'દરેક મંત્રી પૈસા ગણવામાં વ્યસ્ત...' ગોવા ભાજપના પૂર્વ ધારાસભ્યએ પોતાની સરકારને આડેહાથ લીધી
Goa BJP MLA Accuses his Own Government: ગોવાના ભાજપના પૂર્વ ધારાસભ્ય પાંડુરંગ મડકાઈકરે બુધવારે તેમની જ પાર્ટીની સરકાર પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે એક મંત્રીના કહેવા પર એક ફાઇલ પર પ્રક્રિયા કરવા માટે તેને 15-20 લાખ રૂપિયાની લાંચ આપવી પડી હતી. મડકાઈકરે આ મંત્રીનું નામ લીધું ન હતું. મડકાઈકર 2017-2019 સુધી મનોહર પર્રિકરની કેબિનેટમાં ઉર્જા મંત્રી હતા. કોંગ્રેસ સરકારમાં તેઓ પરિવહન મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, 'કંઈ નથી થઈ રહ્યું. બધા મંત્રીઓ માત્ર પૈસાની ગણવામાં વ્યસ્ત છે. ગોવામાં કંઈ થઈ રહ્યું નથી.'
એક ફાઇલ પર પ્રક્રિયા કરવા માટે તેને 15-20 લાખ રૂપિયાની લાંચ આપવી પડી
પાંડુરંગ મડકાઈકરે કહ્યું હતું કે, 'ગયા અઠવાડિયે મેં એક નાનકડા કામ માટે એક મંત્રીને લગભગ 15-20 લાખ રૂપિયા ચૂકવ્યા. હું તેનું નામ લેવા માંગતો નથી. તેણે મારી એક ફાઇલ લીધી જેની મેં ડિપાર્ટમેન્ટમાંથી પ્રક્રિયા કરી હતી. ફાઇલ લઈને તે ઘરે જતો રહ્યો અને મેસેજ આપ્યો કે જો કોઈ તે ફાઇલ લેવા આવે તો તેને મળવું પડશે.'
આ મામલે મડકાઈકરે વધુમાં કહ્યું, 'મેં મારા મેનેજરને મંત્રીને મળવા મોકલ્યો. તેણે મને તેના પીએને મળવાનું કહ્યું અને તેના પીએએ સીધા જ રૂ.15-20 લાખની માંગણી કરી. આ પૈસા ગયા અઠવાડિયે આપવામાં આવ્યા. તે એક રૂટિન ટાસ્ક હતું. હું પણ મંત્રી રહી ચૂક્યો છું. મને ડિપાર્ટમેન્ટમાં અનુસરવામાં આવતી પ્રક્રિયાઓ ખબર છે. જ્યારે હું પાર્ટી છોડીશ ત્યારે હું તેમનું નામ લઈશ.'
આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછા 50% ધારાસભ્યો નવા હશે
મડકાઈકરે ગોવામાં ભ્રષ્ટાચારને લૂંટ ગણાવતા કહ્યું કે, 'ગોવામાં લૂંટ થઈ રહી છે. દરેક મંત્રી પૈસા ગણવામાં વ્યસ્ત છે. જેના માટે કોઈપણ રીત અજમાવવામાં આવી રહી છે. લોકો આ મંત્રીઓને ઘરે મોકલવાની રાહ જોઈ રહ્યા છે. આગામી ચૂંટણીમાં ઓછામાં ઓછા 50% ધારાસભ્યો નવા હશે.'
આ પણ વાંચો: 5 વર્ષમાં અબજપતિઓ 27 ગણા વધ્યાં, અમેરિકા-ચીન બાદ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો દેશ
મડકાઈકર હજુ પણ ભાજપના સભ્ય છે. પાર્ટીના રાષ્ટ્રીય સચિવ બીએલ સંતોષને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા તેમણે આ આરોપો લગાવ્યા હતા. વર્ષ 2019ની શરૂઆતમાં સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને બીજેપી કેબિનેટમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમની પત્નીને પાર્ટી દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ તેઓ કોંગ્રેસના ઉમેદવાર રાજેશ ફાલદેસાઈ સામે હારી ગયા હતા, જેઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા.