Get The App

આ દેશોએ પણ જાકારો આપ્યો છે EVMને, જાણો દુનિયાના વિવિધ દેશોમાં EVMને લઈને સર્જાયેલા વિવાદ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
આ દેશોએ પણ જાકારો આપ્યો છે EVMને, જાણો દુનિયાના વિવિધ દેશોમાં EVMને લઈને સર્જાયેલા વિવાદ 1 - image


EVM Controversy : EVM ના પરિણામો સાચા કે ખોટા, એમાં ધાંધલી કરી શકાય કે નહીં, એ બાબત પ્રત્યેક ચૂંટણી પછી ચર્ચાવા લાગે છે. છેલ્લા અઢી-ત્રણ દાયકાથી EVM દેશની વિવિધ ચૂંટણીઓમાં વપરાતા હોવા છતાં એના ઉપયોગ બાબતનો વિવાદ શમવાનું નામ નથી લેતો. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ ફરી EVM માં ગડબડીના આરોપ લાગ્યા છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ મુખ્ય વિપક્ષ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે તેમની પાર્ટી EVM દ્વારા ચૂંટણી ઈચ્છતી નથી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ‘તમે જીતો તો EVM સાચા અને તમે હારો તો ખોટા’ એવું કહીને કોંગ્રેસને લતાડી હોવા છતાં કોંગ્રેસ દેશભરમાં EVM વિરુદ્ધ અભિયાન ચલાવવા માંગે છે. 

વિશ્વના અન્ય દેશોમાં પણ EVM ને લઈને વિવાદ થયા છે. ઘણા વિકસિત દેશો આજે પણ તેનો ઉપયોગ કરતા નથી. ચાલો જાણીએ કે કયા દેશ EVM બાબતે કેવો વિવાદ થયો હતો અને તેનું શું પરિણામ આવ્યું હતું. 

EVM પર પ્રતિબંધ મૂકનાર સૌથી પહેલો દેશ આ હતો

એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકા ખંડમાં ઘણા દેશો EVMનો ઉપયોગ કરતા હતા, પણ એમાં ગડબડીની શંકા પેદા થતા ઘણા દેશોએ એના પર પ્રતિબંધ મૂકીને ચૂંટણી માટે ફરીથી બેલેટ પેપરની જૂની પદ્ધતિ અપનાવી લીધી છે. EVM પર પ્રતિબંધ મૂકનાર પહેલો દેશ હતો નેધરલેન્ડ. કારણ એ જ હતું- ગરબડીની આશંકા અને પારદર્શિતાનો અભાવ. 

આ પણ વાંચો : શિંદે જ નહીં અજિત પવારને પણ ઝટકો આપવાની તૈયારીમાં BJP! છીનવાઈ જશે મનગમતું પદ?

EVM પર પ્રતિબંધ મૂકનાર અન્ય દેશો

ત્યારપછી જર્મનીમાં EVM નો ઉપયોગ બંધ કરી દેવાયો હતો. ઈટાલી, પોર્ટુગલ, ફ્રાન્સ, જાપાન અને ઈંગ્લેન્ડ જેવા ઘણા દેશોએ EVM વાપરવાનું બંધ કરી દીધું છે. વિવાદોને કારણે આજે પણ વિશ્વના 100થી વધુ દેશોમાં EVM નો ઉપયોગ થતો નથી.

અમેરિકા EVM નો ઉપયોગ કરે છે? 

દરેક બાબતમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરતો અમેરિકા જેવો સમૃદ્ધ દેશ પણ બેલેટ પેપર દ્વારા મતદાન કરાવે છે. અમેરિકાના અમુક રાજ્યોમાં અમુક પ્રકારની ચૂંટણીમાં EVM ઉપયોગમાં લેવાય છે ખરું, પરંતુ હવે એ રાજ્યો પણ ધીમે ધીમે ફરી બેલેટ પેપરના વપરાશ તરફ વળી રહ્યા છે.

આ પણ વાંચો : વક્ફ બિલથી મુસ્લિમોના અધિકારો પર હુમલો થશે: કેન્દ્રના વિરોધમાં ઉતર્યા મમતા બેનરજી

EVM આ કારણસર વિવાદમાં છે

  • EVM નો ઉપયોગ વિવાદાસ્પદ બનવાનું સૌથી મોટું કારણ એ છે કે એમાં છેડછાડ કે હેકિંગની શક્યતા છે. રાજકીય પાર્ટી EVM મશીનને હેક કરાવીને પોતાના પક્ષે મતદાન વધારી શકે છે, એવા આરોપ EVM પર વખતોવખત લાગતા રહ્યા છે.
  • EVM માં ટેક્નિકલ ખામી સર્જાવાનું જોખમ પણ રહેલું હોય છે. એમ થાય તો ફરી ચૂંટણી યોજવાની ફરજ પડે. વર્ષ 2000માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ફ્લોરિડામાં વપરાયેલા EVM માં ટેક્નિકલ ખામી સર્જાયાનો કિસ્સો બહુ જાણીતો છે. 
  • એ ઉપરાંત મતદારો EVMમાં પોતાનો મત યોગ્ય રીતે નોંધાયો કે નહીં, એની ચકાસણી કરી શકે, એવો પણ કોઈ વિકલ્પ હોતો નથી. તેથી નાની શી ભૂલ પણ મતદારનો મત વેડફી શકે છે.

દિગ્ગજોને પણ EVM પર ભરોસો નથી

વિશ્વના સૌથી ધનિક અમેરિકન બિઝનેસમેન ઈલોન મસ્કે પણ થોડા મહિના પહેલા EVMની કાર્યક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, EVM ચોક્કસપણે હેક થઈ શકે છે. વિશ્વના ઘણા ટેક્નિકલ નિષ્ણાતો પણ સમયાંતરે આવા દાવા કરી ચૂક્યા છે.

આ દેશ EVM નો ઉપયોગ કરે છે

ભારત ઉપરાંત વિશ્વના લગભગ 30 દેશોમાં EVM નો ઉપયોગ થાય છે, જેમાં બ્રાઝિલ, બેલ્જિયમ, બલ્ગેરિયા, ફિલિપિન્સ, કોંગો, ઈસ્ટોનિયા, યુ.એ.ઈ.નો સમાવેશ થાય છે. 

આ પણ વાંચો : CM નહીં પણ આ મહત્ત્વનું પદ પોતાની પાસે રાખી શકે છે શિંદે, કેસરકર બનશે ડેપ્યુટી CM!

ભારતમાં EVM નો ઉપયોગ 

90ના દાયકા સુધી ભારતમાં પણ બેલેટ પેપરથી જ ચૂંટણી યોજાતી હતી. કરોડોની જનસંખ્યા ધરાવતા દેશમાં મત ગણતરીમાં ઘણો સમય લાગતો હોવાથી એ સમસ્યાના ઉપાય તરીકે ભારત સરકારે ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની મદદથી વર્ષ 1989માં ઈવીએમનું ઉત્પાદન શરૂ કર્યું હતું. 1998માં પહેલીવાર અનેક જગ્યાએ EVMનો ઉપયોગ કરીને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ધીમે ધીમે તેનો ઉપયોગ વધતો ગયો. 2004ની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત દેશભરના મતદારોએ ઈવીએમનો ઉપયોગ કર્યો હતો. ત્યારથી દેશમાં માત્ર EVMનો ઉપયોગ કરીને ચૂંટણી યોજાય છે.

ભારતમાં જ થઈ હતી EVM મશીનની શોધ

EVM મશીનની શોધ ભારતમાં 1980માં થઈ હતી. તેના શોધકર્તા છે તમિલનાડુના ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર એમ.બી. હનીફા. 1981માં પ્રથમ વખત તેનો ઉપયોગ કેરળની પરુર વિધાનસભાના 50 મતદાન મથકોમાં કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ISRO મિશન પ્રોબા-03નું ઐતિહાસિક લૉન્ચિંગ કરશે, જાણો શું છે આ મિશનનો હેતુ

ભારત EVM વેચે પણ છે

નામિબિયા, નેપાળ, ભૂતાન અને કેન્યા જેવા દેશો ભારતમાં બનેલા EVM વડે ચૂંટણી યોજે છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, નાઈજીરીયા, રશિયા, મલેશિયા અને ઘાના જેવા દેશોએ પણ ભારતના ઈવીએમ ખરીદવામાં રસ દાખવ્યો છે.


Google NewsGoogle News