Get The App

બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું મળ્યું, આ વાત સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી: જસ્ટિસ નરીમન

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
બાબરી મસ્જિદ નીચે રામમંદિર નહોતું મળ્યું, આ વાત સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી: જસ્ટિસ નરીમન 1 - image


- બાબરીના ચુકાદામાં બિનસાંપ્રદાયિકતાને યોગ્ય ન્યાય ન અપાયું 

- બાબરી ધ્વંસના આરોપી ભાજપના નેતાઓને છોડી મુકનારા જજને નિવૃત્તિ બાદ ઉપલોકાયુક્ત બનાવાયા

Justice Nariman on Babari Masjid Case | સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિનટન નરીમને બાબરી ધ્વંસ પછી આરોપીઓ સામે ચલાવવામાં આવેલી ટ્રાયલ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કહ્યું હતું કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતુ મળ્યંુ તે બાબદ ખુદ સુપ્રીમ કોર્ટે સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની દખલ બાદ પણ આ ટ્રાયલ બહુ જ લાંબી ચાલી હતી અને ભાજપના વરિષ્ઠ નેતાઓને છોડી મુકવામાં આવ્યા હતા. આ નેતાઓને આરોપોથી મુક્ત કરનારા સીબીઆઇ કોર્ટના સ્પેશિયલ જજ સુરેન્દ્ર યાદવને બાદમાં ઉત્તર પ્રદેશમાં લોકાયુક્ત બનાવી દેવાયા હતા. તેઓ નિવૃત્ત થયા તે બાદ આ પદ અપાયું હતું. એટલુ જ નહીં પૂર્વ ન્યાયાધીશે કહ્યું હતું કે ખુદ સુપ્રીમ કોર્ટે સ્વીકાર કર્યો છે કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતું.   

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એએમ અહમદીની યાદમાં સ્થપાયેલી સંસ્થાના લેક્ચરમાં બિનસાંપ્રદાયિકતા અને ભારતીય બંધારણ પર સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નરીમને વક્તવ્ય આપ્યું હતું. જે દરમિયાન તેમણે કહ્યું હતું કે 1992માં બાબરી મસ્જિદ ધ્વંસના આરોપી ભાજપના નેતાઓને છોડી મુકવામાં આવ્યા, આ કેસની ટ્રાયલ 25 વર્ષ સુધી પડતર રહી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે મે આદેશ આપ્યો જે બાદ ટ્રાયલ ફરી શરૂ કરાઇ હતી. 

તેમણે જણાવ્યું હતું કે સ્પેશિયલ સીબીઆઇ જજ સુરેન્દ્ર યાદવે તમામ આરોપીઓને છોડી મુક્યા, બાદમાં નિવૃત્તિ પછી ઉ. પ્રદેશના ઉપ લોકાયુક્ત બન્યા હતા. સપ્ટેમ્બર 2020ના રોજ લખનઉની સ્પેશિયલ કોર્ટે પૂર્વ ઉપવડાપ્રધાન એલકે અડવાણી, પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, ભાજપના નેતા મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને અન્ય નેતાઓને છોડી મુક્યા હતા. છ ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદનો ઢાંચો તોડવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે સીબીઆઇ આ મામલામાં આરોપીઓની સામે નક્કર પુરાવા રજુ કરવામાં નિષ્ફળ રહી છે. એવો કોઇ પુરાવો નથી જેનાથી સાબિત થાય કે બાબરી ધ્વંસ એક કાવતરુ હતું. આ મામલામાં બે ફરિયાદો થઇ હતી જેમાં એક ફરિયાદમાં કારસેવકો અને બીજીમાં આ નેતાઓ આરોપી હતા. જસ્ટિસ નરીમને કહ્યું હતું કે 25 વર્ષ સુધી આ એફઆઇઆરને લઇને કોઇ જ કાર્યવાહી ના થઇ. 

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ નરીમને અન્ય એક મોટુ નિવેદન બાબરી મસ્જિદ અને રામ મંદિરને લઇને આપ્યું છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદામાં બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતો હેઠળ ન્યાય નહોતો કરાયો, રામ મંદિર નિર્માણની છૂટ આપતા સુપ્રીમના ચુકાદાને ટાંકીને તેમણે કહ્યું હતું કે આ મામલામાં ન્યાયની મોટી મજાક કરવામાં આવી, ખુદ સુપ્રીમ કોર્ટે પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતું. બાબરી મસ્જિદ 1528માં બનાવાઇ, 1853માં વિવાદ પહેલા ત્યાં કોઇ જ વિવાદ નહોતો. બે હિસ્સા હતા જેમાં એક હિસ્સામાં હિન્દુ અને બીજા હિસ્સામાં મુસ્લિમ પ્રાર્થના નમાઝ કરતા હતા અને આવુ 1857થી 1949 સુધી ચાલ્યું હતું. ૧૯૪૯માં 50થી 60 લોકો મસ્જિદમાં ઘૂસ્યા અને ત્યાં એક મુરતી રાખી દેવાઇ. 2003નો એએસઆઇનો રિપોર્ટ કહે છે કે આ સ્થળ જુદા જુદા ધર્મના લોકો સાથે જોડાયેલુ રહ્યું છે જેમાં શૈવ સંપ્રદાય (નાથ), બુદ્ધિષ્ટ, જૈનનો સમાવેશ થાય છે. દેશના સૌથી વરીષ્ઠ ન્યાયવીદોમાં સ્થાન ધરાવતા ફલી સામ નરીમનના પુત્ર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિનટન નરીમનના આ ખુલાસા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. 


Google NewsGoogle News