પુતિન હવે બહુ થયું, હું બિલકુલ ખુશ નથી: એવું તો શું થયું કે રશિયા પર ભડક્યા ટ્રમ્પ
Russia And Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ બંધ કરવા માટે અમેરિકા સતત પ્રયાસો કરી રહ્યું છે. બીજી બાજુ રશિયાએ ગઈકાલે જ યુક્રેનના કિવ પર મિસાઈલ અને ડ્રોન વડે ઘાતકી હુમલો કરતાં ટ્રમ્પ ગુસ્સે થયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનને આ યુદ્ધ રોકવા ફરી અપીલ કરી છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી હતી કે, હું કીવ પર રશિયાના હુમલાથી જરાય ખુશ નથી. આ જરૂરી ન હતો. તેમાં તેનો સમય પણ ખૂબ ખરાબ હતો. વ્લાદિમીર હવે બહુ થયું (થોભો)! દર અઠવાડિયે 5000 સૈનિકો શહીદ થઈ રહ્યા છે. ચલો, શાંતિ કરાર કરીએ! રશિયાનો આખા યુક્રેન પર કબજો ન કરવો એ રશિયા તરફથી એક મોટી રાહત છે.
70 મિસાઈલ અને 145 ડ્રોન વડે હુમલો
રશિયાએ ગઈકાલે કિવ પર 70 મિસાઈલ અને 145 ડ્રોન વડે હુમલો કર્યો હતો. જેમાં 12 લોકો માર્યા ગયા છે અને 90થી વધુ ઘાયલ થયા છે. જે જુલાઈ, 2024 બાદનો સૌથી ઘાતક હુમલો હતો. યુક્રેનની ઈમરજન્સી સેવાઓ અનુસાર, કિવના 13 વિસ્તારોમાં નુકસાન થયો છે. જેમાં ઈમારતો, જાહેર સંપત્તિને ભારે નુકસાન થયું છે. નાગરિકોમાં અફરાતફરી મચી છે. એક મકાન આ હુમલામાં ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે આખો પરિવાર ફસાઈ ગયો છે. બચાવ કામગીરી ચાલી રહી છે. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ જણાવ્યું કે, અમે કાટમાળને હાથથી હટાવી રહ્યા છીએ, કારણકે, તેની નીચે લોકો ફસાયેલા છે.
શાંતિ પ્રસ્તાવ યુક્રેનને ઝટકો
ટ્રમ્પ સરકારે પેરિસમાં એક શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં યુક્રેનને મોટાપાયે સમાધાન કરવા કહેવામાં આવ્યું છે. જેમાં ક્રીમિયા રશિયાનો હિસ્સો ગણાશે, યુક્રેને રશિયાને મોટો વિસ્તાર આપવો પડશે. જો કે, યુક્રેનના પ્રેસિડન્ટ જેલેન્સ્કીએ આ પ્રસ્તાવ ફગાવ્યો હતો. કારણકે, તે યુક્રેનના બંધારણની વિરૂદ્ધમાં છે. હવે ટ્રમ્પ રશિયાને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેઓ યુક્રેનનો મોટો હિસ્સો કબજે ન કરે, અને શાંતિ કરાર કરે.
યુરોપ અને એશિયાની ચિંતા
ટ્રમ્પા પ્રસ્તાવથી અમેરિકાના સહયોગી દેશ ચિંતિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, એક યુરોપિયન રાજદ્વારીએ જણાવ્યું હતું કે, જો યુક્રેનને પોતાનો વિસ્તાર છોડવા માટે મજબૂર કરવામાં આવશે, તો યુરોપ કે વિશ્વનો અન્ય કોઈ દેશ સુરક્ષિત રહેશે નહીં. ભલે તે પછી NATO માં હોય કે ન હોય. ટ્રમ્પના આ શાંતિ પ્રસ્તાવને આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોની વિરૂદ્ધ દર્શાવવામાં આવ્યો છે. ખાસ કરીને ચીન આ મામલે ચિંતિત છે. એક એશિયન રાજદ્વારીએ જણાવ્યું હતું કે, જો રશિયાને તેની હિંસા માટે ઈનામ મળ્યું તો તે ચીન માટે ગંભીર સંદેશ હશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્યુનલ મેક્રોને રશિયાના હુમલાની નિંદા કરતાં કહ્યું છે કે, પુતિન જુઠું બોલી રહ્યા છે, તે શાંતિ ઈચ્છે છે, તેઓ સતત બોમ્બનો વરસાદ કરાવી રહ્યા છે.