ભાજપ 10 વર્ષથી સત્તામાં છતાં આ રાજ્યમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો, હવે ફરી કર્યો વાયદો!
Image: Freepik
Haryana Assembly Elections: હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં બેરોજગારી મોટો મુદ્દો છે. ભાજપ સરકારે પોતાના 10 વર્ષના કાર્યકાળમાં લગભગ દોઢ લાખ યુવાનોને યોગ્યતા અને મેરિટના આધારે સરકારી નોકરીઓ આપી છે પરંતુ માત્ર સરકારી નોકરીઓથી રાજ્યનો બેરોજગારી દર ઓછો કરવામાં મદદ મળી શકી નથી.
ભારતમાં હરિયાણા બેરોજગારીના મામલે સૌથી ઉપર
હરિયાણામાં અત્યારે 37.4 ટકાની સાથે ભારતમાં સૌથી વધુ બેરોજગારી નોંધાઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. હરિયાણા સરકાર સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમીના આ આંકડાને માનવા માટે તૈયાર નથી. ભાજપ સરકારની પોતાની દલીલ છે. તેમનું કહેવું છે કે ન માત્ર હરિયાણા, પરંતુ દેશમાં બેરોજગારી દર ક્યારેય સ્થિર નથી રહેતો. આ દર મહિને ઘટતો-વધતો રહે છે.
પ્રદેશમાં લગભગ છ ટકા બેરોજગારી દર
સરકારની નજરમાં પ્રદેશમાં લગભગ છ ટકા બેરોજગારી દર છે, જે સામાન્ય સ્તરે છે. દરમિયાન રાજ્યમાં વધતી બેરોજગારીના દાવાને લઈને ભાજપ બિલકુલ પણ ચિંતિત જોવા મળી રહી નથી. સરકારી કર્મચારીઓની સંખ્યા ચાર લાખની આસપાસ છે. તેમાં પોણા ત્રણ લાખ કર્મચારી નિયમિત અને લગભગ સવા લાખ કર્મચારી કરાર પર કામ કરી રહ્યા છે. દર વર્ષે લગભગ 10 હજાર કર્મચારી સેવા નિવૃત્ત થાય છે, પરંતુ રિટાયરમેન્ટના પ્રમાણમાં ભરતી થનારા નિયમિત કર્મચારીઓની સંખ્યા ખૂબ ઓછી છે. ગત કોંગ્રેસ અને ઈનેલોની સરકારોના કાર્યકાળમાં જો સરકારી ભરતીઓની તુલના કરવામાં આવે તો ભાજપે સૌથી વધુ ભરતીઓ પોતાની સરકારમાં કરી છે.
ભાજપનો 35 લાખ લોકોને રોજગાર આપવાનો દાવો
ભાજપે પોતાના કાર્યકાળમાં દોઢ લાખ સરકારી ભરતીઓ સિવાય લગભગ 35 લાખ લોકોને રોજગાર આપવાનો દાવો કર્યો છે, પરંતુ કોંગ્રેસ સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડાએ લોકસભા અને રાજ્યસભામાં સરકારના આ દાવાને ફગાવતાં સવાલ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ રજિસ્ટર્ડ બેરોજગાર યુવાનોને સરકારી નોકરી અથવા પ્રાઈવેટ સેક્ટરમાં રોજગાર મળવા સુધી તેમનું બેરોજગારી ભથ્થું વધારી દીધું છે પરંતુ સવાલ એ છે કે જ્યાં સુધી રાજ્યમાં બેરોજગારી દૂર કરવાની સર્વ સ્વીકાર્ય પોલિસી બનશે નહીં ત્યાં સુધી યુવાનો રોજગાર માટે લાઇનોમાં ઊભેલા નજર આવતા રહેશે.
43.2 ટકા બેરોજગારી સુધી પહોંચી ગઈ હતી બેરોજગારી
હરિયાણા અત્યારે 37.4 ટકા બેરોજગારી દરની સાથે ટોપ પર છે. છેલ્લા પાંચ વર્ષમાં આ બેરોજગારી દર અત્યાર સુધીનો બીજો સૌથી વધુ છે. આ પહેલા કોરોનાની પહેલી લહેર દરમિયાન લાગેલા લોકડાઉનના સમયે એપ્રિલ 2020માં બેરોજગારી દર 43.2 ટકા પર પહોંચી ગયો હતો જે અત્યાર સુધીનો સર્વાધિક હતો.
સંસદમાં કેન્દ્રએ માન્યું હરિયાણામાં ઝડપથી વધી રહી છે બેરોજગારી
કોંગ્રેસ સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડાનું કહેવું છે કે સંસદમાં ભારત સરકારે માન્યું છે કે હરિયાણામાં ભાજપ સરકારના સમયમાં બેરોજગારી દર ત્રણ ગણો વધ્યો છે. સંસદમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા જવાબની નકલ જારી કરતાં તેમણે કહ્યું કે સરકારના આંકડા જણાવે છે કે ગોવા, લક્ષદ્વીપ, નાગાલેન્ડ અને કેરળ બાદ હરિયાણામાં સર્વાધિક બેરોજગારી છે.
બેરોજગારી આંકડામાં બાળકો અને વૃદ્ધ પણ સામેલ
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમીના આંકડાનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. તેમનું માનવું છે કે આ એજન્સી કોંગ્રેસ નેતાની છે અને ભૂલ પેદા કરવા માટે આવા આંકડા જારી કરે છે. 15થી 29 વર્ષની ઉંમરમાં હરિયાણાનો બેરોજગારી દર 17.5 ટકા છે, જ્યારે 15થી 59 વર્ષની ઉંમરમાં આ દર 6.4 ટકા તથા 15 વર્ષથી વધુની ઉંમરમાં આ દર 6.1 ટકા છે.
સીએમઆઇઆઇ રાજ્યમાં બેરોજગારીના આંકડા જારી કરતાં તેમાં બાળકો, વૃદ્ધ લોકો અને મહિલાઓને પણ સામેલ કરી લે છે, જે તથ્યાત્મક રીતે બિલકુલ પણ યોગ્ય નથી. રાજ્યમાં બેરોજગારી દર સંપૂર્ણરીતે નિયંત્રણમાં છે. પાંચથી છ ટકા બેરોજગારી દર સામાન્ય વાત છે અને હરિયાણામાં નીતિ આયોગે આટલા જ આંકડાની વાત માની છે.
સરકારી રૅકોર્ડમાં રજિસ્ટર્ડ બેરોજગાર 2.61 લાખ, વધ્યું બેરોજગારી ભથ્થું
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ રાજ્યમાં બેરોજગારી દર વધવાના તથ્યોને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે અમે 35થી 40 લાખ લોકોને રોજગારી આપી છે. લગભગ 1.50 લાખ સરકારી નોકરીઓ મેરિટના આધારે પારદર્શી રીતે આપવામાં આવી ચૂકી છે.
રાજ્યમાં હાલ 2.61 લાખ રજિસ્ટર્ડ બેરોજગાર યુવાન છે. જેમણે સક્ષમ યુવા યોજના હેઠળ રોજગારી માગી છે. નવો રોજગાર મળવા સુધી અમે આ યુવાનોને ઑગસ્ટથી 12મું ધોરણ પાસ યુવાનોને 900થી 1200 રૂપિયા, સ્નાતકને 1500થી 2000 રૂપિયા તથા પોસ્ટ ગ્રેજ્યુએટને 3000થી વધારીને 3500 રૂપિયાની રકમ બેરોજગારી ભથ્થા તરીકે આપીશું.