્રણ બેઠકો મળી રહી છે. ભાજપ બારાસત, ઉત્તર કોલકાતા અને મથુરાપુર લોકસભા બેઠકો જીતી રહી છે.