આજે પણ સમાજ મહિલાને સરપંચ તરીકે સ્વીકારતા ખચકાય છે : સુપ્રીમ
સુપ્રીમે કેસને ક્લાસિક ગણાવી મહારાષ્ટ્ર સરકારનો ઉધડો લીધો
મહિલા પ્રતિનિધિઓને હટાવતા પહેલા મામલાને વધુ ગંભીરતાથી લેવો, અધિકારીઓ સંવેદનશીલ બને તેવી સલાહ
નવી દિલ્હી: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વીચખેડા ગામની મહિલાને સરપંચના પદેથી હટાવવાના નિર્ણયને લઇને સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આજે પણ સમાજ મહિલાને સરપંચપદે સ્વીકારવામાં આનાકાની કરી રહ્યો છે. મહિલા પણ ગામ માટે સારા નિર્ણયો લઇ શકે છે તે સ્વીકારવામાં અસહજ મહેસૂસ કરે છે. સુપ્રીમે આ સાથે જ મહિલાને સરપંચપદે બહાલ કરવા આદેશ આપ્યો હતો.
જલગાંવના વીચખેડા ગામની મનિશા રવિન્દ્રને માત્ર એવા આરોપો લગાવીને સરપંચપદેથી હટાવવામાં આવી હતી કે તે પોતાની સાસુના સરકારી જમીન પર બનેલા મકાનમાં રહે છે.
મામલો બોમ્બે હાઇકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્ય કાંત અને ન્યાયાધીશ ઉજ્જલ ભુયાનની બેંચે કહ્યું હતું કે અરજદાર એક મહિલા છે અને અનામત કોટા પરથી તે સરપંચ પદે ચૂંટાઇ આવી છે. તેમના પર સરકારી જમીન પર કબજાના કોઇ પુરાવા જ નથી, માત્ર મૌખિક આરોપોના આધારે મહિલાને સરપંચપદેથી કેમ હટાવવામાં આવી? સુપ્રીમ કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર સરકારનો પણ ઉધડો લીધો હતો.
સુપ્રીમની બેંચે કહ્યું હતું કે એક તરફ તમામ ક્ષેત્રોમાં મહિલા સમાનતાની દિશામાં પ્રયાસો થઇ રહ્યા છે બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ આ સ્થિતિ છે. ગામના લોકોને તકલીફ એ વાતની છે કે સરપંચ એક મહિલા છે.
મહિલા ગામના નિર્ણયો લેશે અને તેનું ગ્રામજનોએ પાલન કરવું પડશે તે લોકો પચાવી નથી શકતા. જ્યારે પણ જોઇ જન પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવે ત્યારે જો મહિલા હોય તો તેને વધુ ગંભીરતાથી લેવુ જોઇએ. અધિકારીઓએ પણ ખુદને એટલા સંવેદનશીલ બનીને એવો માહોલ તૈયાર કરવાની જરૂર છે કે જ્યાં મહિલા પણ સરપંચ તરીકે પોતાની સેવા આપી શકે.