Get The App

આ યુગ સહકારનો છે, સંઘર્ષનો નથી, લોકશાહીનો છે, વિસ્તારવાદનો નથી

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
આ યુગ સહકારનો છે, સંઘર્ષનો નથી, લોકશાહીનો છે, વિસ્તારવાદનો નથી 1 - image


- જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ભારત દોડયું છે, કુદરતી આપત્તિ હોય કે આર્થિક ભીંસ હોય, કે મહામારી હોય ભારતે નિ:સ્વાર્થ ભાવે સહાય કરી છે

જ્યોર્જ ટાઉન : અહીં મળી રહેલી કેરેબિયન દેશોની ૧૨મી સંસદીય પરિષદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવાઈ ગયા હતા. તેઓે ગુયાના સાથેના સદીઓ જૂના સંબંધોની યાદ સાથે પોતાનાં વક્તવ્યનો પ્રારંભ કરતાં કહ્યું કે ૧૮૦ વર્ષ પહેલાં સૌથી પહેલા એક ભારતીયે અહીં પગ મુક્યો હતો. તેઓએ ગુયાનાની સંસદને કરેલાં સંબોધનમાં પ્રારંભમાં કહ્યું આજે હું અહીં ભારતના વડાપ્રધાન તરીકે આવ્યો છું. પરંતુ ૨૪ વર્ષ પૂર્વે માત્ર કેરેબિયન વિસ્તારને જાણવાની ઉત્સુકતાને લીધે જ આદેશમાં આવ્યો હતો.

ભારત અને ગુયાના વચ્ચે ઘણા ઘનિષ્ટ સંબંધો છે. આ સંબંધો વિશ્વાસ પર રચાયેલા છે. સખત પરિશ્રમ પર રચાયેલા છે. પારસ્પરિક સન્માન ઉપર રચાયેલા છે. આજનાં વિશ્વનો સૌથી પ્રબળ મંત્ર હોય તો તે છે સર્વ પ્રથમ લોકશાહીની સર્વપ્રથમ માનવતા.

નરેન્દ્ર મોદીએ એક વર્ષ પૂર્વે કહ્યું હતું, 'આ યુગ યુદ્ધનો નથી.' આજે તેમાં તેઓએ ઉમેરો કરી કહ્યું : 'આ યુગ સહકારનો છે. સંઘર્ષનો નથી. લોકશાહીનો છે. વિસ્તારવાદનો નથી.'

આ સાથે ભારતનું ઉદાહરણ ટાંકતાં તેઓે કહ્યું : 'જ્યાં જ્યાં જરૂર પડી, ત્યાં ત્યાં ભારત દોડયું છે, પછી તે કુદરતી આપત્તિ હોય કે આર્થિક કટોકટી હોય કે મહામારી હોય ભારતે નિ:સ્વાર્થ ભાવે સહાય કરી છે. સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં આપત્તિ આવી છે ત્યાં ત્યાં ભારત સહાયે દોડયું છે.'

આ માટે ઉદાહરણો ટાંકતાં તેઓએ કહ્યું હતું : 'શ્રીલંકા હોય કે નેપાળ, કે માલદીવ હોય તે દરેક પાડોશીઓની સહાયે ભારત પહોંચી ગયું હતું. સીરિયાની અને તુર્કીની સહાયે પણ. (ધરતી કંપ વખતે) ભારત સૌથી પહેલાં પહોંચ્યું હતું. તે પાછળ ભારતનો કોઈ ગુપ્ત ખોટો હેતુ ન હતો કે ન હતી લોભવૃત્તિ. અમે કદી કોઇનાં નૈસર્ગિક ભંડારો મેળવવા સહાય કરી નથી કે તેવો કોઈ હેતુ પણ ન હતો. સમુદ્ર હોય કે અંતરિક્ષ અમે હંમેશાં અન્યની સમૃદ્ધિ લૂંટવાથી દૂર જ રહ્યા છીએ. અમે વૈશ્વિક સહકાર માટે પ્રતિબદ્ધ છીએ, વૈશ્વિક સંઘર્ષથી તો દૂર જ રહીયે છીએ.'

પોતાનાં વક્તવ્યનાં સમાપનમાં તેઓએ કહ્યું આજે લોકશાહી સર્વપ્રથમ માનવતા સર્વપ્રથમ તે જ મૂળમંત્ર હોઈ શકે. તે ખ્યાલમાં રાખી ભારત વિશ્વબંધુ તરીકે વિશ્વમાં ઊભું રહ્યું છે અને જ્યારે જ્યારે આપત્તિ ઉભી થઇ છે, ત્યારે ત્યારે તે અન્યોની સહાયે દોડયું જ છે.


Google NewsGoogle News