'EVM-VVPATને મેચ કરવાની જરૂર નથી..' સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, તમામ અરજીઓ ફગાવી
EVM-VVPAT case: સુપ્રીમ કોર્ટે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ મામલે સુપ્રીમકોર્ટે તમામ અરજીઓ ફગાવતાં કહ્યું કે આવું કરવાની કોઈ જરૂર જ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતદાન બાદ 45 દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે.
સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
સુપ્રીમ કોર્ટે આજે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજી પર મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ. આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ પણ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમકોર્ટે તેના ચુકાદામાં વધુમાં કહ્યું કે ચૂંટણીના પરિણામ આવી ગયાના 7 દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તો તે ઉમેદવારે ભોગવવાનો રહેશે. આ સાથે સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વીવીપેટની તમામ સ્લિપ સાથે ઈવીએમને મેચ નહીં કરવામાં આવે.
'તો ઉમેદવારને ખર્ચો પરત કરી દેવાશે' : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે EVM દ્વારા જ મતદાન કરવાનું ચાલુ રાખવાનો નિર્ણય કરતાં કહ્યું છે કે ચૂંટણીમાં બીજા કે ત્રીજા સ્થાને રહેલો કોઈપણ ઉમેદવાર 5 ટકા ઈવીએમ ચેક કરાવી શકશે. તેની તપાસમાં થયેલો ખર્ચ ફરિયાદ કરનાર ઉમેદવારે ઉઠાવવાનો રહેશે. જો ગેરરીતિ કે ગરબડ સામે આવશે તો ઉમેદવારને ખર્ચો પરત કરી દેવાશે. કોર્ટે એમ પણ કહ્યું છે કે VVPAT સ્લિપને મતદાન પછી ઓછામાં ઓછા 45 દિવસ સુધી સાચવવી પડશે. આ એટલા માટે છે કે કોઈપણ વિવાદના કિસ્સામાં, તેને EVMમાં પડેલા મત સાથે મેચ કરી શકાય.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કેટલાક સવાલો કર્યા હતા
અગાઉ આ કેસમાં જજ સંજીવ ખન્ના (Justice Sanjeev Khanna)એ ચૂંટણી પંચને સવાલો કરતા પૂછ્યું હતું કે, 'માઈક્રો કંટ્રોલર કંટ્રોલ યુનિટમાં હોય છે કે પછી VVPATમાં, માઈક્રો કંટ્રોલર વન ટાઈમ પ્રોગ્રામેબલ એટલે કે એક જ વખત પ્રોગ્રામ કરી શકાય છે કે ફરીથી પણ પ્રોગ્રામ કરી શકાય છે, તમારી પાસે કેટલા સિમ્બોલ લોડિંગ યુનિટ છે, તમે ડેટાને 30 દિવસ સુરક્ષિત રાખો છો કે 45 દિવસ અને તમામ ઈવીએમના ત્રણેય યુનિટની સીલિંગ એકસાથે કરવામાં આવે છે કે પછી કંટ્રોલ યુનિટ અને VVPATને અલગ રાખવામાં આવે છે?'
આજ સુધી કોઈ ઈવીએમ હેક થયું નથી.. : ચૂંટણી પંચનો મોટો દાવો
ચૂંટણી પંચે અગાઉની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દરેક EVM સાથે VVPAT મેચ કરવું શક્ય નથી. પંચે કહ્યું કે પહેલાથી જ એવો નિયમ છે કે VVPAT ને કોઈપણ 5 ટકા EVM સાથે મેચ કરી શકાય છે. આવી સ્થિતિમાં, આ એક ખૂબ જ નક્કર નિયમ છે અને કોઈપણ પ્રકારની શંકા દૂર કરે છે. ચૂંટણી પંચે એ પણ ખુલાસો કર્યો કે આજ સુધી કોઈ ઈવીએમ હેક થયું નથી. આવી સ્થિતિમાં તેના પર સવાલ ઉઠાવવા ટેક્નિકલ દૃષ્ટિકોણથી યોગ્ય નથી.
કેટલાક સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં કેટલાક સંગઠનોએ EVMમાં પડેલા વોટોની VVPATના સ્લિપ સાથે 100 ટકા વેરિફઇકેશની માંગ કરતી અરજી કરી હતી. અગાઉની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ બેંચમાં જસ્ટિસ દીપાંકર દત્તા પણ સામેલ હતા. આ પહેલા બુધવારે, કોર્ટે ભારતના ચૂંટણી પંચના એક અધિકારીને EVMની કામગીરી સાથે સંબંધિત કેટલાક ટેકનિકલ પાસાઓની સ્પષ્ટતા કરવા માટે બોલાવ્યા હતા.