પૂર્વ સાંસદ ધનંજય સિંહને સાત વર્ષની સજા, અપહરણ અને ખંડણી કેસમાં થયા હતા દોષિત જાહેર

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
પૂર્વ સાંસદ ધનંજય સિંહને સાત વર્ષની સજા, અપહરણ અને ખંડણી કેસમાં થયા હતા દોષિત જાહેર 1 - image


Former MP Dhananjay Singh Punishment : ઉત્તર પ્રદેશના જૌનપુર લોકસભાથી સાંસદ રહેલા ધનંજય સિંહને લોકસભા ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. અપહરણ અને ખંડણી કેસમાં જૌનપુરની કોર્ટે તેમને મંગળવારે દોષિત જાહેર થયા બાદ હવે આજે(બુધવાર) તેને સાત વર્ષની સજા સંભળાવાઈ છે. તેની સાથે જ 50 હજારનો દંડ પણ લગાવાયો છે. જેને લઈને હવે લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલા ધનંજય સિંહનું રાજકીય ભવિષ્ય હવે નજરે આવી રહ્યું છે.

માહિતી અનુસાર, 10 મે 2020એ જૌનપુરના લાઈન બજાર વિસ્તારમાં મુઝફ્ફરનગર નિવાસી નમામિ ગંગેના પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલે અપહરણ અને ખંડણી માંગવાનો આરોપ લગાવતા ધનંજય સિંહ અને તેમના સાથીદાર વિક્રમ પર કેસ દાખલ કરાવ્યો હતો.

ફરિયાદમાં પીડિતે જણાવ્યું હતું કે, ત્યાં ધનંજય સિંહ પિસ્તોલ લઈને આવ્યા અને અપશબ્દો આપતા તેમને ઓછી ગુણવત્તાવાળી સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે દબાણ કર્યું. ના પાડતા તેમણે ધમકી આપતા ખંડણી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે કેસ દાખલ કરીને પૂર્વ સાંસદની ધરપકડ કરી હતી. જોકે બાદમાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા.

લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે ધનંજય સિંહ

જણાવી દઈએ કે, ધનંજય સિંહ આગામી લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેની પુષ્ટિ તેમણે સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટથી કરી હતી. ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યા બાદ ધનંજય સિંહની પ્રતિક્રિયા જોવા મળી હતી. કારણ કે, ભાજપે જૌનપુર લોકસભા બેઠકથી કૃપાશંકર સિંહને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારબાદ ધનંજય સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'મિત્રો! તૈયાર રહો.... લક્ષ્ય બસ એક લોકસભા 73, જૌનપુર.' આ સાથે જ 'જીતેગા જૌનપુર-જીતેંગે હમ'ની સાથે પોતાનો ફોટો પણ શેર કર્યો. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે ધનંજય સિંહ અપક્ષમાંથી લડશે કે નીતીશ કુમારની પાર્ટી જેડીયુમાંથી લડશે, પરંતુ આ પોસ્ટ દ્વારા ધનંજયે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આગામી ચૂંટણીમાં જરૂરથી ઝંપલાવવાના છે.


Google NewsGoogle News