હારો ત્યારે ઈવીએમ ખરાબ અને જીતો તો સબ સલામત
- બેલટ પેપરથી ચૂંટણીની માગ પર કહ્યું, ક્યાંથી આવે છે આવા વિચાર
- મતદારોને રૂપિયા, દારૂ અથવા અન્ય પ્રલોભન આપવા માટે દોષિત ઠરનારા નેતાઓ પર પાંચ વર્ષના પ્રતિબંધની માગ કરાઈ હતી
નવી દિલ્હી : હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વમાં પરાજય સાથે ફરી એક વખત ઈવીએમ પર સવાલો ઊઠવા લાગ્યા છે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઈ છે. ઈવીએમ સાથે ચેડાં થતાં હોવાથી બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માગણી કરતી અરજી ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે, તમે હારો ત્યારે ઈવીએમ સાથે ચેડાં થાય છે, જીતો ત્યારે નહીં.
દેશભરમાં ફરી એક વખત બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની માગણી કરતી અરજી ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિક્રમ નાથ અને પીબી વરાલેની બેન્ચે જણાવ્યું હતું કે, હકીકતમાં તમે જીતો ત્યારે ઈવીએમ સાથે કોઈ ચેડાં થતાં નથી. તમે હારો ત્યારે જ ઈવીએમ સાથે ચેડાં થાય છે.
જાહેર હિતની અરજીમાં ઈવીએમ સાથે ચેડાંની ફરિયાદની સાથે દેશમાં ઈવીએમની જગ્યાએ બેલટ પેપરથી ચૂંટણી કરાવવાની પણ માગ કરાઈ હતી. આ અરજી ડૉ. કે.એ. પૌલે દાખલ કરી હતી. દેશમાં બેલટ પેપરથી મતદાન કરાવવા ઉપરાંત કોઈ ઉમેદવાર ચૂંટણી સમયે મતદારોને રૂપિયા, દારૂ અથવા અન્ય પ્રલોભન આપવા બદલ દોષિત ઠેરવવામાં આવે તો તેને ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે અયોગ્ય જાહેર કરવા માટે ચૂંટણી પંચને નિર્દેશ કરવામાં આવે તેવી પણ માગ અરજીમાં કરાઈ હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસની સુનાવણી સમયે અરજદારને કટાક્ષ કરતા સવાલ કર્યો હતો કે આવી અરજી દાખલ કરવા અંગેનો શાનદાર વિચાર તમને કેવી રીતે આવે છે? બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગ કરતા અરજદારે કહ્યું કે, તેઓ ૧૫૦થી વધુ દેશોમાં ફરી ચૂક્યા છે. મોટાભાગના દેશોમાં બેલટ પેપરથી જ મતદાન થાય છે. ભારતે પણ એવું જ કરવું જોઈએ.
બેન્ચે સવાલ કર્યો કે, તમે દુનિયાથી અલગ કેમ થવા માગતા નથી? અરજદારે કહ્યું કે, દેશમાં ભ્રષ્ટાચાર છે અને આ વર્ષે જૂનમાં ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે, તેણે રૂ. ૯,૦૦૦ કરોડ જપ્ત કર્યા છે. આ અંગે અદાલતે કહ્યું કે, દેશમાં ફરીથી બેલટ પેપરથી ચૂંટણી કરાવાય તો શું ભ્રષ્ટાચાર નહીં થાય?