તમિલનાડુના કલ્લાકુરિચી-વરાધારાજાપેરુમલ મંદિરમાં દલિતોને ૨૦૦ વર્ષ પછી એન્ટ્રી
નવા વર્ષમાં ચિન્નાસાલેમના દલિતોની વર્ષો જૂની માગ પૂર્ણ
ગામવાળાઓના જોરદાર વિરોધ છતાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્રે દલિતોને મંદિરમાં પ્રવેશ કરાવ્યો
ચેન્નાઇ,
તા. ૨
નવા વર્ષના પ્રસંગે તમિલનાડુના ચિન્નાસાલેમમાં દલિતો માટે
એક નવી શરૃઆત થઇ છે. ૨૦૦ વર્ષ પછી દલિતોને કલ્લાકુરિચી-વરાધારાજાપેરુમલ મંદિરમાં
પ્રવેશ મળ્યો છે. અધિકારીઓના હસ્તક્ષેપ પછી આ શક્ય બન્યું છે અને ગામવાળાઓના વિરોધ
છતાં એક નવી શરૃઆત જોવા મળી છે.
૨૦૦ વર્ષ પછી મળેલા આ અધિકારથી દલિતો ખુશ છે અને તેમણે
મંદિરમાં પુજા પણ કરી હતી. વાસ્તવમાં આ મંદિરમાં દલિત સમુદાય ઘણા લાંબા સમયથી
મંદિરમાં પ્રવેશવાની પરવાનગી માગી રહ્યાં હતાં. જો કે ગામ લોકોના વિરોધના કારણે આ
શક્ય બન્યું ન હતું.
ગામના લોકોનું માનવું હતું કે જે પરંપરા વર્ષોથી ચાલતી આવે
છે તેમાં તેમને વિશ્વાસ હતો અને તે તમાં કોઇ ફેરફાર કરવા માગતા ન હતાં. આ જ કારણે
તમામ પ્રકારના દેખાવો છતાં દલિત સમુદાયને મંદિરમાં પ્રવેશવાથી વંચિત રાખવામાં
આવ્યા હતાં.
જો કે જ્યારે કલેક્ટર શ્રવણ કુમાર અને આરટીઓ પવિધ્રાને આ
અંગે માહિતી મળી તો તેમણે તરત જ હિંદુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્ત વિભાગનો
સંપર્ક સાધ્યો હતો અને પછી ત્યાંથી પરવાનગી મળી ગઇ તો દલિત સમુદાયને મંદિરમાં દાખલ
કરાવ્યા હતાં.
આ વંચિત સમુદાયને પોલીસ બંદોબસ્ત વચ્ચે
કલ્લાકુરિચી-વરાધારાજાપેરુમલ મંદિરમાં પ્રવેશ મળ્યો હતો.પોલીસ બંદોબસ્ત એટલા માટે
રાખવામાં આવ્યો હતો કે કારણકે વહીવટી તંત્રને ડર હતો કે ગામવાળાઓ દલિત સમુદાયની
એન્ટ્રીનો વિરોધ કરી શકે છે અને વિવાદ હિંસક સ્વરૃપ ધારણ કરી શકે છે.
જેના પગલે મંદિરની આસપાસ ૩૦૦ પોલીસ કર્મચારીઓ અગાઉથી જ
તૈનાત કરવામાં આવ્યા હતાં. છેલ્લા દસ દિવસમાં આ બીજો પ્રસંગે છે જ્યારે દલિત
સમુદાયને કોઇ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આ અગાઉ અય્યાનાર
મંદિરમાં દલિતોને એન્ટ્રી કરાવવામાં આવી હતી.