મણિપુરમાં હું જ્યાં ગયો ત્યાં દરેક ભાઈ-બહેન અને બાળકનાં મુખ ઉપર મેં સહાયની આચના જોઈ
- કોંગ્રેસ પૂર્વ પ્રમુખ હૃદય ઠાલવે છે
- જાતિગત રમખાણોથી વિસ્થાપિત થયેલાઓની મોઈરંગ સ્થિત વિસ્થાપિતોની છાવણીની શુક્રવારે રાહુલે મુલાકાત લીધી
ઈમ્ફાલ, નવી દિલ્હી : મણિપુરમાં વ્યાપી રહેલાં હિંસક તોફાનોને લીધે રાહત છાવણીઓમાં આશ્રય લઈ રહેલા નાગરિકોની કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે (શુક્રવારે) સવારે મુલાકાત લીધી ત્યારે તેઓની કથની સાંભળી તેઓનું હૃદય દ્રવી ઉઠયું હતું. આ મુલાકાત પછી તેઓએ ઈન્સ્ટાગ્રામ ઉપર લખ્યું, 'મણિપુરમાં હું જ્યાં ગયો ત્યાં મેં દરેક ભાઈ-બહેન અને બાળકના મુખ ઉપર સહાયની યાચના જોઈ.'
રાહુલ ગાંધી ગુરૂવારે સવારે વિમાન દ્વારા ઈમ્ફાલ પહોંચ્યા હતા અને તેઓએ સુરીચંદપુર અને ઈમ્ફાલમા રહેલી રાહત છાવણીઓની મુલાકાત લીધી હતી.
શુક્રવારે સવારે તેઓ મોઈરંગ ગયા હતા અને જાતિગત સંઘર્ષને લીધે વિસ્થાપિત થયેલાઓને મળ્યા હતા.
આ પછી તેઓએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, 'મણિપુરમાં થયેલા રમખાણોને લીધે જેઓએ પોતાના સગાં-વહાલાં ગુમાવ્યા અને ઘરબાર ગુમાવ્યાં તેઓની કથની તો હૃદય દ્રાવક છે, તેઓને જોતાં અને તેઓની યાતનાઓ વિષે સાંભળતાં હૃદય દ્રવી ઉઠે છે.'
સૌથી વધુ મહત્વની વાત તે છે કે મણિપુર હવે શાંતિ ઈચ્છે છે જેથી લોકોનું જીવન સલામત રહે, રોજગારી સલામત રહે, આપણા તમામ પ્રયાસો તે તરફ જ કેન્દ્રિત થવા જોઈએ.
અત્યાર સુધીમાં મણિપુરની મુલાકાત લેનારા રાહુલ સૌથી પહેલા વિપક્ષી નેતા છે.