રેલવે મુસાફરો માટે ખુશખબર, આ રૂટ પર શરુ થઈ વંદે ભારત ટ્રેન : જાણો સંપૂર્ણ માહિતી
Ernakulam-Bengaluru Vande Bharat: કેરળના એર્નાકુલમ અને બેંગલુરુ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરુ કરવામાં આવી છે. દક્ષિણ રેલવેએ ગુરુવારે એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત ટ્રેનની પ્રથમ મુસાફરીની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરી હતી. જેમાં લખ્યું કે, 'નવી વંદે ભારત એર્નાકુલમ જંક્શનથી KSR બેંગલુરુ સિટી જંક્શન સુધીની તેની પ્રથમ યાત્રા પર છે.'
આ દિવસે એર્નાકુલમ-બેંગ્લોર વંદે ભારત ચાલશે
લાંબી રાહ જોયા બાદ રેલવેએ એર્નાકુલમ અને બેંગલુરુ વચ્ચે સ્પેશિયલ વંદે ભારત ટ્રેન સેવા શરુ કરી છે. આ સેવા 25મી ઑગસ્ટ સુધી અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલશે. આ ટ્રેન એર્નાકુલમથી બુધવાર, શુક્રવાર અને રવિવારે અને બેંગલુરુથી ગુરુવાર, શનિવાર અને સોમવારે ઉપડશે.
વંદે ભારત ટ્રેનનો ટાઈમ ટેબલ
એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત ટ્રેનના ટાઇમટેબલની વાત કરીએ તો, ટ્રેન એર્નાકુલમથી બપોરે 12:50 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:00 વાગ્યે બેંગલુરુ કેન્ટોન્મેન્ટ સ્ટેશન પહોંચશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 5:30 વાગ્યે બેંગલુરુ કેન્ટોન્મેન્ટથી ઉપડશે અને બપોરે 2:20 વાગ્યે એર્નાકુલમ પહોંચશે. આ રૂટમાં દસ સ્ટેશનોના સ્ટોપનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: શું હવાઈ મુસાફરી મોંઘી થશે? એટીએફના ભાવ સતત બીજા મહિને વધ્યા
બેંગલુરુ-અર્નાકુલમ રૂટ પર મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને આ ટ્રેન શરુ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેનની શરુઆત આ રૂટના મુસાફરો માટે રાહતના સમાચાર છે. જો કે, કેટલાક મુસાફરોએ દિવસના ટાઇમટેબલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો કે, દક્ષિણ રેલવેએ ખાતરી આપી છે કે વંદે ભારત ટ્રેનની શરુઆત સાથે આ મુદ્દા પણ ઉકેલવામાં આવશે.