Get The App

EVM પર મોટા ભાગના લોકો વિશ્વાસ નથી કરતા, એવો ડેટા ક્યાંથી મળ્યો?, પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટનો સવાલ

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
EVM પર મોટા ભાગના લોકો વિશ્વાસ નથી કરતા, એવો ડેટા ક્યાંથી મળ્યો?, પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટનો સવાલ 1 - image


Lok Sabha Elections 2024 : દેશમાં 19 એપ્રિલથી સાત તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન શરૂ થવાનું છે, ત્યારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં વોટર-વેરિફિએબલ પેપર ઑડિટ ટ્રેલ (VVPAT)માંથી નીકળતી તમામ સ્લીપોને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના મતો સાથે સરખાવવાની અરજી મામલે આજે સુનાવણી હાથ ધરાઈ હતી. 

EVMના મતો અને VVPATની સ્લીપોને સરખાવા માંગ

આ કેસમાં બે કલાક સુધી સુનાવણી કર્યા બાદ ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેંચે આગામી સુનાવણી 18 એપ્રિલે ટાળી દીધી છે. એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR) અને સોશિયલ એક્ટિવિસ્ટ અરૂણ કુમાર અગ્રવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ઈવીએમના મતો અને વીવીપેટની સ્લીપોને 100 ટકા સરખાવવાની માંગ કરી છે.

અમે ખાનગી સર્વેક્ષણો પર વિશ્વાસ કરતા નથી : સુપ્રીમ કોર્ટ

એડીઆર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ રજૂ કરતા કહ્યું કે, ‘મોટાભાગના મતદારો ઈવીએમ પર ભરોસો કરતા નથી.’ ત્યારે આ વાત પર ન્યાયાધીશ દીપાંકર દત્તાએ તેમને પૂછ્યું કે, ‘તમે કહ્યું કે, મોટાભાગના મતદારો ઈવીએમ પર ભરોસો કરતા નથી. તમને આવો ડેટા કેવી રીતે અને ક્યાંથી મળ્યો?’ જેના જવાબમાં ભૂષણે કહ્યું કે, ‘એક સર્વે કરાયો હતો.’ તો ન્યાયાધીશે કહ્યું કે, ‘અમે ખાનગી સર્વેક્ષણો પર વિશ્વાસ કરતા નથી.’

બેલટ પેપરથી મતદાન વખતે શું થતું હતું, તે અમે ભુલ્યા નથી : કોર્ટ

પ્રશાંત ભૂષણે તર્ક આપ્યો કે, ‘મોટાભાગના યુરોપિયન દેશોએ ઈવીએમથી મતદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો, પરંતુ બાદમાં તેઓ ફરી બેલટ પેપર પર આવી ગયા છે.’ તો ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું કે, ‘આપણે આપણી જિંદગીના છઠ્ઠા દાયકામાં છીએ અને આપણે જાણીએ છીએ કે, બેલટ પેપરથી મતદાન થતું હતું, ત્યારે કેવી સમસ્યાઓ સર્જાતી હતી. તમે કદાચ ભૂલી ગયા હશો, પણ અમે ભૂલ્યા નથી.’

શું 60 કરોડ વીવીપેટ સ્લીપોની ગણતરી થવી જોઈએ? 

અરજદારના વકીલ સંજય હેગડેએ કોર્ટમાં ઈવીએમના મતો સાથે વીવીપેટમાંથી નીકળતી તમામ સ્લીપોની સરખામણી કરવાની માંગ કરતા ન્યાયાધીશ સંજીવ ખન્નાએ પૂછ્યું કે, ‘શું 60 કરોડ વીવીપેટ સ્લીપોની ગણતરી થવી જોઈએ?’ અરજદારના વકીલે સરકારના નિયંત્રણ હેઠળની પબ્લિક સેક્ટર યુનિટની કંપનીઓમાં ઈવીએમ બનતા હોવાનો આક્ષેપ કરતા કોર્ટે કહ્યું કે, ‘શું પ્રાઈવેટ કંપનીઓ ઈવીએમ બનાવશે તો તમે ખુશ થશો?’

‘વીવીપેટ સ્લીપોની ગણતરી કરવા 12 દિવસનો સમય લાગશે’

વકીલ ગોપાલ શંકર નારાયણે કહ્યું કે, ‘ચૂંટણી પંચનું કહેવું છે કે, તમામ વીવીપેટ સ્લીપોની ગણતરી કરવા માટે 12 દિવસનો સમય લાગશે. એક વકીલે વોટ આપવા માટે બારકોડનું સૂચન આપ્યું તો ન્યાયાધીશ ખન્નાએ કહ્યું કે, ‘શું તમે કોઈ દુકાન પર જાવ છો, તો ત્યાં બારકોડ હોય છે. જ્યાં સુધી દરેક ઉમેદવાર અથવા પક્ષને બારકોડ આપવામાં નહીં આવે ત્યાં સુધી બારકોડ મત ગણતરીમાં મદદ કરશે નહીં અને આ પણ એક મોટી સમસ્યા હશે. જ્યારે સૉફ્ટવેર અથવા મશીનમાં અનધિકૃત ફેરફારો કરવામાં આવે છે ત્યારે માનવ હસ્તક્ષેપને કારણે સમસ્યાઓ ઊભી થાય છે. જો તમારી પાસે આને રોકવા માટે કોઈ સૂચન હોય, તો તમે અમને કહી શકો છો.’

પ્રશાંત ભૂષણે કોર્ટમાં જર્મનીનું ઉદાહરણ આપ્યું

પ્રશાંત ભૂષણે જર્મનીનું ઉદાહરણ આપી કહ્યું કે, ‘શ્રેષ્ઠ બાબત એ છે કે, મતદારોને વીવીપેટમાંથી નીકળી સ્લીપ આપવામાં આવે, જેને જોઈ તેઓ પોતે જ બોક્સમાં નાખે અને પછી તે સ્લીપોની ઈવીએમ મતો સાથે સરખામણી કરવામાં આવે. ચૂંટણી પંચ વર્તમાન સમયમાં પ્રતિ વિધાનસભામાં પાંચ વીવીપેટ મશીનોની ગણતરી કરી રહ્યું છે, જ્યારે આવી 200 મશીનો લગાવવામાં આવે છે, જે માત્ર પાંચ ટકા જ છે. મતદારોને વીવીપેટમાંથી નીકળતી સ્લીપ આપવાની અને તે સ્લીપને મતપેટીમાં નાખવાની મંજૂરી આપી શકાય છે.’

અહીં યુરોપિયન દેશોના ઉદાહરણો કામ ન આવે : કોર્ટે ભૂષણને ટોક્યાં

પ્રશાંત ભૂષણે જર્મનીની સિસ્ટમનું ઉદાહરણ આપતા ન્યાયાધીશ દીપાંકર દત્તાએ ટોકીને કહ્યું કે, ‘જર્મની કરતા મારા ગૃહરાજ્ય પશ્ચિમ બંગાળની વસ્તી વધુ છે. આપણે ક્યાંક તો વિશ્વાસ રાખવો પડશે. આ રીતે વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરો. આવા ઉદાહરણ ન આપો. આ એક મોટું કામ છે અને અહીં યુરોપિયન દેશોના ઉદાહરણો કામ ન આવે.’

જર્મનીનું ઉદાહરણ ન આપો, ક્યાંક તો વિશ્વાસ રાખવો પડશે : SC

ન્યાયાધીશ સંજીવ ખન્નાએ ચૂંટણી પંચને પૂછ્યું કે, જો ઈવીએમ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી હોય તો ગુનેગાર માટે શું સજા નક્કી કરવામાં આવી છે? કારણ કે આ ગંભીર બાબત છે. લોકોને એ વાતનો ડર હોવો જોઈએ કે ઈવીએમમાં કંઈ ખોટું થશે તો સજા થશે. તેના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે, ઈવીએમ સાથે છેડછાડ માટે સજાની જોગવાઈ છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે, જો કોઈ છેડછાડ કરવામાં આવી હોય તો તેના સંબંધમાં સજાની કોઈ વિશેષ જોગવાઈ નથી. અરજદારોના વકીલોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઈવીએમના ઉપયોગની સમગ્ર પ્રક્રિયાની તબક્કાવાર વિગતો આપવા જણાવ્યું હતું.

VVPAT શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

મતદાન કેન્દ્ર પર ઈવીએમ મશીન સાથે વધુ એક મશીન જોડવામાં આવે છે અને તેની સાથે એક પારદર્શક બૉક્સ રાખવામાં આવે છે, જેને VVPAT કહેવામાં આવે છે. જ્યારે મતદાર ઈવીએમમાં મત આપે છે, ત્યારે VVPATમાંથી સ્લીપ બહાર આવી બોક્સમાં પડી જાય છે. આ સ્લીપ પર મતદારે જે પક્ષને મત આપ્યો હોય છે, તેનું ચિહ્ન હોય છે.


Google NewsGoogle News