શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના દોષિતને પત્નીએ પણ માફ ના કર્યો! પોલીસને જાણ કરી ધરપકડ કરાવી

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના દોષિતને પત્નીએ પણ માફ ના કર્યો! પોલીસને જાણ કરી ધરપકડ કરાવી 1 - image


Image: Facebook

Chhatrapati Shivaji Maharaj Statue Collapse Case: મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજીની પ્રતિમા ધરાશાયી થવાના મામલે પોલીસે મૂર્તિકારની ધરપકડ કરી લીધી છે. આ પહેલા પણ પોલીસે ઘણા લોકો વિરુદ્ધ આ ઘટનાને લઈને કેસ નોંધ્યો છે. ખાસ વાત એ છે કે મૂર્તિકાર જયદીપ આપ્ટેની પોલીસે તેની પત્નીની મદદથી જ ધરપકડ કરી છે. 26 ઑગસ્ટે ઉદ્ધાટનના થોડા મહિના બાદ જ મૂર્તિ ધરાશાયી થઈ ગઈ હતી. પોલીસે આપ્ટેની શોધ માટે 7 ટીમની રચના કરી હતી. 

આપ્ટેની બુધવારે તેના ઘરની બહારથી જ ધરપકડ કરી દેવાઈ છે. તે પોતાના પરિવારને મળવા પહોંચ્યો હતો. રિપોર્ટ અનુસાર પોલીસનું કહેવું છે કે, આપ્ટેએ પત્ની સાથે સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તે ઘરે પરત ફરી રહ્યો છે. તે બાદ પત્નીએ આ જાણકારી પોલીસને આપી દીધી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આપ્ટેનો પરિવાર ચિંતિત હતો અને ઇચ્છતો હતો કે આપ્ટે પાછો ફરીને તપાસમાં મદદ કરે. 

રાજકારણ ગરમાયું

માલવણ પોલીસે શિવાજીની પ્રતિમા ધરાશાયી થયા બાદ આપ્ટે અને સંરચના સલાહકાર ચેતન પાટિલ વિરુદ્ધ બેદરકારી અને અન્ય ગુના માટે કેસ નોંધ્યો હતો. પાટિલની ગયા અઠવાડિયે કોલ્હાપુરથી ધરપકડ કરી લેવાઈ હતી. 

આ ઘટનાના આરોપીઓની ધરપકડ પર પ્રતિક્રિયા આપતાં ભાજપ નેતા પ્રવીણ દારકરે કહ્યું, 'જે લોકો અમારી સરકારની ટીકા કરી રહ્યા હતા તેમણે હવે પોતાનું મોઢું બંધ કરી લેવું જોઈએ. આ સત્ય છે કે પોલીસે જયદીપ આપ્ટેની ધરપકડ કરવામાં થોડો સમય લીધો. અમે ધરપકડનો શ્રેય લઈ રહ્યા નથી પરંતુ પોલીસે પોતાનું કામ કર્યું છે.' 

ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના(યુબીટી)ના નેતા સુષ્મા અંધારેએ કહ્યું, 'રાજ્ય સરકારને આપ્ટેની ધરપકડનો શ્રેય લેવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં કેમ કે આ સરકારની ફરજ છે. તે કોઈ 'અંડરવર્લ્ડનો ડોન' નહોતો. તેની પહેલાં જ ધરપકડ કરી લેવાની હતી.'


Google NewsGoogle News