પાકિસ્તાને ત્રણ હજાર બોમ્બ વરસાવ્યા છતાં આ મંદિરમાં નહોતું થયું કોઈ નુકસાન, BSFના જવાનો કરે છે પૂજા-અર્ચના
Tanot Mata Temple : રાજસ્થાનના પશ્ચિમે આવેલા જેસલમેર જિલ્લાના તનોટ માતા મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ભારતીય સેના અને દેશવાસીઓ માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક છે. ભારત - પાકિસ્તાન સીમાથી ખૂબ જ નજીક આવેલું આ મંદિર 1965માં 1971ના યુદ્ધોની અનેક અદ્દભુત સ્ટોરીઓનું સાક્ષી રહ્યું છે. જેને આજે પણ ચમત્કાર માનવામાં આવે છે.
થારની વૈષ્ણો દેવી: તનોટ માતાનું શક્તિપીઠ
જૈસલમેરથી લગભગ 120 કિમી દૂર થારના રણમાં સ્થિત તનોટ માતાનું આ મંદિર 'થારની વૈષ્ણો દેવી' અને 'સૈનિકોની દેવી' તરીકે પ્રખ્યાત છે. દર વર્ષે અહીં હજારો ભક્તો દર્શન માટે આવતાં હોય છે. આ મંદિર માત્ર સામાન્ય નાગરિકો માટે આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે ભારતીય સેના અને સરહદ સુરક્ષા દળ (BSF)ના સૈનિકો માટે શક્તિ અને રક્ષણનું પ્રતીક બની ગયું છે.
ભારત-પાકિસ્તાન યુદ્ધનો મૂક સાક્ષી
1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધો દરમિયાન તનોટ માતા મંદિરની દિવ્યતાનો પરિચય થયો હતો. એવું માનવામાં આવે છે કે, યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું, પરંતુ માતાજીની કૃપાથી મંદિર કે ત્યાં તહેનાત જવાનોને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. આ ઘટનાને લોકો આજે પણ લોકો માતાના ચમત્કાર માને છે.
1965ના યુદ્ધમાં પાકિસ્તાની સેનાએ તનોટ વિસ્તાર પર ત્રણ દિશાઓથી હુમલો કર્યો. મંદિર વિસ્તારમાં લગભગ 3000 બોમ્બ છોડવામાં આવ્યા હતા, જેમાંથી 450 સીધા મંદિર પરિસરમાં પડ્યા હતા. નવાઈની વાત એ છે કે, તેમાંથી એક પણ બોમ્બ ફૂટ્યો નહીં. યુદ્ધ દરમિયાન ગ્રેનેડિયર્સની એક કંપની અને મેજર જયસિંહના નેતૃત્વમાં સરહદ સુરક્ષા દળની બે કંપનીઓએ બહાદુરીથી સમગ્ર દુશ્મન બ્રિગેડનો સામનો કર્યો. એવું કહેવાય છે કે માતાની કૃપાથી પાકિસ્તાની સેના ભ્રમિત થઈ ગઈ હતી અને રાત્રિના અંધારામાં પોતાના જ સૈનિકો પર ગોળીબાર શરૂ કરી દીધો, જેના કારણે તેમને ભારે નુકસાન થયું હતું.
સેનાના હાથમાં મંદિરનું જાળવણી
યુદ્ધ બાદ આ પવિત્ર સ્થળની જાળવણી અંગેની જવાબદારી BSF એ સંભાળી લીધી છે. આજે પણ મંદિરની સફાઈ, પૂજા અને સુરક્ષાની જવાબદારી BSF નિભાવી રહ્યું છે. મંદિરમાં આવતા ભક્તો માટે ખાસ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. સૈનિકો ભક્તોની સેવા કરવામાં અને મંદિરની વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. BSF દ્વારા આખા વર્ષ દરમિયાન ભક્તો માટે ધર્મશાળાઓ, આરોગ્ય શિબિરો અને મફત ભોજન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.