ગુજરાતમાં તો બધા આજે ધાબા પર જ હશે: PM મોદીએ ઉત્તરાયણને ગણાવ્યો પ્રિય તહેવાર
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય હવામાન વિભાગ(IMD)ના 150મા સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લઈ 'મિશન મૌસમ'નો શુભારંભ કર્યો હતો. આ અવસર પર વડાપ્રધાન મોદીએ પોતાના મનપસંદ તહેવારનો પણ ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે અમે આઇએમડીની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. આ 150 વર્ષ ન ફક્ત દેશના હવામાન વિભાગની યાત્રા છે, પરંતુ આપણાં દેશમાં ઉન્નત વિજ્ઞાન અને ટૅક્નોલૉજીની પણ યાત્રા છે. IMD એ 150 વર્ષમાં ન ફક્ત કરોડો ભારતીયોની સેવા કરી છે, પરંતુ નવી ઉપલબ્ધિ પણ હાંસલ કરી છે.
વડાપ્રધાન મોદીનો મનપસંદ તહેવાર
વડાપ્રધાન મોદી ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસ સમારોહમાં આજે ભાગ લેતી વખતે દેશવાસીઓને મકર સંક્રાંતિની શુભકામના આપી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું ગુજરાતનો રહેવાસી છું તો મારો પ્રિય તહેવાર મકર સંક્રાંતિ છે. આજે ગુજરાતના તમામ લોકો ધાબા પર હોય છે, આખો દિવસ મજા કરે છે. હું પણ ક્યારેક રહેતો હતો, ત્યારે ઘણાો શોખ હતો પરંતુ, આજે હું તમારી વચ્ચે છું. આજે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય ધીમે-ધીમે ઉત્તરની બાજુ ખસે છે. આપણે ત્યાં ભારતીય પરંપરામાં તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે.
આ પણ વાંચોઃ પ્રયાગમાં મહાકુંભમાં સ્નાન કર્યા પછી કાશી વિશ્વનાથના દર્શન કરવા છે? જાણો નવા નિયમો
મકસ સંક્રાંતિની શુભકામના પાઠવી
આ વિશે વધુ વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, આ દિવસથી ખેતીવાડી માટે તૈયારીઓ શરુ થઈ જાય છે અને ભારતીય પરંપરામાં તેને ખૂબ જ અગત્યની માનવામાં આવે છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ વિવિધ સાંસ્કૃતિક રંગોમાં તેની ઉજવણી કરવામાં આવે છે. હું આ અવસર પર તમામ દેશવાસીઓને મકર સંક્રાંતિ સાથે જોડાયેલી વિવિધ પર્વોની શુભકામના પાઠવું છું. 10 વર્ષ પહેલાં દેશના ફક્ત 10 ટકા ખેડૂતો અને પશુપાલકો હવામાન વિભાગ સાથે સંબંધિત સલાહનો ઉપયોગ કરી શકતા હતા. આજે આ સંખ્યા 50 ટકા છે.
'મિશન મૌસમ' વિશે કરી વાત
'મિશન મૌસમ' વિશે વાત કરતાં વડાપ્રધાને કહ્યું કે, હવામાન વિભાગની કાર્યક્ષમતાને વધારવા કુદરતને કારણે થતી આપત્તિઓની અસર ઘટાડવાનું મહત્ત્વ પહેલાથી જ સમજી લીધું હતું. આઇએમડીના મૂળભૂત માળખાગત સુવિધા અને ટૅક્નોલૉજીમાં છેલ્લા 10 વર્ષમાં અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સંશોધન અને નવીનતા એ નવા ભારતની ભાવનાનો એક ભાગ છે. ભારતને હવામાન માટે તૈયાર કરવા માટે અમે 'મિશન મૌસમ' શરુ કર્યું છે.
વડાપ્રધાને પોતાની જૂની યાદો પણ મમળાવી. તેઓએ કહ્યું કે, '50 વર્ષ પહેલાં હું ગીરના જંગલમાં સમય પસાર કરવા ગયો હતો. ત્યાં સરકારના લોકો એક આદિવાસી બાળકને દર મહિને 30 રૂપિયા માનદંડ આપતા હતા. મેં જ્યારે તેમને પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે, આ બાળકમાં એક વિશેષ પ્રકારનું સામર્થ્ય છે. જંગલમાં જો ક્યાંય પણ આગ લાગે છે, તો આ બાળકને જાણ થઈ જાય છે. એ આદિવાસી બાળકમાં એવી તાકત હતી કે, તે આગ વિશે જાણી લેતો.'