EPFOએ ઉચ્ચ પેન્શન માટે લીધો મહત્વનો નિર્ણય, હવે આ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શક્શો
પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી
આ સમયમર્યાદા 3 મે 2023ના રોજ સમાપ્ત થવાની હતી
Image : Wikipedia |
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા ઉચ્ચ પેન્શન મેળવવા માટે અરજી કરવાની સમયમર્યાદા લંબાવી છે. હવે ઉચ્ચ પેન્શન લાભ મેળવવા કર્મચારીઓ 26મી જૂન સુધીમાં અરજી કરી શકે છે. આ પહેલા છેલ્લી તારીખ 3 મે 2023 સુધી જ હતી જેને વધારવામાં આવી છે. પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
EPFO extends deadline to apply for higher pension till June 26
— Press Trust of India (@PTI_News) May 2, 2023
સુપ્રીમ કોર્ટે યોજના ચાલુ રાખવા કહ્યું હતું
સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2022માં કર્મચારી પેન્શન યોજના 2014ને ચાલુ રાખવા કહ્યું હતું. વર્ષ 2014માં કરવામાં આવેલા EPS રિવિઝનમાં પેન્શન સેલેરી કેપ રૂ. 6,500થી વધારીને રુપિયા 15 હજાર પ્રતિ માસ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે EPFOએ તેના હયાત અને પૂર્વ ખાતાધારકોને અધિક પેન્શનો વિકલ્પ આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટે ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટે ચાર મહિનાનો સમય આપ્યો હતો. આ સમયમર્યાદા 3 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થવાની હતી. આ પછી તેને વધારીને 3 મે 2023 કરવામાં આવી.
EPFOને સમય વધારવાની માંગ કરાઈ હતી
EPFOએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે જે કર્મચારીઓ 1 સપ્ટેમ્બર, 2014 પહેલા સેવામાં હતા અને 1 સપ્ટેમ્બર, 2014ના રોજ અથવા તે પછી સેવામાં ચાલુ રહ્યા હતા પરંતુ કર્મચારી પેન્શન યોજના હેઠળ સંયુક્ત વિકલ્પનો ઉપયોગ કરી શકતા ન હતા તેઓ હવે તેનો લાભ લઈ શકે છે. આ મામલે કર્મચારી સંગઠનો અને પ્રતિનિધીઓએ EPFOને સમય વધારવાની માંગ પણ કરી હતી. આ તમામ બાબત જોતા અધિક પેન્શન માટે ઓનલાઈન અરજીઓ માટે સમય મર્યાદા વધારી 26 જૂન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. EPFOએ કહ્યું કે કર્મચારી, ખાતાધારકો અને સંગઠનો દ્વારા આવેલી માંગ પર વિધિવત રીતે વિચાર કર્યા બાદ સમય મર્યાદા વધારવામાં આવી છે. જેનાથી ખાતાધરકો અને પેન્શન ધારકોને અરજી કરવા માટે પુરતો સમય મળી રહશે.