'હું કેજરીવાલ સામે જ ચૂંટણી મેદાને ઉતરવા તૈયાર... ', પત્તું કપાતા નારાજ નેતાની મોટી જાહેરાત
Delhi Election: આમ આદમી પાર્ટી (આપ)ના અમુક ધારાસસભ્ય ટિકિટ કપાઇ જવાના કારણે હવે બળવો કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. સીલમપુરના ધારાસભ્ય અબ્દુલ રહેમાને પાર્ટી છોડી દીધી છે, તો અમુક બીજા નેતા પણ આ દિશામાં પગલું ભરી શકે છે. ત્રિલોકપુરીથી ધારાસભ્ય રોહિત કુમારે તો ત્યાં સુધી કહી દીધું કે, તે અરવિંદ કેજરીવાલની સામે નવી દિલ્હી બેઠક પરથી પણ ચૂંટણી લડી શકે છે. રોહિત કુમારે પાર્ટીના નેતૃત્વ પર આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, 'અન્ના આંદોલન સમયથી જોડાયેલા જૂના નેતાઓને સાઇડલાઇન કરીને આવા લોકોની ટિકિટ કાપવામાં આવી રહી છે, જેની વિરોધમાં અમે લડી રહ્યા હતાં.'
ટિકિટ કપાવાના કારણે ધારાસભ્યો નારાજ
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીએ ત્રિલોકપુરી બેઠકથી હાજર ધારાસભ્ય રોહિત કુમારની ટિકિટ કાપીને અંજના પારચાને ટિકિટ આપી છે. પાર્ટીના આ નિર્ણયથી દુઃખી રોહિતે કહ્યું કે, 'મને જી હઝૂરી કરતા નથી આવડતું, હું સ્વાભિમાની છું. મને નેતાઓના ઘરે આંટા-ફેરા મારવાનું નથી આવડતું, હું ચાપલૂસી નથી કરી શકતો. કદાચ એટલે જ ટિકિટ કાપવામાં આવી છે. હવે હું ત્રિલોકપુરી બેઠક અથવા નવી દિલ્હી બેઠકથી ચૂંટણી લડીશ. ચૂંટણીમાં શું કરવું અને ક્યાંથી લડવું તેને લઈને હું મારી ટીમ સાથે વાત કરી રહ્યો છું.'
આ પણ વાંચોઃ માઉન્ટ આબુમાં -3 ડિગ્રી તાપમાન, બરફની ચાદર પથરાતાં સહેલાણીઓ ઠંડીમાં ઠુંઠવાયા
કેજરીવાલની મજબૂતી માટે કામ કર્યુંઃ રોહિત કુમાર
રોહિતે વધુમાં કહ્યું કે, 'નવી દિલ્હી વિધાનસભા બેઠક પર મેં કેજરીવાલની મજબૂતી માટે કામ કર્યું. હું જ કેજરીવાલને નવી દિલ્હીના વાલ્મિકી વિસ્તાર અને મંદિરમાં લઈ ગયો હતો. જે સમયે લોકો ઘરમાં પણ નહતાં આવવા દેતાં, કોંગ્રેસના જૂના નેતા નહતા ઈચ્છતા કે, કેજરીવાલ ત્યાં આવે. ત્યારે મેં દલિત સમાજના લોકોને ઘરે-ઘરે જઈને જોડ્યા. જ્યારે ઝાડૂનું પ્રતીક લૉન્ચ થયું હતું ત્યારે પણ હું સ્ટેજ પર હાજર હતો.'
કેજરીવાલને 50 રૂમવાળું ઘર કેમ જોઈએ છે?
આ સાથે જ રોહિતે કેજરીવાલ પર લાગેલા 'શીશમહેલ'ના આરોપને લઈને કહ્યું કે, જનતા તેને લઈને સવાલ કરી રહી છે, જે શખસ કહે છે કે, મારા માટે ત્રણ રૂમનું મકાન પણ મોટું છે, તેને હવે 50 રૂમ વાળું ઘર કેમ જોઈએ છે? પોતાના ખોટા નિર્ણયોથી ભાજપને થાળીમાં સજાવીને તક આપવામાં આવી છે.'
જે લોકોને પાર્ટી ચોર કહેતી તેને ટિકિટ આપી
રોહિતે પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે, 'જે લોકોને પાર્ટી ચોર કહેતી હતાી, ભ્રષ્ટાચારી કહેતી હતી, તેમને ટિકિટ આપવામાં આવી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, સંતોષ કોલી જે અમારા આંદોલનની સાથી હતી, જેને અમે શહીદ કહેતાં હતાં, તેમની હત્યાનો આરોપ જેના પર લાગેલો છે તે વીર સિંહ ધીંગાનને ટિકિટ આપવામાં આવી છે. જેના વિરોધમાં અરવિંદ કેજરીવાલે નંદ નગરીમાં રાશન માફિયા કરીને આંદોલન કર્યું. જ્યારે એક અકસ્માત બાદ સંતોષ કોલીની મોત થઈ ગઈ તો કેજરીવાલે કહ્યું કે, આ અકસ્માત નહીં, હત્યા છે. તેઓએ વીર સિંહ ધીંગાન પર આરોપ લગાવ્યો હતો. સત્તાનો મોહ એટલો વધી ગયો છે કે, તે કોઈપણ હદ સુધી જઈ શકે છે.'
અમને વિશ્વાસમાં લીધા જ નથીઃ રોહિત કુમાર
આ વિશે વધુમાં રોહિતે કહ્યું કે, 'ટિકિટ કપાતા પહેલાં કોઈ વાતચીત કરવામાં નહતી આવી, વિશ્વાસમાં નહતા લેવાયા. હું 15 વર્ષ પહેલાં પોતાનું કરિયર છોડીને અન્ના આંદોલન સાથે જોડાયો હતો. બાળકોના ભવિષ્ય માટે જે પૈસા ભેગા કર્યાં હતાં તે પાર્ટીમાં ન્યોછાવર કરી દીધાં. જે આંદોલનના સાથી છે, તેમને એક-એક કરીને સાઇડલાઈન કરવામાં આવી રહ્યાં છે. સૌથી ચોંકાવનારી વાત છે કે, દિલીપ પાંડેય જેવા સાથીની ટિકિટ કાપવામાં આવી, જે હૉન્ગ-કૉન્ગથી પોતાની નોકરી છોડીને આંદોલનમાં જોડાયા હતાં. ઋતુરાજ, પ્રવીણ, જારવાલ, રાજેશ ઋષિની ટિકિટ કાપવામાં આવી, તમામ લોકો અન્ના આંદોલન સમયના સાથી છે.'