મણિપુરમાં ફરી હિંસા ભડકી : બેના મોત, એક જિલ્લામાં ઇન્ટરનેટ સસ્પેન્ડ
- ચુરાચંદપુરમાં એક હજારના ટોળાનો એસપી ઓફિસ પર હુમલો
- અનેક સરકારી કચેરીઓ અને વાહનોને આગ લગાવાઇ અત્યાર સુધીની હિંસાઓમાં કુલ ૨૦૦થી વધુના મોત
- ઉગ્રવાદીઓ સાથે સેલ્ફી બદલ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થતા સ્થાનિકોમાં રોષ ઃ ટીયર ગેસના શેલ છોડાયા, ૪૨થી વધુ ઘાયલ
ઇમ્ફાલ: મણિપુરમાં છેલ્લા આઠ મહિનાથી હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે. એકાદ મહિનાની શાંતિ બાદ રાજ્યમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. જેને પગલે કેટલાક વિસ્તારોમાં ફરી ઇન્ટરનેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના ચુરાચંદપુરમાં એક નાગરિકના મોત બાદ બંધનું એલાન કરાયું હતું, જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવા સામે પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પરીણામે સ્થાનિકો દ્વારા હિંસાત્મક વિરોધ પ્રદર્શન થયા હતા. સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. હિંસા એટલી ઉગ્ર બની ગઇ હતી કે બળ પ્રયોગમાં બે લોકો માર્યા ગયા હતા. જ્યારે ૪૨થી વધુ ઘાયલ થયા છે.
મણિપુરમાં થોડા દિવસ પહેલા એક તસવીર સામે આવી હતી, જેમાં ચુરાચંદપુરના એક હેડ કોન્સ્ટેબલ સ્થાનિક હથિયારધારીઓ સાથે જોવા મળ્યા હતા. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. જે બાદ આ હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી હેડ કોન્સ્ટેબલ જે સમાજ સાથે જોડાયેલા છે તેઓ ભડકી ગયા હતા અને ધરણા પ્રદર્શન શરૂ કર્યા હતા. દરમિયાન વિરોધ પ્રદર્શને હિંસાનું સ્વરુપ ધારણ કર્યું હતું. સ્થાનિક પોલીસ કન્ટ્રોલ રૂમનો દાવો છે કે ૧૦૦૦થી વધુ લોકોના ટોળાએ એસપી ઓફિસને ઘેરી લીધી હતી. આ દરમિયાન એક પોલીસ સ્ટેશનને આગ લગાવવાના પણ અહેવાલો સામે આવ્યા છે. ડીએસપીના નિવાસ સ્થાનના કેટલાક હિસ્સાને અને વાહનોને આગ લગાવાઇ હતી.
બાદમાં ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જે દરમિયાન બે લોકો માર્યા ગયા હતા. જ્યારે ૪૨થી વધુ લોકો ઘાયલ થયા છે. જેને પગલે હિંસા વધુ વિફરી છે, સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ વિસ્તારમાં પાંચ દિવસ માટે ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી દીધી હતી. જોઇન્ટ સેક્રેટરી દ્વારા જારી નોટિફિકેશનમાં દાવો કરાયો છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ફરી હિંસાને મોટુ સ્વરૂપ આપવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ થઇ શકે છે. સ્થાનિક આદિવાસી સંગઠન ટ્રાઇબલ લીડર્સ ફોરમ દ્વારા સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન કરાયું હતું, જેને પગલે શુક્રવારે સમગ્ર જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી.
મણિપુરની અત્યાર સુધીની હિંસાની ઘટનાઓમાં ૨૦૦થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે હજારો લોકો વિસ્થાપિત થયા છે. અગાઉ જે પણ હિંસાની ઘટનાઓ સામે આવી તે કુકી અને મૈતેઇના લોકો વચ્ચે અનામતના વિવાદને કારણે થઇ હતી. જ્યારે તાજેતરની હિંસા કુકી સમુદાયના એક પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહીને કારણે ભડકી છે. કુકી સમુદાયના લોકો દ્વારા જિલ્લા પોલીસ મથક અને અન્ય સરકારી કચેરીઓને ઘરે લેવામાં આવી હતી અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ રદ કરવાની માગણી કરવામાં આવી હતી. એવા અહેવાલો છે કે આ કોન્સ્ટેબલ ઉગ્રવાદીઓને બંકરમાં મળ્યો હતો જે દરમિયાન તેણે તેની સામે સેલ્ફી લીધી હતી. બાદમાં આ તસવીર વાયરલ થઇ ગઇ હતી અને તેની સામે કાર્યવાહીની માગણી પણ થઇ રહી હતી.