ઈવીએમથી જીત્યા પછી પણ તેને હટાવી દઈશ : અખિલેશ યાદવ
ચૂંટણીમાં મતદાનની પદ્ધતિ બદલીશું
ઈવીએમથી કયા મહોલ્લાએ કોને વોટ આપ્યો તે ખ્યાલ આવે છે, તેથી લોકોમાં દુશ્મની વધી છે
ઈવીએમ અને ઉત્તર પ્રદેશ પોલીસ પર ફરી એક વખત સવાલ ઉઠાવતા અખિલેશ યાદવે કહ્યું કે, ઈવીએમથી હરાવીને જ ઈવીએમને હટાવીશ. મેં લોકસભામાં પણ કહ્યું છે કે હું ઈવીએમથી ઉત્તર પ્રદેશની બધી જ ૮૦ લોકસભા બેઠકો જીતી જઈશ તો પણ ઈવીએમને હટાવી દઈશ. દુનિયાના અનેક દેશો જે વિકસિત છે તે ઈવીએમનો ઉપયોગ નથી કરી રહ્યા. જર્મની જેવો દેશ જે અનેક દૃષ્ટિએ સૌથી વધુ શક્તિશાળી છે તે પોતાના દેશમાં ઈવીએમના ઉપયોગને ગેરબંધારણીય ગણાવે છે. ઈવીએમના એક વોટ પર પણ વિશ્વાસ ના હોય તો ઈવીએમ હટાવી દેવા જોઈએ.
ઈવીએમના વિરોધ વચ્ચે અખિલેશે બેલેટ પેપરને ચૂંટણી માટે સૌથી વિશ્વસનીય પદ્ધતિ ગણાવી હતી. તેમણે કહ્યું વોટ કોણે નાંખ્યા છે તે ખબર પડવી જોઈએ નહીં. ઈવીએમથી એ જાણી શકાય છે કે કયા મહોલ્લાએ કોને વોટ આપ્યો છે. તેના કારણે દુશ્મની વધી રહી છે. તેમણે ઉત્તર પ્રદેશમાં થયેલી ચૂંટણી સમયે પોલીસની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, અનેક જગ્યાએ પોલીસ ચૂંટણી લડી હતી, મતદાન કર્યું અને મતદાન કરાવ્યું હતું. આ અંગે અનેક વીડિયો પણ સામે આવ્યા છે. અનેક મહિલાઓ લડી અને મતદાન કર્યું. મારી પાસે ૩૦૦થી વધુ વીડિયો છે, જેમાં જોવા મળે છે કે ચૂંટણીના દિવસે પોલીસ તંત્ર શું કરી રહ્યું હતું.