કેજરીવાલ કૌભાંડમાં સામેલ હોવાના પુરાવા, ધરપકડ યોગ્ય : હાઇકોર્ટ'
- એક્સાઇઝ નીતિના કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રીને ઝાટકો, ધરપકડ સામેની અરજી ફગાવાઇ
- રાજકીય નહીં પણ બંધારણીય નૈતિક્તાના આધારે કોર્ટ ચાલે છે, કોઇ દબાણ વગર કાયદા મુજબ કાર્યવાહી કરાઇ : દિલ્હી હાઇકોર્ટ
- કેજરીવાલે અન્ય આરોપીઓ સાથે મળીને આ કાવતરું ઘડયું, લાંચમાં પણ સામેલ હોવાના ઇડી પાસે પુરાવા
- મુખ્યમંત્રી માટે કાયદો અલગન હોઈ શકે : કેજરીવાલની ધરપકડમાં કાયદાનો ભંગ થયો નથી : કોર્ટ
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટમાં મોટો ઝાટકો લાગ્યો છે. એક્સાઇઝ નીતિના સ્કેમમાં કેન્દ્રીય એજન્સી ઇડી દ્વારા કરાયેલી ધરપકડ સામે અરવિંદ કેજરીવાલે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. આ સાથે જ હાઇકોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ઇડી દ્વારા જે પુરાવા એકઠા કરવામાં આવ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે અરવિંદ કેજરીવાલે અન્ય આરોપીઓની સાથે મળીને કાવતરુ રચ્યું છે. અગાઉ ઇડી પણ કેજરીવાલને જ આ સમગ્ર મામલાના મુખ્ય સુત્રધાર ગણાવી ચુકી છે.
દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્મા દ્વારા કેજરીવાલની અરજીની સુનાવણી કરવામાં આવી હતી, તેમણે મંગળવારે આ મામલે ચુકાદો આપતી વખતે કહ્યું હતું કે કેજરીવાલ ન માત્ર આ પુરા કાવતરામાં સામેલ હતા સાથે સાથે તેઓ લાંચ લેવા અને ગુનાને આચરવામાં જે કઇ થયું તેમાં પણ સામેલ હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે પણ કેજરીવાલ ખુદ દિલ્હીની દારુ નીતિ તૈયાર કરવાની સાથે લાંચના રૂપિયા જમા કરાવવામાં પણ સામેલ હતા. સ્કેમના રૂપિયાનો ઉપયોગ ગોવાની ચૂંટણીના પ્રચારમાં થયો હોવાના પણ પુરાવા છે. ઇડી દ્વારા જે પણ નિવેદનો અને પુરાવા રજુ કરવામાં આવ્યા છે તેના આધારે હાઇકોર્ટે આ અવલોકન કર્યું હતું.
એટલુ જ નહીં દિલ્હી હાઇકોર્ટે એમ પણ કહ્યું હતું કે કોર્ટો કાયદાથી ચાલે છે, રાજકીય દબાણથી નહીં. અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમની સામે નિવેદનો આપનારાને જામીન મળી ગયા, બાદમાં તેઓએ ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી અને તેમને એક રાજકીય પક્ષ દ્વારા ચૂંટણીમાં ટિકિટ પણ આપવામાં આવી, જેનો જવાબ આપતા હાઇકોર્ટે કહ્યું હતું કે ક્યા પક્ષે કોને ટિકિટ આપી અને કોણે ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી તે આ કોર્ટની ચિંતાનો વિષય નથી, આ કોર્ટ માત્ર તેની સમક્ષ પુરાવા અને કાયદો છે તેને ધ્યાનમાં રાખીને જ કાર્યવાહી કરશે.
કેજરીવાલે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે લોકસભાની ચૂંટણી પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી કે જેથી તેઓ ચૂંટણીમાં પ્રચાર ના કરી શકે. જેના જવાબમાં હાઇકોર્ટના ન્યાયાધીશ શર્માએ કહ્યું હતું કે આ કોર્ટનો અભિપ્રાય છે કે કેજરીવાલની ધરપકડ અને રિમાન્ડની કાર્યવાહી ચૂંટણીના સમયને ધ્યાનમાં રાખીને નહીં પણ પુરાવા તેમજ કાયદાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કેજરીવાલે અન્ય એક આરોપ એવો લગાવ્યો હતો કે ઇડીનો ઉપયોગ કરીને રાજકીય કાવાદાવા કરી મારી ધરપકડ કરવામાં આવી છે. જેના જવાબમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે કોર્ટમાં રાજકીય વિવાદને ખસેડી લાવવાની જરૂર નથી, આવું કરવું આ કેસમાં બિનજરૂરી છે.
કોર્ટ કોઇ પણથી પ્રભાવિત થઇને નહીં પણ કાયદાને ધ્યાનમાં રાખીને ચાલે છે. કોર્ટ રાજકીય નહીં પણ બંધારણીય નૈતિક્તાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરે છે. આ સાથે જ હાઇકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજીને ફગાવી દીધી હતી. જેને પગલે હવે કેજરીવાલ હાઇકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. આપના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે કહેવાતો એક્સાઇઝ નીતિ સ્કેમ આમ આદમી પાર્ટી અને કેજરીવાલને ખતમ કરવાનું કાવતરુ છે. અમે હાઇકોર્ટનું સન્માન કરીએ છીએ પણ તેનો આદેશ અમને સ્વીકાર્ય નથી અમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. આ સમગ્ર કહેવાતા સ્કેમમાં સીબીઆઇ અને ઇડી એક પણ રૂપિયો નથી મેળવી શકી.