'એવરીથિંગ ફેર ઈન લવ એન્ડ વૉર...' શરદ પવારનું નામ લઇ ગડકરીએ માર્યો જોરદાર ટોણો
Image: Facebook
Maharashtra Assembly Election: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ભાજપ પર લાગી રહેલા પાર્ટી તોડવાના આરોપોની વચ્ચે દિગ્ગજ નેતા શરદ પવારનો ઉલ્લેખ કર્યો છે. તાજેતરમાં જ ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું કે પવારે પણ પોતાના સમયમાં આવા નિર્ણય લીધા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે મહારાષ્ટ્રમાં લોકસભાના પરિણામ રાજકીય ઉથલપાથલનું પરિણામ હતું. 2022માં શિવસેનાના બે ભાગ થયા અને 2023માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પણ વહેંચાઈ ગઈ હતી.
ગડકરીએ કહ્યું કે 'પ્રેમ અને યુદ્ધમાં બધું જ વાજબી છે. મુખ્યમંત્રી રહેતાં શરદ પવારની અધ્યક્ષતાવાળી એનસીપીએ તમામ પાર્ટીઓ તોડી...તેમણે શિવસેના તોડી અને છગન ભુજબળ અને અન્યને બહાર લાવ્યા પરંતુ રાજકારણમાં આવું ચાલતું રહે છે. હવે આ યોગ્ય છે કે ખોટું તે જુદી વાત છે. એક કહેવત છે કે એવરીથિંગ ફેર ઈન લવ એન્ડ વૉર. પવાર મહારાષ્ટ્રના ખૂબ સન્માનિત નેતા છે પરંતુ એક સમય હતો જ્યારે તેમના નિર્ણયોએ તમામ દળોને પ્રભાવિત કર્યા હતા.' જૂનમાં સંપન્ન લોકસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના ખાતામાં રાજ્યની 48માંથી 30 બેઠકો આવી હતી. મહાયુતિને 17 પર જીત મળી હતી. આમાંથી શિવસેના યુબીટીએ 9, એનસીપી એસપીએ 8 અને કોંગ્રેસે 13 બેઠકો જીતી હતી.
આ પણ વાંચો: માત્ર દિવાળીમાં જ ફટાકડા પર પ્રતિબંધ કેમ? ચૂંટણીઓમાં પણ થાય છે ઉપયોગ: SCનો સણસણતો સવાલ
ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે
વર્ધા જિલ્લાના અરવીમાં એક ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં ગડકરીએ કહ્યું કે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી નથી કે મારી પણ નથી પરંતુ આ તે કાર્યકર્તાઓની પાર્ટી છે જેમણે પોતાનું જીવન આ માટે સમર્પિત કરી દીધું છે. નાગપુરથી ભાજપના લોકસભા સભ્ય ગડકરીએ પાર્ટી કાર્યકર્તા તરીકે પોતાના તે સમયને યાદ કર્યો જ્યારે તે રાજ્યના વિદર્ભ વિસ્તારના પાડોશી વર્ધા જિલ્લામાં બે અન્ય લોકોની સાથે એક જ સ્કુટર પર મુસાફરી કરતા હતા.
કોંગ્રેસને ઘેરી
ગડકરીએ કહ્યું, 'ભારતના 75 વર્ષના ઈતિહાસમાં કોંગ્રેસે ક્યારેય પણ દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપી નથી. ગામમાં રસ્તા નહોતા, પીવાનું પાણી નહોતું. કોંગ્રેસે ક્યારેય ગ્રામીણ ભારતના વિકાસ વિશે ગંભીરતાથી વિચાર્યું નથી જો ગ્રામીણ ભારતને પ્રાથમિકતા આપવામાં આવત તો ખેડૂત આત્મહત્યા કરતાં ન હોત, ગામમાં ગરીબી હોત નહીં.'